નેટ ડાયરી

નેટ ડાયરી

- in Net Diary, Social Media
74
0

હેતલ શાહ

વેકેશનનો સમય હોય, ‘ઓવર ધ ટોપ’ ફિલ્મો આવતી હોય, આઇપીએલના ગતકડાં ચાલુ હોય અને એ બધાની વચ્ચે વરસો જૂનો કોઇ ગુજરાતી વીડિયો વાઇરલ થાય તો સરપ્રાઇઝ થાય અને સેટિસ્ફેક્શન પણ મળે. વધુમાં મોડર્ન ડિબેટના હૉટ ટોપિક જેવી આપણી ‘ગુજરાતી ભાષાને કોણ બચાવશે?’ની દંભી ચિંતાને થોડી તત્પૂરતી શાંતિ પણ મળે. શાંતિને બદલે આશ્ર્વાસન શબ્દ વધુ બહેતર રહેશે, હેને? એની વૅ, તો આ વખતનો વાઇરલ વીડિયો એક ગુજરાતી ભાષાનો છે. યૂ-ટ્યૂબ પર તો ચારેક વર્ષ પહેલાં અપલોડ થઇ ગયેલો પણ ખબર નહિ કેમ તેનો એક નાનકડો ટુકડો અચાનક વૉટ્સએપમાં ફરવા લાગ્યો છે. આ વીડિયોમાં સરિતા જોશી સુરેશ દલાલની

કવિતા ‘મકાન’નું પોતાની આગવી શૈલીમાં પઠન કરે છે. શું અદભુત જુસ્સાથી તેઓ પઠન કરે છે  !! જોતાં જ રહી જાઓ. આખી કવિતાને તેમણે એક સુંદર પરીમાણ આપીને રજુ કરી છે. આ જાજરમાન અભિનેત્રીનો રૂઆબદાર ઠસ્સો જોવા જેવો છે. ‘બા, બહુ ઔર બેબી’થી વધુ પ્રચલિત થયેલા સરિતા જોશી  કેતકી દવે, શર્મન જોશી બધાના નજીકના સગા થાય એ તો જાણીતી વાત છે, પરંતુ તેમની મોટી બહેન પદ્મા રાણી જેમનુ નાટક ‘બા એ મારી બાઉન્ડ્રી’ ઘણું પ્રચલિત છે. તે બંને બહેનોને મોટો બ્રેક અરુણા ઇરાનીના પપ્પા ફર્દુન ઇરાનીએ આપેલો. મજા આવી જાય એવો આ વીડિયો અચૂક જોવા જેવો છે.

Link :- https://www.youtube.com/watch?v=JWbVWSAYAwk

WHAT ‘S IN  WhatsApp? 

લીજેન્ડ સ્ટાર વિનોદ ખન્ના જ્યારે ખૂબ બીમાર હતા ત્યારથી તેમનો ફોટો વોટ્સએપમાં ફરવા લાગ્યો હતો. એના પછી તેમનું મૃત્યુ થયું ત્યારે અમિતાભ બચ્ચને તેમને આપેલી શ્રદ્ધાંજલિ અને વિનોદ ખન્નાના રજનીશ સાથેના ફોટોઝ વાઇરલ થયા. તે જોતાં એક સવાલ તો મનમાં ઉદ્ભવે કે રજનીશ ન હોત અને વિનોદ ખન્નાએ ફિલ્મલાઇન બરાબરની પકડી રાખી હોત તો શું અમિતાભ બચ્ચન -ધ મિલેનિયમ સ્ટારનો ઉદય થઇ શક્યો હોત? બાહુબલી – કટપ્પાના જોક્સ તો આવી જ ચડ્યા હોય. કોઇ સ્પેસિફિક વોટ્સએપ ગ્રૂપની વાત કરીએ તો એક અલગ જ જાતનું ગ્રૂપ છે જેના એડમીન એક ડોક્ટર છે પણ તેના સભ્યો બધા બાળકો છે. હા, રાજકોટના ડોક્ટર ઓમ જોશી પીડોડેન્ટિસ્ટ છે. પીડોડેન્સ્ટિ એટલે બાળકોના દાંતના ડોક્ટર. ગુજરાતમાં પીડોડેન્સ્ટિ બહુ ઓછા છે અને ડો.ઓમ જોશી તેમાંના એક છે. દાંતની કોઇપણ ટ્રીટમેન્ટ વડીલ પેશન્ટને પણ સહન ન થતી હોય ત્યારે બાળકોની તો શું વાત કરવી. પણ આ ડો. ઓમ જોશી સાથે બાળકોને તરત ફાવી જાય છે અને તેમના દોસ્ત બની સીધા તેમના ગ્રૂપમાં એડ થઇ જાય છે. આ વોટ્સએપ ગ્રૂપમાં બીજી વખત કોઇ દાંતમાં તકલીફ ન પડે તેમાટેની ટિપ્સ ડોક્ટર સાહેબ આપતા રહે છે. તમારા બાળકોને ડેન્ટલ ટીપ આપવા માટે સર્ચ કરો. ડો. ઓમ જોશી અને એમના ગ્રૂપનો લાભ લો.

