યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી

યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી

- in Shakti, Womens World
256
Comments Off on યુવા નાટ્યકલાકાર : ભામિની ઓઝા ગાંધી

જિજ્ઞા દત્તા

નાટ્ય ક્ષેત્રે પ્રવેશેલ યુવતી-ભામિની ઓઝા ગાંધી, જે પોતે એક ગૃહિણી, માતા અને કલાકાર છે. આ ત્રણે કામગીરી બજાવવામાં તે એકથી એક મુશ્કેલીનો સામનો કરી હસતાં-રમતાં આ ક્ષેત્રે પોતાનું નામ કમાય છે. તેઓ આ ક્ષેત્રે આવ્યાને 16 વર્ષ થયા. તે સૌપ્રથમ કોલેજના નાટકોમાં ભાગ લેતા. ભણવામાં પણ કુશળ હોવાથી તેઓ એલએલબીની ડિગ્રી સાથે સ્નાતક થયા.

 

ભામિની ઓઝા ગાંધી…નાટ્ય ક્ષેત્રે એક અનેરું નામ છે. હંમેશાં ખુલ્લા દિલે હસતી આ યુવા અભિનેત્રીને નાટકમાં સારા કોમેડી રોલ કરવા વધુ પસંદ છે. તેમના સર્વશ્રેષ્ઠ નાટકોમાં ‘ધ વેટિંગ રૂમ’ નાટકે અત્યારસુધીમાં 320 શો સફળ રીતે કર્યા છે. પત્ની, માતા અને કલાકાર એમ ત્રણેની કામગીરી તેઓ સહજ રીતે નિભાવે છે…

 

મુંબઇમાં ઉછરેલા ભામિનીએ મુંબઇના પાર્લામાં જિંદગીનો અડધો સમય વિતાવ્યો છે. નાટ્ય ક્ષેત્રે આવતાં પહેલાં તેઓએ નાના મોટા એક્ટિંગના કામો કર્યા હતા. પૃથ્વી થિયેટરમાં ઘણા બધા નાટકોમાં તેમણે સારા રોલ કર્યા છે. 16 વર્ષની કરિયરમાં તેમણે સર્વશ્રેષ્ઠ રોલ કર્યા છે જેમાં ‘એક છોકરી સાવ અનોખી’, ‘મિસિસ મંજુલા મારફતિયા’, ‘નટુ આઇ લવ યુ’, ‘હું અને તું ફરી મળશું.’ આ બધામાં તેમની કલાના અનોખા દર્શન તો આપણે કર્યા છે પણ હાલમાં ચાલી રહેલું ‘ધ વેટિંગ રૂમ’ જેના અત્યાર સુધી 320 શો થઇ ચૂકયા છે. આ નાટકની ખાસિયત એ છે કે તે ચાર કલાકાર જ ભજવે છે જેણે સમાજને નાટક જોવાનો એક અલગ અભિગમ આપ્યો છે. તેઓ પોતાની મહેનતે નાટ્યક્ષેત્રમાં પોતાનું નામ કમાયા છે. હાલમાં તેઓ આ એક નાટકમાં એટલા વ્યસ્ત છે કે બીજા કોઇ નવા નાટક કરતા નથી.

ભામિની એક પત્ની સાથે ત્રણ વર્ષની દીકરીની માતા છે. તે બધા સાથે ખૂબ જ સારી રીતે પોતાના કામને આગવું સ્થાન આપે છે. તેમના માટે એમ કહી શકાય કે ભામિની એટલે ખૂલ્લા દિલે હસતી યુવતી જે નાટ્યક્ષેત્રે સારામાં સારા કોમેડી રોલ કરવામાં વધુ રસ રાખે છે. જોકે, તે એટલા બધા નાટકો કરી ચૂક્યા છે કે તેમને માટે કોઇ પણ રોલ કરવામાં મુશ્કેલી નહીં આવે. ચાલો, તેમના જ શબ્દોમાં જાણીએ તેમની વધુ વાતો…

તમારા મતે તમારો શ્રેષ્ઠ રોલ કયો?

આઠ વર્ષ પહેલાં ‘એક છોકરી સાવ અનોખી’ અને હાલમાં ચાલી રહેલું નાટક ‘ધ વેટિંગ રૂમ’માં રેવાનું પાત્ર મારા માટે અત્યારના સર્વશ્રેષ્ઠ રોલ છે.

તમારા મનપસંદ નાટ્યલેખક કોણ?

પ્રયાગ દવે, ધીરજ પાલશેરકર, ભાવેશ માંડલીયા, સ્નેહા દેસાઇ.

આ ક્ષેત્રે આવવાનું કોઇ કારણ?

મને આ ક્ષેત્રે ખૂબ જ રસ હતો. સ્ટેજ પર કામ કરવાની મને મજા આવવાથી હું આગળ વધી. સાથે સાથે હું ભણી પણ ખરી. આ ક્ષેત્રે કામ મળવા લાગ્યું અને કામ કરવાની પણ મજા આવી. ગુજરાતી રંગભૂમિ પર લોકો સાથે કામ કરવાથી ઘણી પ્રેરણા મળી છે.

ગુજરાતી રંગભૂમિમાં તમારું ભવિષ્ય સ્થાયી છે? તમને લાગે છે કે ગુજરાતી રંગભૂમિમાં તમે આગળ વધી શકો છો?

