57 વર્ષીય ગુજરાત આજે પણ અડીખમ વિચાર, વેપાર અને વિકાસ એ ગુજરાતની તાસીર છે

57 વર્ષીય ગુજરાત આજે પણ અડીખમ વિચાર, વેપાર અને વિકાસ એ ગુજરાતની તાસીર છે

- in Politics
83
0

રસરાજ

1 મે, 2017… ગુજરાતનું એક સમયનું પાટનગર અમદાવાદ ઝળાંહળાં થઇ રહ્યું હતું. તેની સાબરમતી નદીના કિનારે- હાલના રિવર ફ્રન્ટ પર ઉજવણીનો એક અનેરો માહોલ જોવા મળતો હતો. જી હા, આ ઉજવણી હતી ગરવી ગુજરાતના 57મા વર્ષની.. 1 મે, 1960ના રોજ જન્મેલ ગુજરાતે આજે 56ની છાતી કાઢીને વિશ્ર્વભરના લોકોમાં એક અલગ જ ઓળખ ઊભી કરી છે. વિકાસની એક પરિભાષા સમજાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે જે રીતે વિકાસની ગતિને વેગવાન બનાવી પોતાની કાયાપલટ કરી છે તે જોઇને દેશ સહિત દુનિયાના લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે.

ગુજરાત આજે સમૃદ્ધ અને વિકાસશીલ બન્યું છે કારણકે કોઇપણ વાતે અડીખમ રહેવું એ તેની આદત બની ગઇ છે. જાણે ગુજરાતીઓના વારસામાં જ ન હોય આ બધું..! ઇતિહાસ એનો સાક્ષી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ગુજરાત કે તેની પ્રજા ક્યારેય હિંમત હારી નથી. કચ્છનો ભૂકંપ હોય કે સુરતનો પ્લેગ, મચ્છુ ડેમ ફાટવાની હોનારત હો કે કંડલા પોર્ટનું વાવાઝોડું.. ગમે તેવા પ્રહારોમાં બમણા જોમથી ઉઠવાની તાકાત અને ઉત્સાહ છે ગરવા ગુજરાતીઓમાં…!

આ જોમ જુસ્સાનું શ્રેય જાય છે  તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને..! તેમના પહેલા ગુજરાતમાં આવેલા નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ તો થયો પણ ગુજરાતને વિકાસશીલ…ગતિશીલ બનાવ્યું નરેન્દ્રભાઈએ. 2001થી 2012 સુધીમાં સતત ત્રણવાર તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા. પછી ગુજરાતનો ગ્રોથ ગ્રાફ કૂદકેને ભૂસકે ઉંચે જતો ગયો. જેણે ગુજરાતને વિશ્ર્વફલક પર પ્રસ્થાપિત કરી દીધું. ગુજરાત વિશ્ર્વ માટે વિકાસની નવી પરિભાષા બની ગયું. જેમાં નરેન્દ્રભાઈની કોઠાસૂઝ, આત્મવિશ્ર્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ સાથે લોક-રાષ્ટ્રસેવાની ભાવનાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

ખેતી, ઉદ્યોગ, મેડિકલ અને ટેક્નોલોજિ, હરેક ક્ષેત્રમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. મહિલા સશક્તિકરણ જેવી યોજનાઓ થકી મહિલાશક્તિનો અવાજ બુલંદ કરવામાં તેમનો મહત્વનો ફાળો છે. મોટા શહેરોને મેટ્રોસિટીનો દરજ્જો આપી મેટ્રો રેલનું સ્વપ્ન પણ સાકાર થવા જઈ રહ્યું છે. નર્મદાના નીર હવે ગુજરાતના ઘેર ઘેર પહોંચી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારો પણ રોડ અને ઈલેકટ્રીસિટીથી લઈને ડીજીટલ વિશ્ર્વ તરફ અગ્રેસર થઈ રહ્યાં છે.

ગુજરાતની આગવી ઓળખ તેની પારંપારિક સંસ્કૃતિ અને કલા વારસો છે. તેના ગૌરવવંતા ગરબા, તેના ચટાકેદાર વ્યંજનો, વર્લ્ડ હેરિટેજ સ્થળોથી ગુજરાત વિશ્ર્વ ખ્યાતિ પામ્યું છે. તેમાંય પારંપારિક રાસ-ગરબા સાથે ગામઠી નૃત્યો અને સંગીત એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે. માત્ર ગુજરાતીઓ જ નહીં વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ અને રાચરચીલાનું ઘેલું લાગ્યું છે. ગુજરાતની વાનગીઓ જેવી કે અમદાવાદના દાળવડાં, વડોદરાનું સેવઉસળ, લીલો ચેવડો કે ભાખરવડી, સુરતી લોચો અને સૌરાષ્ટ્રના ગાંઠિયા ને રાજકોટના પેંડાને ચટાકેદાર કચ્છી દાબેલી એક સે બઢકર એક સ્વાદિષ્ટ વાનગીઓનો રસથાળ છે ગુજરાતીઓની પરંપરામાં..!

સહુ વાતોમાં ગુજરાતનો ભવ્ય રજવાડી વારસો કેમ કરી ભૂલાય ? હેરિટેજની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનું ચાંપાનેર-પાવાગઢ અને પાટણની રાણીની વાવ(રાણકી વાવ)ને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે, એ ગૌરવની વાત છે. તો બીજી બાજુ દેશને કંડલા અને મુન્દ્રા બે કમાઉ મહાબંદરોની ભેટ આપનારા સૌથી મોટા જિલ્લા કચ્છનું ચિત્ર જ કંઇક ઓર છે. અઢી દાયકા પહેલાં કચ્છ એટલે જાણે ‘રણ’નો જિલ્લો ગણાતો. એ આજે ટુરિઝમ ક્ષેત્રે ‘હરિયાળો’ બની ગયો છે. અહીંના રણોત્સવે દુનિયાભરમાં આકર્ષણ જમાવ્યું છે. અમિતાભ બચ્ચન દ્વારા બોલાયેલી કચ્છ ટુરિઝમની પ્રખ્યાત પંક્તિઓ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ટુરિસ્ટોને કચ્છની મુલાકાત લેવા માટે ઉત્સુક બનાવે છે. બોર્ડર ટુરિઝમ અને પોર્ટ ટુરિઝમે નવી પ્રવાસન દિશાઓ ખોલી  છે. હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે. એ સાથે કચ્છની હાથવણાટની વસ્તુઓ-બાંધણી વિશ્ર્વવિખ્યાત છે. 1960નું આપણું ગુજરાત આજે આધુનિક બન્યું છે છતાં પોતીકું છે. મશહૂર શાયર શૂન્ય પાલનપુરીની નીચેની ઉક્તિઓ અહીં બંધબેસતી છે…

 

“શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,

મૃત્યુ ટાણે પણ મળે,

જો ગોદ ‘મા’ ગુજરાતની…

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

મુશાયરો

સંકલન : ‘મૌલિક’ હું પડ્યો પે’લાં… અર્થ જીવનનો