FREAKING  FACEBOOK

ફેસબુક તો ફેસબુક છે. ફેસબુકને કારણે ભવિષ્યમાં નાના મોટા યુદ્ધ થઇ જાય તો નવાઇ નહિ. કારણકે, ફેસબુક શો-ઑફ (કે શો-ઑન) કરવાનું એક સશક્ત માધ્યમ બની ગયું છે. તમે અઢી રૂપિયાનું છેકરબર (એટલે કે ઇરેઝર) પણ લો અને તમને એનો ફોટો પાડી સરસ મજાની કવિતા કે વનલાઇનર લખતાં આવડતું હોય તો તમારી પોસ્ટ ઉપર વર્ચ્યુઅલ સમરકંદ બુખારા ઓવારી જનારા ઢગલો રાખ્યા છે, ઝુકરબર્ગ ભાઇએ. તો વાત એવી છે કે ફેસબુક એ દેશભક્તિ બતાવવાનું અને એ કહેવાતા દેશભક્તોની વ્યાખ્યામાં ફિટ ન બેસે એ રીતે દેશભક્તિ ન દેખાડનારાઓને નીચા પાડવાનું કુ-માધ્યમ બની ગયું છે. આ મહિને કયા છાપાઓ શું હેડલાઇન મારવી જોઇએ અને કોણે કયું છાપું વાંચવું ને ન વાંચવું એવી બધી ફાલતું ચર્ચા ફેસબુક ઉપર બહુ થઇ. ચર્ચા ફક્ત ચર્ચા રહે તો વાંધો નહિ પણ એ ઉગ્ર સ્વરૂપ પણ અમુક સમયે ધારણ કરી લેતી હોય છે. તે ઇશ્યૂ જે હોય તે પણ, મીડિયાની જવાબદારી મોટી છે અને ગુજરાતી મીડિયા તે જવાબદારી પૂરી તાકાતથી ઉપાડવાની કોશિશ કરી રહ્યું છે એ ફેસબુકના વર્ચ્યુઅલ સિંહોએ ન ભૂલવું જોઇએ.

MOBILE MANIA

* લાવાનો નવો સ્માર્ટ ફોન Z10 પાતળો છે અને તેના ફક્ત ૮ મેગાપિક્સેલ કેમેરાથી તેમાં રહેલ બીગ પિક્સેલ સેન્સરને કારણે વધુ બ્રાઇટ ફોટોઝ લઇ શકાય છે. એન્ડ્રોઇડ વર્ઝન ૬.૦.

* સેમસંગનો ફ્લેગશિપ ફોન એટલે Galaxy S8. લોકો હવે સેમસંગના હેડક્વાર્ટર કરતાં વધુ ફરિયાદો સોશિયલ મીડિયા પર કરવા મંડ્યા છે કે તેમનો S8 ગમે ત્યારે રી-સ્ટાર્ટ થવા મંડે છે. લો બોલો, પોતાની મેળે ચાલુ-બંધ થાય એવો ફોન જોઇએ તો એમાં ભૂત તો નહિ હોય ને? આ વાંચો છો ત્યારે જુઓ તો તમારો S8 ચાલુ છે કે પછી…?

* ભાઇઓ તથા તે ભાઇઓની બહેનો, સાંભળો-સાંભળો, આપણી પેલી Apple કંપનીએ એક પેટન્ટ ફાઇલ કરી છે જેનાથી ફોન વાયરલેસ ચાર્જ થાય. હા, વાઇ-ફાઇથી ચાર્જ થઇ જાય! કોઇ જ ચાર્જર લગાડ્યા વિના! એવી પેટન્ટ ફાઇલ તો થઇ ગઇ છે પણ જોઇએ માર્કેટમાં ક્યારે આવે છે? (વાઇ-ફાઇથી થતું વાયરલેસ ચાર્જિંગ એપલ પહેલાં લાવે છે કે પાછલા દરવાજેથી સેમસંગ? આવી વાત ઉપર પણ સટ્ટો રમાતો હશે, હે ને?)

* ઇન્ટરનેટ યુઝર્સે Mcfeeનું નામ તો સાંભળ્યું જ હશે. હવે તે એન્ટી વાઇરસ બનાવતી કંપનીના સ્થાપકનું નામ છે જ્હોન મેકેફી. એ જ્હોન ભાઇએ એક એવો ફોન બનાવ્યો છે કે જે ફોનમાંથી થતો કોઇ પણ વ્યવહાર સંપૂર્ણપણે પ્રાઇવેટ રહે અને કોઇ જ તેને હેક ન કરી શકે. જોહન તેને ‘World’s first truly private smartphone’ ગણાવે છે. જોઇએ, માર્કેટમાં ક્યારે આવે છે.

* નોકિયા ૩૩૧૦ બજારમાં આવશે એવી વાત તો સંભળાઇ હતી. પણ હજુ આવ્યો નથી ફોન. હા, ૩૩૧૦ની પ્રાઇઝ આવી ગઇ. ૩૮૯૯. દિવાળી આજુબાજુ ભારતમાં વેચાવા મુકાશે. ખરલ-દસ્તાનું પણ કામ આપી શકે એવો ફોન ફરી પાછો કોને લેવો છે?

 

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

મુશાયરો

સંકલન : ‘મૌલિક’ હું પડ્યો પે’લાં… અર્થ જીવનનો