સપના, મારા ઉછળતા હૈયાનું ગીત છે

સપના, મારા ઉછળતા હૈયાનું ગીત છે

- in Other Articles
270
Comments Off on સપના, મારા ઉછળતા હૈયાનું ગીત છે

પ્રદીપ ત્રિવેદી

શ્રી શરીફ વિજાપુરાએ અમેરિકામાં ફાર્મસી મેનેજર તરીકે ખૂબ જ વિખ્યાત એવી કંપની વોલમાર્ટ, વોલગ્રીન, સી.વી.એચ.માં ખૂબ ગૌરવપૂર્ણ સેવા આપી છે. ટ્રાવેલિંગ, પેઇન્ટિંગ, સોશિયલ વર્ક તેમનો મુખ્ય શોખ રહ્યો છે. પ્રકૃતિને માણનારા અને માણસને જાણનારા તથા મદદ કરનારા અચ્છા ઇન્સાન છે. પત્નીની પ્રવૃત્તિને પ્રેમ કરનારા પ્રેમી છે!

ચાલા, હું તમને મારી ‘સપના’ની વાત કહું. હા મેરે સપનોં કી રાની એટલે મારી ‘ખૂલી આંખના સપના’ સમી પત્ની… સપના વિજાપુરા!

હું શરીફ વિજાપુરા. સમી સાંજના સપનાનો માણીગર. કહેવાય છે કે સાંજ એ સપનાના આગમનની ખુશીમાં જ લાલચોળ થઇ જાય છે! સાંજ એ સપનાના આગમનની છડી પોકારે છે એટલે તો સાંજ ને સલૂણી કહી છે.

‘ઉછળતા સાગરનું મૌન’એ મારી પત્ની સપનાની ભલે નવલિકા હોય, પણ હું તો ઉછળતા સાગરના ઘુઘવાટ સાથે કહીશ કે સપના વગરના જીવનની કલ્પના કરવી મારા માટે અશક્ય છે. સપના એક ખૂબ જ લાગણીશીલ, સહનશીલ, ઉદાર, રમૂજી, પ્રામાણિક અને વફાદાર પત્ની છે. અમારા ઘરનું વાતાવરણ એના ઘરના વાતાવરણ કરતાં થોડું અલગ હતું. જેથી એ લગ્ન કરીને સાસરે આવી ત્યારે મને હતું કે એ મારા ઘરના લોકો સાથે એડજસ્ટ નહીં થઇ શકે. પણ એણે મને તદ્દન ખોટો પાડ્યો. મારા ઘરનાની સાથે એ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઇ છે અને ઘરના દરેક સભ્યને આદર જ નહિ, પણ પ્રેમ કરે છે. બલકે, એમ પણ કહી શકું કે મારા કરતાં વધારે એમને પ્રેમ કરે છે અને ધ્યાન રાખે છે. ક્યારેક તો ઘરના બધા એની તરફ અને હું એકલો પડી જાઉં છું. એવી દિલ જીતવાની કળા સપનાને હસ્તગત છે. જુઓને, મારું દિલ પણ કેટલી આસાનીથી જીતીને પાસે રાખી લીધું છે.!!

અમેરિકાના શરૂઆતના વરસ ખૂબ કઠિન અને મહેનતવાળા હતા. જીવનના દરેક ઉતાર-ચડાવમાં એણે મને સાથ આપ્યો છે. એણે ખૂબ મહેનત કરી મારા ખભા સાથે ખભો મેળવી અમારી આર્થિક સ્થિતિને સદ્ધર કરવામાં પૂરેપૂરું યોગદાન આપ્યું. અમારા લગ્નના શરૂઆતના વરસોમાં ઇશ્ર્વરે અમારી ઘણી કસોટી કરી. અમને શેર માટીની ખોટ 13 વર્ષ સુધી રહી. 13 વર્ષ પછી સપનાનું સપનું પૂરું થવાનું હતું અને ઘરે પગલીનો પાડનાર આવવાનો હતો ત્યારે પણ ઇશ્ર્વરે અમારા ધીરજની કસોટી કરી અને સપનાને 9 મહિના સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ લેવો પડ્યો. લાગણીશીલ સપનાએ આ સમય દરમ્યાન ખૂબ જ હિંમત રાખી અને થીજી ગયેલા સ્વપ્નને મૌન અંધકારની ચીરફાડ કરી એક સુપુત્રની ભેટ આપી. એ નાનકડા માસૂમ શબ્બીર દીકરાનો સૌ પ્રથમ મૂલાયમ સ્પર્શ એ મારા જીવનની સૌથી ખૂબસૂરત ક્ષણ હતી. સપનાએ મારા જીવનમાં આનંદ ભરી દીધો હતો.

13-13 વર્ષના વનવાસ પછી પુત્ર સાથેનો મિલાપ એ રાજ્યાભિષેકથી પણ સવિશેષ હતો. પુત્રને પૂરેપૂરો પ્રેમ આપવા સપનાએ જોબ કાચી સેક્ધડમાં છોડી દીધી અને તેના ઉછેર, શિક્ષણ, સંસ્કાર અને સુવિધા આપવા તે પુત્રમય થઇ ગઇ. હાલ ‘ફેસબુક’માં કામ કરતા પુત્ર શબ્બીરના ફેઇસને લૂક અને લાઇક આપવામાં સપનાએ પોતાના સપનાઓને પટારામાં ઢબુરી દીધા હતા.

મારું મિત્રમંડળ મોટું હોવાથી મહેમાનોની અવરજવર ખૂબ રહે. સપના હંમેશાં સૌ કોઇને હસતા મોઢે આવકારે અને કાઠિયાવાડી મહેમાનગતિ અહીં કેલિફોર્નિયામાં કરે! મૂળ તો મહુવાનીને!! મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર! મહુવાની હોઇ સંતશ્રી પ.પૂ. મોરારિબાપુના પૂરા આશીર્વાદ તેમના પર એટલે સપના બાળઉછેર, મહેમાનગતિ અને પરિવારજનો પ્રત્યેની જવાબદારી, ફરજ બજાવવામાં ક્યારેય પાછી ના પડે. તેને તે પૂજા ગણે, ધર્મ ગણે છે. તે બધાની મહત્ત્વની તારીખો પણ સરસ રીતે યાદ રાખે છે અને એ પ્રમાણે ઉજવે પણ છે. ઉત્સાહી અને હોંશિલી પણ બહુ જ! એ એક સારી પુત્રવધૂ તો બની પણ એક સારી માતા અને સાસુ પણ બનીને સૌનો પ્રેમ જીતવામાં તે અવ્વલ નંબરે રહી છે.

સપના કવયિત્રી છે. તેમના કાવ્યસંગ્રહો ‘ખૂલી આંખના સપના’, ‘સમી સાંજના સપના’, નવલિકા ‘ઉછળતા સાગરનું મૌન’ પ્રકાશિત થયા છે. તે ગઝલો અને નવલકથાઓ લખવામાં મશગૂલ રહે છે. આ સારી હોબી છે. પણ તે ખૂબ લાગણીશીલ છે! દિલની દિલદાર છે પણ દરેક વાત દિલ પર લઇ લે છે. નાની નાની વાતમાં માઠું લાગી જાય છે અને ક્યારેક રડી પણ પડે છે. તેની સારી આદત એ છે કે તે ભૂતકાળને ખૂબ સરળતાથી ભૂલી જાય છે. તે કહે છે ભૂલને માફ કરો અને પ્રેમથી, ઉત્સાહથી જીવો. આથી મોટાભાગનો સમય અમારો હસવા અને રમૂજમાં પસાર થાય છે. ‘યૂ હી હસતે ખેલતે બિત જાયેં જિંદગાની!’

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