દેશના રક્ષકો માટે…

દેશના રક્ષકો માટે…

- in I K Vijaliwala
2282
Comments Off on દેશના રક્ષકો માટે…
For the country's guards

– આઈ.કે. વીજળીવાળા

…એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ માણસનો હાથ પકડીને એ લેડી બોલી, ‘સર! થેન્ક્યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એક્શન. હું લાગણીશીલ એટલા માટે બની ગઇ છું કે અત્યારે મારો એકનો એક દીકરો ઇરાકમાં યુદ્ધમોરચે લડી રહ્યો છે. મને એવું લાગે છે કે જાણે તમે આ ભેટ એને આપી રહ્યા છો!’

આવાત અમેરિકાની છે.

એક વખત એક માણસ કેનેડા જવા માટે અમેરિકાથી ફ્લાઇટમાં ચડ્યો. વિમાન ઊપડવાની થોડી ક્ષણો પહેલાં દસ અમેરિકન સૈનિકો ફ્લાઇટમાં ચડ્યા. શિસ્તબદ્ધ રીતે સૈનિકો આ માણસની આજુબાજુની હરોળમાં ગોઠવાઇ ગયા.

પેલા માણસે પોતાની બાજુમાં બેઠેલા જવાન સાથે વાત શરૂ કરી, ‘સોલ્જર! જોકે મારાથી પૂછી ન શકાય, પણ જો તમને વાંધો ન હોય તો હું જાણી શકું ખરો કે તમે સૌ કઇ બાજુ જઇ રહ્યા છો?’

‘ઓહ! નથિંગ સિક્રેટ! એવું કાંઇ ખાનગી નથી. અમે પેતાવાવા, ઓન્ટારિયો જઇ રહ્યા છીએ. ત્યાં પંદર દિવસની ખાસ ટ્રેનિંગ પછી અમારે અફઘાનિસ્તાન જવાનું છે.’

એ પછી બંને વચ્ચે લગભગ એકાદ કલાક સુધી વાતો થતી રહી. ભોજન સર્વ (તયદિય) કરવાનો સમય થયો એટલે વિમાનમાં જાહેરાત થઇ કે, ‘જે વ્યક્તિને પેક-લંચ (ભોજન) લેવું હોય તે પાંચ ડોલર (લગભગ ૩૦૦ રૂપિયા)માં ખરીદી શકે છે.’

ફ્લાઇટને પહોંચવામાં હજુ ખાસ્સો સમય બાકી હતો. એ માણસે પોતાના માટે પેક-લંચનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું. એ જ વખતે પેલા સૈનિકોની અંદરોઅંદરની વાત એના કાને પડી.

એક સૈનિક એના સાથીઓને કહી રહ્યો હતો, ‘પેક-લંચના પાંચ ડોલર વધારે કહેવાય. આમ પણ આ ખર્ચ આપણા ભથ્થામાં સામેલ નથી. આપણે આ ખરીદી શકીએ એમ નથી. આપણે આપણા બેઝ કેમ્પ પર પહોંચીને જ ભોજન લઇશું. એમ કર્યા વિના છૂટકો પણ નથી.’

એટલી વાત કરીને એમણે ભોજન ન લેવાનું નક્કી કરી નાખ્યું.

પેલો માણસ આ સાંભળીને વિચારમાં પડી ગયો. થોડીવાર પછી એ ઊભો થયો. વિમાનના પાછળના ભાગમાં જઇને ફ્લાઇટ એટેન્ડન્ટને મળ્યો. પોતાના પાકીટમાંથી પોતાના લંચની કિંમત ઉપરાંત બીજા પચાસ ડોલર કાઢીને એને આપતાં કહ્યું, ‘લો આ પચાસ ડોલર. મારા તરફથી પેલા દસેય સૈનિકોને પેક-લંચ સર્વ કરજો. આપણા દેશના રક્ષકોને મારા તરફથી આ નાનકડી ભેટ!’

એની આ વાત સાંભળીને ફ્લાઇટ એટેન્ડન્ટ એકદમ લાગણીશીલ બની ગઇ. એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એ માણસનો હાથ પકડીને એ લેડી બોલી, ‘સર..! થેન્ક્યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ એક્શન. હું લાગણીશીલ એટલા માટે બની ગઇ છું કે અત્યારે મારો એકનો એક દીકરો ઇરાકમાં યુદ્ધમોરચે લડી રહ્યો છે. મને એવું લાગે છે કે જાણે તમે આ ભેટ એને આપી રહ્યા છો!’

એટલું કહીને આનંદ સાથે એ પેલા સૈનિકોને લંચ સર્વ (તયદિય) કરવા જતી રહી.

ભોજન પત્યા પછી એ માણસ જ્યારે રેસ્ટરૂમ તરફ જતો હતો ત્યારે એક વૃદ્ધ પેસેન્જરે એને ઊભો રાખ્યો. એના હાથમાં રપ ડોલર મૂકતાં એ દાદા બોલ્યા, ‘ભાઇ..! તમે શું કર્યું એ મેં હમણાં જોયું. હું પણ અમેરિકન છું. આવા ઉમદા કાર્યનો હિસ્સો બનવા માગું છું. મને પણ મારા દેશ અને એના સૈનિકો માટે ખૂબ જ માન છે..!’

એ માણસ હજુ તો પોતાની જગ્યાએ પાછો આવીને બેઠો જ હતો ત્યાં જ પાઇલટ બહાર આવ્યા. સીટ નંબર જોતાં જોતાં આ માણસની પાસે આવ્યા. એની સાથે હાથ મિલાવીને બોલ્યા, ‘જેન્ટલમેન! હું એરફોર્સમાં ટ્રેનિંગ પર હતો ત્યારે મારા માટે પણ કોઇએ આમ જ લંચ ખરીદેલું! એ વ્યક્તિને હું આજ સુધી નથી ભૂલી શક્યો. તમે આપણા દેશના જવાનો માટે જે કર્યું છે એના માટે હું તમારો આભાર માનું છું.’

ચાર હરોળ આગળ બેઠેલી એક અન્ય વ્યક્તિએ આ માણસ પાસે આવીને એના હાથમાં બીજા રપ ડોલર મૂકી દીધા. વિમાને ઉતરાણ કર્યું એ વખતે વિમાનના દરવાજા પાસે ઊભેલી એક વ્યક્તિએ ચૂપચાપ આ માણસના ખિસ્સામાં બીજા રપ ડોલર મૂકી દીધા અને એક શબ્દ પણ બોલ્યા વિના એ ચાલતો થઇ ગયો.

ટર્મિનલના અરાઇવલ વિભાગમાં આ માણસ પહોંચ્યો ત્યારે એના ખિસ્સામાં ૭પ ડોલર ભેગા થઇ ગયા હતા. પોતે આપ્યા હતા પચાસ ડોલર અને ભેગા થઇ ગયા હતા ૭પ ડોલર! એને બેચેની થવા માંડી. ત્યાં જ એનું ધ્યાન પેતાવાવાના મિલિટરી બેઝ તરફ જવા માટે તૈયાર થઇને વાનમાં બેસવાની તૈયારી કરી રહેલા પેલા સૈનિકો પર પડ્યું. એ દોડતો એમની પાસે ગયો. પોતાની પાસે જમા થયેલા ૭પ ડોલર સૈનિકોને આપતા એ બોલ્યો, ‘ફ્રેન્ડ્સ! હજુ તમારો બેઝ કેમ્પ ખૂબ દૂર છે. એ લાંબા રસ્તા પર ફરી ભૂખ લાગે ત્યારે સેન્ડવિચ વગેરે ખરીદવા આ કામ આવશે! પ્લીઝ! ના નહીં પાડતા!’

એનું માન રાખવા સૈનિકોએ પૈસા સ્વીકારીને એક સાથે બોલ્યા, ‘થેન્કયુ જેન્ટલમેન! તમે જે કર્યું છે એ માટે તમારો આભાર!’

આ માણસ કાંઇક બોલવા ગયો. પણ બોલી જ ન શક્યો. એના ગળે ડૂમો ભરાઇ આવ્યો. એણે ફક્ત એમની સામે હાથ હલાવ્યો. ટર્મિનલ છોડતી વેળા એ મનમાં ને મનમાં એટલું જ બોલ્યો, ‘અરે જવાનો! મેં વળી તમારા માટે શું કર્યું છે? બસ, એક પાંચ ડોલરનું લંચ આપ્યું એ જ? તમે સૌ તો તમારી સમગ્ર જિંદગી અમારા રક્ષણ માટે કુરબાન કરી દો છો. એ બધું જ અમારા ‘થેન્કયુ’ની અપેક્ષા પણ રાખ્યા વિના! ધન્ય છે તમને. સલામ છે તમને!’

ભીની આંખે એણે પોતાની કાર સ્ટાર્ટ કરી. સૈનિકોની વાન પેતાવાવા જવા આગળ વધી.

***

જે દેશના દરેકે દરેક નાગરિકને પોતાના સૈનિકો માટે આટલું માન હોય એ લશ્કર કોઇ યુદ્ધ મોરચે પાછું પડે ખરું? આપણે સુખેથી સૂઇ શકીએ એ માટે એ લોકો પોતાની ઊંઘ તો ઠીક, પોતાની જિંદગી પણ આપી દેતા હોય છે. એ જવાંમર્દ સૈનિકોને, એ નરબંકાઓને સો સો સલામ!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો