ક્રિએટિવ વિઝનથી માનવીય લાગણીઓને કેપ્ચર કરે છે… ભક્તિ ગણાત્રા

ક્રિએટિવ વિઝનથી માનવીય લાગણીઓને કેપ્ચર કરે છે… ભક્તિ ગણાત્રા

- in Samvedna, Womens World
73
0
ભક્તિ-ગણાત્રા

– પારુલ સોલંકી

જસ્ટ ઇમેજિન! એક યુવતી કે જેનું મોડેલિંગનું કામ ખૂબ જ સરસ રીતે ચાલતું હોય, સાથે જ નાટકમાં કામ કરવાનો શોખ હોય અને ટીવી સિરિયલમાં એક્ટિંગનું પૅશન.. અને એ ત્રણ ટ્રેક પર કામ પૂરજોશમાં ચાલુ હોય ત્યારે એ કલાકાર અચાનક જ ફોટોગ્રાફીની દુનિયામાં આવી જાય તો એક આશ્ર્ચર્ય જરૂર થાય. એને તમે ‘ભક્તિ’નું પૅશન, ચાહત, લગન કે વળગણ જે કહો તે પરંતુ આવી જ એક મલ્ટિટેલેન્ટેડ ગુજરાતી યુવતી છે ભક્તિ ગણાત્રા. કોઇપણ મહિલા જ્યારે કશું હટકે કરતી હોય અને એ પણ સ્ત્રીઓ માટે ઑફબીટ ગણાતા ફિલ્ડમાં, ત્યારે એ વાત એટલી સહેલી તો નથી જ હોતી, જેટલી આપણને લાગતી હોય! પરંતુ જ્યારે વ્યક્તિના મનમાં એક પૅશન અને હિંમત હોય તો કામ સહેલું જરૂર બની જાય છે.

ભક્તિને પોતાને પણ તે ફોટોગ્રાફર બનશે એવી તો એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પરંતુ ઘણીવાર અમુક પ્રકારની ઘટના કે પ્રસંગને કારણે વ્યક્તિ પોતાના જીવનમાં એક નવી જ મંઝિલ શોધી લે છે. મૂળ રાજકોટની પણ હાલ મુંબઇ સ્થિત અભિનેત્રી ભક્તિ ગણાત્રાને પણ આવી રીતે જ પોતાના જીવનનું એક નવું ધ્યેય મળી ગયું.

ભક્તિ કહે છે કે, મોડેલ તરીકે મારે ભારતની અસંખ્ય ફોટોગ્રાફર ફેકલ્ટી સાથે કામ કરવાનું બન્યું ત્યારે તે લોકો જે ફોટોગ્રાફી કરતા તેની ઝીણી ઝીણી બાબતોનું ‘એઝ અ મોડેલ’ હું એક નિરીક્ષણ કરતી રહેતી. મારું સતત ઓબ્ઝર્વેશન રહેતું અને આમ મોડેલિંગ કરતાં કરતાં અલગ અલગ જગ્યાએથી ફોટોગ્રાફી વિશે ઘણી નવી નવી બાબતો હું શીખતી ગઇ. ત્યારે મને સેલ્ફીનો શોખ હોવાથી મેં મારી સેલ્ફીથી જ શરૂઆત કરી. મારા જ સેલ્ફી અલગ અલગ એન્ગલથી પાડીને ફોટોગ્રાફરને બતાવતી ત્યારે મારી લીધેલ સેલ્ફી જોઇને ફોટોગ્રાફરના ચહેરા પર સ્માઇલ જોતી અને મારા ક્લિક કરેલ સેલ્ફી વિશે વખાણ સાંભળીને મને વધુ પ્રોત્સાહન મળતું ગયું. પ્લસ મારું મોડેલિંગ ચાલુ હોય અને બ્રેક પડે ત્યારે ફોટોગ્રાફરનો કેમેરા લઇને તેઓના ફોટોઝ હું ક્લિક કરતી અને તેમના અભિપ્રાય લેતી. એમ જ મોડેલિંગ કરતાં કરતાં મને ફોટોગ્રાફી કરવામાં રસ પડવા લાગ્યો અને સમય જતાં ફોટોગ્રાફીમાં રસ વધતો ગયો. એ સિવાય મેં મોડેલ તરીકે ૬ર જેટલા વર્કશોપ કર્યા છે તે સમયે સતત નિરીક્ષણ કરતા રહેવાથી ફોટોગ્રાફી બાબતે સૂક્ષ્મ સમજ આવવા લાગી. મને અચાનક યાદ આવ્યું કે વરસો પહેલાં મારા પપ્પાની એવી ઇચ્છા હતી કે મારો ભાઇ ફોટોગ્રાફર બને. કેમ કે, ફોટોગ્રાફી એક એવું પ્રોફેશન છે કે જેની વેલ્યૂ ક્યારેય પણ ડાઉન નથી થતી. હા, મારો મોટો ભાઇ છે પણ મારા ઘરમાં એવું છે કે મને મારા પપ્પાએ એક દીકરાની જેમ જ મોટી કરી છે તેથી મને એકદમ જ એવો વિચાર આવ્યો કે જો હું ફોટોગ્રાફર બનું તો મારા પપ્પાને એક પ્લેઝન્ટ સરપ્રાઇઝ મળશે અને તેઓને ખૂબ જ ગમશે. તેથી મેં મોડેલિંગ અને અભિનય કરવા સાથે જ ફોટોગ્રાફીમાં મારી કરિયર બનાવવાનો એક ચોક્કસ નિર્ણય કરી જ લીધો. જો કે, આ નિર્ણય અમલમાં મૂકવો ભક્તિ માટે એટલો સરળ ન હતો. કેમ કે, આ ઇન્ડસ્ટ્રી પુરુષપ્રધાન હતી. વળી તેણે તે માટે કોઇ વિધિવત્ ટ્રેનિંગ પણ લીધી ન હતી.

ભક્તિ પોતાની ફોટોગ્રાફી કરિયર વિશેની વાત આગળ વધારતાં કહે છે ‘મેં દીપક સરના ઘણા વર્કશોપ એટેન્ડ કર્યા. દીપક વાઘેલા પાસે મેં ફોટોગ્રાફીથી લઇને એડવાન્સ ફોટોગ્રાફી પ્લસ સિનેમાગ્રાફી, વીડિયોગ્રાફી બધું જ શીખ્યું છે. ત્યાર બાદ પ્રેક્ટિકલી અનુભવ લીધો અને અત્યારે પ્રોફેશનલ ફોટોગ્રાફી વર્ક કરી રહી છું. હા, હું કેન્ડીડ ફોટોગ્રાફી કરું છું. પ્રોફેશનલ ફોટોગ્રાફી કરવા માટે મારે જેટલું શીખવું જરૂરી હતું તેટલી તાલીમ મેં લીધી છે. આજે પણ હું કહું છું કે જો તમારું વિઝન સારું હશે તો ડે બાય ડે તમે એક કે બે ફોટા પર વધુને વધુ પ્રેક્ટિસ કરશો તેમ તમે વધુ શીખી શકશો. ફોટોગ્રાફી એક એવું ફિલ્ડ છે કે જ્યાં એક જગ્યાએ બેસીને કામ ના કરવાનું હોય. પરંતુ તેમાં તમારે અલગ અલગ જગ્યાએ જવા માટે તૈયારી પણ રાખવી પડે. તો જ તમારો વિકાસ થાય. અને હા, આ પ્રોફેશનનો એ પણ એક બેનિફિટ જ છે.

ફોટોગ્રાફીના પ્રોફેશનમાં વિવિધ ડેસ્ટિનેશન પર જવા મળે છે. તો નવા સ્થળ પણ જોવા મળે છે.’

ફોટો ક્લિક કરવા માટે હૃદયસ્પર્શી બાબત કઇ ગણી શકાય એ સવાલના જવાબમાં ભક્તિ જણાવે છે… ફોટોગ્રાફી કરવી એટલી હદે મને ગમે છે કે ફોટોગ્રાફી કરવાનો મને એક નશો ચડે છે એવું હું અનુભવું છું. ફોટોગ્રાફર તરીકે લોકોની ફીલિંગ્સ સમજીને, તેઓના થિન્કિંગને, તેઓના એક્સપ્રેશન ઓળખીને મને ફોટો કેપ્ચર કરવા ગમે છે. ખાસ તો એક વિઝન હોવું જરૂરી છે અને દરેક વ્યક્તિનું અલગ અલગ વિઝન હોય છે. જો ફોટોગ્રાફર તરીકે તમારું વિઝન ક્રિએટીવ અને ખૂબ સરસ હશે તો જ તમે લોકોને તેઓની પોતાની એક સુંદર મેમરી આપી શકશો. તેઓનો ફોટો સારી રીતે કેપ્ચર કરી શકશો. કેમ કે, ફોટોગ્રાફરે એના ક્લાયન્ટ સાથે જોડાઇને તેમને લાઇફ ટાઇમની એક મેમરી આપવાની છે. આ તો કેમેરા વડે લોકોની લાગણીને કેપ્ચર કરવાની વાત છે. ફોટોગ્રાફી એક સંભારણું આપે છે. ફોટોગ્રાફીના પ્રોફેશન માટે મારી ઇચ્છા અને કોશિશ એ જ છે કે હું મારા ક્લાયન્ટને બેસ્ટ ફોટોગ્રાફીની એવી મેમરી આપી શકું કે જ્યારે પણ તેઓ પોતાના ફોટોગ્રાફ જુએ ત્યારે તેઓના ચહેરા પર એક સુંદર મુસ્કાન આવે.

