સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત એક ઉમદા નામ..

સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત એક ઉમદા નામ..

- in Feature Article
1809
Comments Off on સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત પ્રવૃત્ત એક ઉમદા નામ..

પોતાના સુખનો વિચાર કરવો એ પ્રકૃતિ છે અન્યના સુખનો વિચાર કરવો એ સંસ્કૃતિ છે

અન્યના ભોગે પોતાનું સુખ વિચારવું એ વિકૃતિ છે જ્યારે પોતાના ભોગે અન્યનું સુખ વિચારવું એ ભક્તિ છે

આવી સુંદર વાતને દિલમાં ઉતારી તેને અનુસરી પોતાના જીવનને સાર્થક કરનાર એક નામ એટલે વિનોદભાઇ શાહ… 1939માં પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાં જન્મેલ વિનોદભાઇનું પ્રાથમિક શિક્ષણ વરધરી ખાતે અને માધ્યમિક તેમજ ઉચ્ચ શિક્ષણ વડોદરા ખાતે થયું. ત્યાર બાદ શિક્ષણ ક્ષેત્રે જ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોધરામાં તેમણે ઉન્નતિ વિદ્યાલયની સ્થાપના કરી તેમાં પ્રિન્સિપાલ તરીકે મહત્ત્વની ફરજ નિભાવી.

આજથી 28 વર્ષ પહેલાં એટલે કે 1988માં ગોધરામાં પી.ટી.મીરાણી આઇ હોસ્પિટલની શરૂઆત થઇ. સદવિચાર પરિવારની પ્રેરણાથી શરૂ થયેલ આ સેવાનું બીજ આજે વડલો બનીને, વિવિધ શાખાઓમાં વિસ્તરણ પામી જરૂરિયાતમંદ દર્દીઓની માવજત કરી એક યજ્ઞીય કાર્ય કરી રહ્યું છે. આજે અઢી દાયકામાં આ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થતાં જરૂરિયાતમંદો અને ગરીબો માટે તે આશીર્વાદરૂપ બની છે. 2008માં વિનોદભાઇના માતુશ્રી સ્વ.ચંપાબેનના નામે પ્રસૂતિગૃહ શરૂ થયું જેના કારણે પંચમહાલ તેમજ આસપાસના જિલ્લાના દર્દીઓ રાહત દરે ઉત્તમ સારવારનો લાભ મેળવતા થયા છે. ઉલ્લેખનીય છે કે, આ સેન્ટર માટે પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદ તરફથી રૂા. 1 લાખનું દાન પ્રાપ્ત થયું હતું. 2011માં તેમના પત્ની સ્મિતાબેનના નામથી ડાયાલિસીસ સેન્ટર શરૂ થયું. એક મશીનથી શરૂ થયેલ આ સેન્ટરમાં આજે 14 મશીન કાર્યરત છે. બે શિફ્ટમાં દિવસમાં 28 પેશન્ટનું ડાયાલિસીસ અહીં થાય છે અને તે પણ માત્ર ં(રૂા.2500ની જગ્યાએ) રૂા.200માં. મહિનામાં 600થી 650 ડાયાલિસીસ થાય છે. ત્યારપછી તો સંસ્થામાં દાંતનું દવાખાનું, ફિઝિયોથેરપી સેન્ટર પણ શરૂ થયા. ફૂલટાઇમ ફિઝિશિયન દ્વારા અહીં ક્ધસલ્ટિંગ સાથે યોગ્ય સારવાર અપાઇ રહી છે. વિવિધ વિભાગના 8 તબીબો અહીં સેવા આપી રહ્યા છે.

સદવિચાર પરિવાર ગોધરાના પ્રમુખ તરીકે શિક્ષણ ઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં 40-50 વર્ષથી સતત કાર્યરત રહેનાર વિનોદભાઇ શાહ આજે 78 વર્ષે પણ એટલા જ સક્રિય છે. હાલ ગોધરાની ઉન્નતિ સ્કૂલના તેઓ પ્રેસિડેન્ટ છે. તો પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ તેમજ જિલ્લા સ.મુદ્રણાલયમાં તેઓ વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી સમિતીના તેઓ સભ્ય છે તેમજ સદવિચાર પરિવાર, અમદાવાદ ખાતે તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેમના બંને પુત્રો અને પરિવાર પણ તેમની આ પ્રવૃત્તિમાં સહકાર આપી રહ્યા છે. દાતા તરીકે આ પરિવાર હંમેશાં અગ્રેસર છે. શિક્ષણની પ્રવૃત્તિ સાથે તેઓ લેખન પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમના 4 પુસ્તકો પ્રકાશિત થયા છે.

આમ, જીવન અને શિક્ષણને એમનામાં રહેલ નિષ્ઠા અને સદગુણો દ્વારા ઉજ્જવલિત કરનાર વિનોદભાઇનું જીવન જ એમનો સંદેશ છે. તેઓ કહે છે કે આ પ્રવૃત્તિઓથી મને મજા આવે છે, સંતોષ મળે છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો