કોન્ટેક્ટ લેન્સ

કોન્ટેક્ટ લેન્સ

- in I K Vijaliwala
74
0

આઈ. કે. વીજળીવાળા

એ છેલ્લું ચડાણ પૂરું કરે એ પહેલાં જ સલામતી માટે બાંધેલું દોરડું એના ચહેરા સાથે અથડાયું. ને બ્રેંડાની જમણી આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ નીકળીને ક્યાંક ઊડી ગયો. ડાબી આંખ તો પહેલેથી જ નબળી હતી. ત્યારે લેન્સ વિના જમણી આંખ પણ નકામી બની ગઇ…

બ્રેંડા નામની એક યુવતી પોતાના ગ્રૂપ સાથે રોક-ક્લાઇમ્બિન્ગ (એક પ્રકારનું પર્વતારોહણ) માટે ગઇ હતી. જોકે આ પ્રકારના સાહસથી એને કાયમ બીક જ લાગતી હતી, છતાં મિત્રોના અતિ આગ્રહથી એ બધા સાથે આ સાહસમાં જોડાવા તૈયાર થઇ હતી. છતાં એના મનમાં ઊંડે ઊંડે એક ફફડાટ તો ચાલુ જ હતો. ગ્રેનાઇટના ઊભા પથ્થરો પર ચડવાનું આમ પણ જરાય સહેલું નહોતું. બ્રેંડાને પોતે ચડી શકશે કે કેમ એ અંગે પૂરેપૂરી શંકા હતી. બહારથી તો એ હિંમત બતાવી રહી હતી, પણ અંદરથી એ ખાસ્સી ડરેલી હતી. દોરડાઓના સહારે અને મિત્રોએ આપેલ હિંમતના ટેકાથી એ ધીમે ધીમે ચડી રહી હતી.

ઉપર ચડતાં એ એક વિશ્રામ-સ્થાનથી થોડે દૂર હતી એ જ વખતે એક અકસ્માત થયો. એ છેલ્લું ચડાણ પૂરું કરે એ પહેલાં જ સલામતી માટે બાંધેલું દોરડું એના ચહેરા સાથે અથડાયું. એ સાથે જ બ્રેંડાની જમણી આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ નીકળીને ક્યાંક ઊડી ગયો. એની ડાબી આંખ તો પહેલેથી જ નબળી હતી. જમણી આંખના સહારે જ બ્રેંડા એનું કામ ચલાવતી. અચાનક આજે કોન્ટેક્ટ લેન્સ નીકળી જવાથી એ આંખ પણ નકામા જેવી જ બની ગઇ. એને આસપાસનું બધું ઝાંખું દેખાવા માંડયું. એને એક ઊંડો ધ્રાસકો પડી ગયો. નીચે સેંકડો ફૂટ ઊંડી ખીણ હતી, બરાબર દેખાતું નહોતું અને છેલ્લું ચડાણ તો હજુ બાકી હતું.

એણે સામેની પથ્થરની ધાર પર વારાફરતી બંને હાથ વડે ફંફોસીને લેન્સ શોધવાનો પ્રયત્ન કરી જોયો. ઘણાં ફાંફાં માર્યા, પણ સાવ વ્યર્થ! એને ઉડી ગયેલો લેન્સ ન મળ્યો. બ્રેંડા એ વખતે જે જગ્યાએ હતી ત્યાંથી સૌથી નજીકની માનવ વસાહત ઘણી દૂર હતી. એટલે કોઇ જઇને બીજો એવો જ લેન્સ લઇ આવે એ શકયતા પણ નહોતી. એને થયું કે હવે તો પ્રાર્થના સિવાય અન્ય કોઇ સહારો જ નથી. છેવટે હારી-થાકીને એણે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. પ્રાર્થના કરતાં કરતાં એણે ચારે તરફ દૃષ્ટિ ફેંકી. થોડીવાર પહેલાં જ્યાં પહાડોનો અદ્ભુત નજારો દેખાતો હતો ત્યાં એને હવે બધું જ ધૂંધળું અને ધુમ્મસ જેવું ઝાંખું લાગતું હતું. બીકના કારણે એના ધબકારા વધી ગયા હતા.

હિંમત એકઠી કરીને એણે દોરડાઓના સહારે ધીમે ધીમે ઉપર ચડવાનું શરૂ કર્યું. જેમ તેમ કરીને એ વિશ્રામ સ્થાન સુધી પહોંચી. ઉપર પહોંચ્યા પછી એની એક મિત્રે એણે પહેરેલાં કપડાં પણ ધ્યાનથી જોઇ લીધા કે કદાચ લેન્સ ઊડીને કપડામાં ભરાઇ ગયો હોય કે એકાદ ખિસ્સામાં પડી ગયો હોય તો મળી આવે. પરંતુ એ પણ વ્યર્થ! એમાંય એમને નિરાશા જ સાંપડી. લેન્સ ન જ મળ્યો.

થાકીને બધા આરામ કરવા બેઠા. આમેય એમને ત્યાં થોડો સમય રાહ જોવાની હતી. જેથી પાછળથી આવી રહેલી ટુકડીઓ એમની સાથે થઇ જાય. એ સમય દરમિયાન બ્રેંડા સતત ઇશ્ર્વરને યાદ કરી રહી હતી કે, ‘હે ઇશ્ર્વર! કાંઇક રસ્તો કાઢજે! કાંઇક મદદ કરજે!’ ઝાંખી આંખે અને ફફડતા જીવે એ ચારે તરફ જોઇ રહી હતી. એને મનમાં થતું હતું કે આ પર્વતનાં ઢોળાવ પર રહેલા સેંકડો વૃક્ષો, અગણિત પથ્થરો અને નીચે હજારો ફૂટ ઊંડી ખીણ! કોને ખબર એ બધાની વચ્ચે કઇ જગ્યાએ એનો કોન્ટેક્ટ લેન્સ પડ્યો હશે? આવો વિચાર પણ એને હતોત્સાહ કરી નાખતો હતો.

એ જ વખતે એને બાઇબલના વાક્યો યાદ આવ્યાં કે ‘ભગવાનની આંખો બધું જ જોતી હોય છે!’ એ વાક્યો યાદ આવતાં જ બ્રેંડાના હૃદયમાં એક નવી જ આશાનો સંચાર થયો. એની હતાશા અચાનક જ જાણે ઓસરી ગઇ. પોતાની બંને આંખ બંધ કરી એણે બંને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ‘હે ભગવાન! તમારી આંખો તો બધું જ જોતી હોય છે. તમે તો આ પર્વતો અને ખીણનો એક એક ઇંચ જોઇ શકો છો. તમે એ પણ જાણતા જ હશો કે મારો કોન્ટેક્ટ લેન્સ ક્યાં પડ્યો છે! પ્લીઝ, ભગવાન, પ્લીઝ! મને એ શોધી આપોને?’ એટલું બોલતાં એની આંખોમાં આંસુ છલકાઇ આવ્યાં.

બરાબર એ જ વખતે બીજી ટુકડીના થોડાક સભ્યો ચડીને વિશ્રામ માટે ત્યાં આવી પહોંચ્યા. એમાંના એકે બૂમ પાડી કે, ‘હે યુ ગાય્ઝ! એ મિત્રો! તમારામાંથી કોઇનો કોન્ટેક્ટ લેન્સ પડી ગયો છે?’

આ સાંભળીને બ્રેંડા સફાળી ઊભી થઇને બોલી ઊઠી, ‘હા ડુડ! હા ભાઇ! મારો પડી ગયો છે. ઓહ! થેન્ક્યુ સો મચ! દોસ્ત, તારો ખૂબ ખૂબ આભાર!’

પેલાએ બ્રેંડાને લેન્સ આપ્યો. લેન્સને પોતાના પર્સમાં રહેલી કીટ વડે સાફ કરી બ્રેંડાએ ફરી પહેરી લીધો. પછી પેલાને પૂછ્યું, ‘પણ દોસ્ત! તને આ લેન્સ મળ્યો કઇ રીતે?’

‘તું નહીં માને!’ પેલાએ કહ્યું, ‘હું અહીંથી થોડી નીચાઇ પર એક પથ્થરની ધાર પકડીને ચડી રહ્યો હતો. મારું માથું એ ધારની ખૂબ નજીક હતું. અચાનક મારી નજર એક વિચિત્ર દૃશ્ય પર પડી. મારી આંખની બરાબર સામે જ એક કીડી આ લેન્સ લઇને ચાલી રહી હતી. જો એણે આ લેન્સ ઉપાડ્યો ન હોત તો મને એ દેખાત જ નહીં. પરંતુ એ હલતો હતો એટલે જ મારી નજરે ચડી ગયો. મને હજુ પણ એ વાતની જ નવાઇ લાગે છે કે આટલો મોટો લેન્સ એ કીડીએ ઉપાડ્યો કઇ રીતે હશે?’

બ્રેંડા કાંઇ ન બોલી. એની આંખમાં આંસુ આવી ગયાં. એને ખબર પડી ગઇ હતી કે નાનકડી કીડીએ આવડા મોટા કોન્ટેક્ટ લેન્સનો ભાર કઇ રીતે ઉપાડ્યો હશે? એનું મન કહેતું હતું કે કદાચ ભગવાને જ એને આમ કરવાનું કહ્યું હશે.

***

બ્રેંડાના પિતા એક જાણીતા કાર્ટૂનિસ્ટ હતા. એમણે આ આખી ઘટના છપાવી હતી. એમાં એમણે એક કાર્ટૂન દોરેલું. જેમાં એક કીડી કોન્ટેક્ટ લેન્સ ઉપાડીને ચાલતાં ચાલતાં બોલી રહી હોય કે, ‘હે ભગવાન! મને સમજાતું નથી કે તું મને આવી નકામી ચીજ ઉપાડવાનું કેમ કહે છે? એક તો હું એને ખાઇ શકતી નથી. અને બીજું એ વજનમાં પણ અત્યંત ભારે છે. પરંતુ તું મને આ કામ કરાવવા જ ઇચ્છતો હોય તો હું એ ચોક્કસ ઉપાડીશ! કારણ કે એની પાછળ તારો કોઇક શુભ આશય જરૂરથી હશે!’

***

આપણે બધાં ઘણી વખત એવું બોલતાં હોઇએ છીએ કે, ‘હે ભગવાન! તું મારા પર આ કેવો વિચિત્ર અને ભારેખમ બોજો નાખી રહ્યો છે?’ પરંતુ આપણે એક વાત ભૂલી જઇએ છીએ. આપણે એની સાથે એક વધારે વાક્ય જોડવું જોઇએ કે, ‘કાંઇ વાંધો નહીં ભગવાન! તું મારી પાસે આ બોજો ઉપડાવવા જ માગતો હોય તો હું એ ચોક્કસ ઉપાડીશ. કારણ કે, એની પાછળ તારો કોઇક શુભ આશય જરૂરથી હશે!’

આપણે એ પણ યાદ રાખવું જોઇએ કે ભગવાન કોઇ કામ કરાવવા માટે નિષ્ણાતને જ પસંદ કરે એવું નથી હોતું. પણ હા! એ જેને પસંદ કરે એને એ કામમાં નિષ્ણાત જરૂર બનાવી દેતો હોય છે!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

મુશાયરો

સંકલન : ‘મૌલિક’ હું પડ્યો પે’લાં… અર્થ જીવનનો