લેડી ફોટોગ્રાફર તરીકે તમને કેવો અનુભવ થાય છે તે સવાલના જવાબમાં ભક્તિ જણાવે છે કે, વર્તમાન સમયમાં લેડી ફોટોગ્રાફરને સારું રિસ્પેક્ટ મળે છે. એઝ અ ફોટોગ્રાફર કોઇ ફન્કશનમાં મારી એન્ટ્રી થાય છે તો એવું નથી બનતું કે લ્યો આવી ગઇ આ છોકરી કેમેરો લઇને! પરંતુ લોકો આજે લેડી ફોટોગ્રાફરને માનની દૃષ્ટિએ જોવા લાગ્યા છે અને લેડી ફોટોગ્રાફરનું કામ લોકો આજે એપ્રિસિએટ પણ કરે જ છે. કેમ કે, એક સ્ત્રી હોવાને કારણે કુદરતી જ એનું વિઝન બહુ જ ક્રિએટિવ હોય છે.

ભક્તિ પોતાની વાત આગળ વધારતાં ફોટોગ્રાફી કરિયર બાબતે ખૂબ સરસ મેસેજ આપે છે.. ‘એઝ અ લેડી ફોટોગ્રાફર હું ખાસ કહીશ કે છોકરીઓ આ ક્ષેત્રમાં રસ લઇને આગળ આવે. આજે લેડીઝ માટે કરિયરના ખૂબ ઓપ્શન છે. પરંતુ ફોટોગ્રાફી એવું ફિલ્ડ છે કે જેમાં લેડી ફોટોગ્રાફર બહુ ઓછા છે. કારણ કે, એક સ્ત્રી પોતાની રિયલ લાઇફમાં જ ઘણાં ડિફરન્ટ રોલ ભજવતી હોય છે. એના કારણે એ સામેવાળાની લાગણી અને એના પોઝ વધુ સારી રીતે સમજીને અને સમજાવીને ફોટો કેપ્ચર કરી શકે છે. હા, આજની જનરેશનની ગર્લ્સ અને કોઇ પણ એઇજ ગ્રૂપ ધરાવતી મહિલા આજે યોગ્ય તાલીમ અને કાબેલિયત દ્વારા ફોટોગ્રાફીમાં સારી કરિયર બનાવી શકે છે. કેમ કે, આના માટે કોઇ સ્પેસિફિક એજ્યુકેશન જરૂરી નથી. પરંતુ સૂઝબૂઝ, વિઝન, ક્રિએટિવિટીથી આ પ્રોફેશનમાં વર્ક કરી શકાય છે.

ફોટોગ્રાફીના પ્રોફેશન વિશે બહુ જ સરસ માહિતી આપતાં ભક્તિ આજની યુવતીઓ કે મહિલાઓને સુંદર પ્રેરણા મળે એવી એક વાત કહે છે કે, અગર કોઇ યુવતી અથવા મહિલાને ફોટોગ્રાફીમાં કરિયર બનાવવી છે તો આજે એવું નથી કે પ્રોફેશનલી ફોટોગ્રાફીમાં માત્ર વેડિંગ ફોટોગ્રાફી જ કરવાની હોય છે! પરંતુ તેમાં પણ ઘણા ઓપ્શન છે. જેમ કે, બર્ડ, હિસ્ટોરિકલ, મોન્યુમેન્ટ, આર્કિટેક્ચર, ટ્રાવેલ, ફેસ્ટિવલ આવા ઘણા અલગ અલગ ફિલ્ડમાં ફોટોગ્રાફી થઇ શકે છે અને તેનાથી તમારી એક ક્રિએટિવિટી બહાર આવે છે. ઈવન, તમે કોઇ એક

સબ્જેક્ટ પર વિવિધ ફોટોગ્રાફ્સ લઇને એ ફોટોઝનું એક્ઝિબિશન પણ કરી શકો

છો. તમારી પોતાની આર્ટ લોકોને બતાવી શકો છો.

મિત્રો, ભક્તિની આ વાત ઉપરથી આપણે કહી શકીએ કે કોઇ પણ સ્ત્રી પોતાના ફ્રી સમયમાં ફોટોગ્રાફી શીખીને એના પર કંઇક ક્રિએટિવ વર્ક કરી શકે છે. એ વર્કનો એક આનંદ મેળવી શકે છે. સાથે એના કોન્ફિડન્સમાં પણ ઉત્તરોત્તર વધારો થઇ શકે છે.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

વિટામિન – શી થી ફિલ્મોમાં પ્રવેશી રહેલ આરજે ધ્વનિત..

મિત્રો, રેડિયો પર તમને અનેકવાર એક નામ સતત