સમય સાથે ઘણો બદલાવ થયો છે. સ્ટોરી અલગ આવવા લાગી. એક પ્રકારનું ઘરેલું કોમેડી નાટક ન આવતાં થ્રિલર સામાજિક નાટક આવવાથી આપણી યુવાપેઢી નાટક જોવા પ્રેરાય છે. સાથે થિયેટરમાં કામ કરવામાં પણ રસ દાખવે છે. હા, મારું ભવિષ્ય અહીં સારું લાગે છે. માત્ર સારી સ્ક્રિપ્ટ હાથમાં આવવી જરૂરી છે.

તમે કોની સાથે કામ કરવા માગો છો? (નાટ્ય ભૂમિ)

અભિનેતા – દિલીપ જોશી, ધર્મેન્દ્ર ગોહિલ અને મારા પતિ પ્રતિક ગાંધી. જ્યારે અભિનેત્રી – ડિમ્પલ શાહ (કોમેડી) (હાલમાં તે અમેરિકામાં છે). દિગ્દર્શક – ધીરજ પાલશેરકર, વિપુલ મહેતા, મનોજ શાહ, સ્નેહા દેસાઇ. સંગીતકાર – સચિન-જિગર.

આજકાલ મહિલાઓ માટે ગ્રૂપ ચાલે છે. આનાથી તમને શું ફાયદો થયો છે?

હા, કામ વધુ મળે છે. જે પહેલાં કામ હતું તેના કરતાં વધી જાય છે. એક ફાયદો કે અમને પ્રતિષ્ઠા પણ વધુ મળવા લાગી છે. પહેલાં રવિવાર કે જાહેર રજામાં જ શોખીન લોકો નાટક જોતા. હવે કપલગ્રૂપ કે મહિલા ગ્રૂપ વધુ ને વધુ નાટક જોવા આવવા લાગ્યા છે.

તમારો ડ્રીમ રોલ કેવો?

અત્યાર સુધી કરેલા મારા બધા રોલ સર્વશ્રેષ્ઠ છે, પણ કલાકાર રોજ કંઇક શીખે છે. પ્રોફેશનલ કે કોર્પોરેટ લેવલવાળા જેનાથી કંઇક અલગ સ્ટોરી મળે અને સૌથી વધારે સારા પ્રકારની કોમેડી રોલ કરવા માગું છું.

ગુજરાતી રંગભૂમિને વધુ સારી રીતે વિકસાવવી હોય તો તમે શું કરો?

મુંબઇમાં નાટકના દરેક શો ટાઇમ પર શરૂ કરવા બહુ જરૂરી છે. સાથે નવોદિત દિગ્દર્શક, નવા વાર્તાકારો, લેખકો જે પોતાના કામને દેખાડવા પ્રયાસ કરે છે. તેને ચાન્સ આપીને નાટ્ય ક્ષેત્રે ઘણી વિવિધતા આપી શકો છો.

હિન્દી ફિલ્મોમાં જવાની ઇચ્છા ખરી?

હા. પણ મને હજી આવી ઓફર મળી નથી. સારો રોલ મળશે તો હું તૈયાર છું.

ગુજરાતી રંગભૂમિના કયા કલાકાર સાથે તમે તમારી એક ઓળખ બનાવવા ઇચ્છો છો?

પ્રતિક ગાંધી મારા પતિ છે. મારી તેમની સાથે એક નાટક કરવાની બહુ ઇચ્છા છે.

ગુજરાતી રંગભૂમિ (નાટક) વિશે તમારી કેવી વિચારધારા છે?

આપણી ગુજરાતી રંગભૂમિએ યુવા લોકોને રસ પડે તેવા સારા નાટકો સાથે આવવું જરૂરી છે. મરાઠી રંગભૂમિ વધુ ચાલી રહી છે કારણ કે, મરાઠી લોકો નવા પિકચરો જોવા કરતાં નાટક જોવું વધુ પસંદ કરે છે. આપણે એવા નાટક બનાવવા જોઇએ જેમાં લોકો દિલ ખોલીને હસે. અમે કલાકાર ત્યારે સાચા અર્થમાં ગુજરાતી રંગભૂમિને આગળ વધારી શકીશું.

તમે સૌથી વધુ સમય નાટક જગતને આપો છો કે તમારા સમયે તમે કામ કરવાનું પસંદ કરો છો?

બધા શો લગભગ રવિવારે હોય છે અને ગ્રૂપના શો મોટાભાગે બપોરે હોવાથી હાલમાં હું સારી રીતે કામ કરી લઉં છું. ખાસ વાંધો આવતો નથી.

ભામિની કહે છે, દિલીપ જોશી સાથે કામ કરવાની ઘણી મજા આવી. તેમને માટે તે રોલ મોડલ છે. આજે પણ તેમને જો કામ કરવા મળે તો તે કરવા માગશે. તેમના મતે દિલીપ જોશી એક અભિનેતા સાથે ખૂબ જ સારા માણસ છે.

ભામિની એટલે હસતી-રમતી-કલાની દેવી જેને મળીને કોઇને પણ આનંદ થાય.

 

મનપસંદ

*  શોખ         – નાટક

*  ગમતો રોલ  – કોમેડી

*  નાટક         – ધ વેટિંગ રૂમ

*  નાટ્યલેખક  – પ્રયાગ દવે, ધીરજ પાલશેરકર, ભાવેશ માંડલીયા, સ્નેહા દેસાઇ

*  રોલ મોડલ   – દિલીપ જોશી

* સૂચન – એવા નાટક બનવા જોઇએ જે જોઇને લોકો દિલ ખોલીને હસે.

Facebook Comments

You may also like

Hello, This is Update

Lorem Ipsum is simply dummy text of the