‘સ્ટેન્ટ’માં હોસ્પિટલ્સની સ્ટંટબાજી

‘સ્ટેન્ટ’માં હોસ્પિટલ્સની સ્ટંટબાજી

- in Health is Wealth
611
Comments Off on ‘સ્ટેન્ટ’માં હોસ્પિટલ્સની સ્ટંટબાજી

ભારતમાં સ્ટેન્ટની મોટી માર્કેટ ઊભી થઇ છે. આ માર્કેટ પર અંકુશ મેળવવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે. વિદેશમાંથી આયાત થતા સ્ટેન્ટ પર કંપની પોતાનો નફો નક્કી કરે છે. એ પછી વિતરક પોતાનો નફો જોડે છે. હવે પછી હોસ્પિટલ પોતાનો નફો ઉમેરે છે. મૂળ કિંમત કરતાં અનેકગણી કિંમત દર્દીઓ પાસેથી વસૂલ કરાતી હતી. ત્યારે મધ્યમવર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તેની કિંમત 85 ટકા જેટલી ઘટાડતાં તેઓને રાહત થઇ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્ટેન્ટની માર્કેટ લગભગ 3000 કરોડ રૂપિયાની છે…

હદય એક કુદરતી પંપ છે, જે શરીરના ખૂણે-ખૂણે લોહી પહોંચાડે છે. લોહી પોષકતત્ત્વો અને પ્રાણવાયુ શરીરના દરેક કોષ સુધી પહોંચાડનાર માધ્યમનું કામ કરે છે. આપણી છાતીમાં જરાક ડાબી બાજુએ આવેલું હૃદય મુઠ્ઠી જેવડું હોય છે. તેનું વજન છે માત્ર રપ0થી 300 ગ્રામ. હૃદય ડાબા અને જમણા ભાગમાં વહેંચાયેલું છે. હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ લોહી અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે. સરેરાશ માનવીનું હૃદય એક મિનિટમાં લગભગ 7ર વખત ધબકે છે. મુખ્ય ધમની મેમોર્ટામાંથી નીકળતી બે કોરોનરી ધમની પોષણ પૂરું પાડવાની જવાબદારી ઉપાડે છે. આ કોરોનરી ધમની નારિયેળ પાણી પીવાની સળી જેટલી જાડી હોય છે.

પગની પાનીથી માથાના વાળ સુધી પથરાયેલી જે રક્તવાહિનીઓમાં આ લોહી ફરે છે તેના છેડા જોડી લંબાઇ માપવામાં આવે તો એ 60,000 માઇલ જેટલી લાંબી થાય છે. એક જ દિવસ અને રાત્રિના 24 કલાકના સમય દરમિયાન અંદાજે 4730થી 5680 લિટર જેટલું લોહી હૃદયમાં આવે છે અને ફેફસાંમાં શુદ્ધ કરવા મોકલાય છે, ને શુદ્ધ થયા પછી શરીરમાં રવાના કરવામાં આવે છે. હૃદયના સ્નાયુઓની બનેલી દીવાલ જાડી અને મજબૂત અમળાયેલા ગોળાકાર ગુંચળા જેવા દોરાના ગાલીચા જેવા લુપ્સથી ગૂંથાયેલી હોય છે. આ દીવાલની અંદર ચાર પોલાણવાળા વિભાગો છે. જમણી બાજુના ઉપરના ખાનામાં એક સ્નાયુનો નાનકડો ગોળી જેવો ભાગ છે, જેને સાઇનસ નોડ કહે છે. આ ટચુકડી ગોળીના સ્નાયુઓ એટલા મજબૂત છે કે આખા માનવ શરીરમાં આટલા મજબૂત સ્નાયુઓ બીજે ક્યાંય મળી આવતા નથી.

બલૂનથી પહોળી કરેલ ધમની કાયમ માટે પહોળી જ રહે

એ માટે હવે કોરોનરી સ્ટેન્ટ તરીકે ઓળખાતી ધાતુના સ્પ્રિંગ જેવી રચના

પહોળા કરેલ ભાગ પર નળીની મદદથી મૂકવામાં આવે છે.

મૂળભૂત રીતે આપણા શરીરના તમામ અંગો અત્યંત શક્તિશાળી અને ટકાઉ હોય છે. દરેક અંગોમાં તેની સલામતીની પૂર્વયોજિત વ્યવસ્થા પણ રખાયેલી છે. તેમનામાં ઓછામાં ઓછા સો ટકા જેટલી વધારાની અનામત શક્તિ હોય છે. જો એક કિડ્ની કાઢી નાખવામાં આવે તો બીજી કામ કરે છે. આપણું હૃદય એટલું મહાશક્તિશાળી છે કે આપણા શરીરમાંથી 60,000 માઇલ જેટલી રક્તવાહિનીઓમાં તે લોહીને પંપ કરીને આગળ ધકેલે છે. હૃદય આપણા શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે. આપણે તેના પર અત્યાચાર કરીને થકવી નાખીએ છીએ. બીડી, તમાકુ, શરાબ વગેરેનું સેવન કરીને તથા મંદબુદ્ધિ કરીને આપણે તેને થકવી નાખીએ છીએ. આપણા શરીરમાં કુદરતે સર્જેલા આ ઉત્તમ અંગો નિષ્ફળ એટલા માટે જાય છે કે આપણે જાતે જ તેમને અન્યાય કરીએ છીએ. હાર્ટ ફેઇલ પણ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે હૃદયને તંદુરસ્ત રાખવામાં નિષ્ફળ જઇએ છીએ. ફેઇલ થવું એટલે આ ખૂબ તાકાત ધરાવતાં અંગો પર તેની સહનશક્તિથી ખૂબ વધારે વિષ દ્રવ્યોનો બોજો નાખવો. એવો ઝેરી બોજો કે જેને ઉપાડીને એ અવયવ થોડુંક કામ પણ ખેંચી ન શકે! હૃદયના સ્નાયુને લોહીનો પુરવઠો તેની પોતાની રક્તવાહિનીઓ, જે કોરોનરી આર્ટરી તરીકે ઓળખાય છે તેની મારફત મળે છે. હૃદયને તંદુરસ્ત રાખવા કોરોનરી ધમનીઓ તંદુરસ્ત રહે તે ખૂબ જરૂરી છે. રક્તવાહિનીઓ સ્વસ્થ હોય ત્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક મુલાયમ અંદરથી લીસી હોય છે. તે જ્યારે સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અથવા બરડ, કઠણ, જાડી કે નબળી બને છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. આવી રક્તવાહિનીઓ હૃદયને બીમાર બનાવે છે.

જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થઇ જાય છે ત્યારે સાંકડા થઇ ગયેલ ભાગને પહોળો કરવા માટે બલૂન એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. જોશભેર ફૂલાવેલો ફુગ્ગો સાંકડી ધમનીના સાંકડા ભાગને પહોળો કરવાથી એ રક્તવાહિનીમાંથી લોહીનો પ્રવાહ બરાબર વહેવા માંડે છે. હૃદયને લોહીનો પુરવઠો મળવા લાગે છે. બલૂનથી પહોળી કરેલ ધમની કાયમ માટે પહોળી જ રહે એ માટે હવે કોરોનરી સ્ટેન્ટ તરીકે ઓળખાતી ધાતુના સ્પ્રિંગ જેવી રચના પહોળા કરેલ ભાગ પર નળીની મદદથી મૂકવામાં આવે છે. આમાં કોઇ શીશી સૂંઘાડવામાં આવતી નથી. આ પ્રક્રિયા લગભગ એક કલાક ચાલે છે. સ્ટેન્ટ મૂકવાથી ધમનીને માત્ર દબાણને કારણે ફરીથી સાંકડી થઇ જતી અટકાવી શકાય છે. ભવિષ્યમાં જો તેમાં કૉલેસ્ટ્રોલ જામી જાય તો તે ફરીવાર સાંકડી થઇ જાય છે.

મગનભાઇ દવે તાજેતરમાં નિવૃત્ત થયા છે. રાત્રે ઘરના લોકો સાથે ગપ્પા મારતા હતા, પરંતુ બેચેનીનો અનુભવ કરતા હતા. રાતે ઊંઘ આવી નહિ. વહેલી સવારે છાતીમાં દુ:ખવા લાગ્યું. જ્યારે દુ:ખાવો અસહ્ય થઇ ગયો ત્યારે મગનભાઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઇસીજી એબનોર્મલ આવતાં એન્જિયોગ્રાફી કરવાનું નક્કી કરવામાં આવ્યું. એન્જિયો-ગ્રાફીનો રિપોર્ટ આવ્યા પછી ડોક્ટરે કહ્યું કે, મગનભાઇને ત્રણ બ્લોકેજ છે. તરત જ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. આ માટે ચાર લાખ રૂપિયા ખર્ચ આવશે. દર્દીના જીવનનો સવાલ છે. તમારે તરત જ નિર્ણય લેવો પડશે. આપણે સારા મેડિકેટેડ સ્ટેન્ટનો ઉપયોગ કરીશું. એક સ્ટેન્ટની કિંમત દોઢ લાખ રૂપિયા આવશે. બે સ્ટેન્ટ બેસાડવા પડશે. જીવનભરની બચતમાંથી પૈસા કાઢવા પડ્યા. હવે પછી યુવાન પુત્રીના લગ્ન અને પુત્રના અભ્યાસના ખર્ચની ચિંતા સાથે મગનભાઇ ઘરે પાછા ફર્યા.

આપણા દેશમાં હૃદયરોગના દર્દીઓ વધતા રહ્યા છે. બદલાતી જીવનશૈલી, સ્પર્ધા, અનિદ્રા, ફાસ્ટફૂડ, આર્થિક સંકટ, માનસિક તાણ, વ્યસનો વગેરેને લીધે હૃદય પર તાણ વધે છે અને મનુષ્ય હૃદયરોગનો ભોગ બને છે. યુવાનો પણ તેમાં પાછળ નથી. બીજી બાજુ હૃદયરોગના ઉપચારનો ખર્ચ દિવસે દિવસે વધતો રહ્યો છે. ભારતમાં સ્ટેન્ટની મોટી માર્કેટ ઊભી થઇ છે. આ માર્કેટ પર અંકુશ મેળવવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે. વિદેશમાંથી આયાત થતા સ્ટેન્ટ પર કંપની પોતાનો નફો નક્કી કરે છે. એ પછી વિતરક પોતાનો નફો જોડે છે. હોસ્પિટલ પોતાનો નફો ઉમેરે છે. મૂળ કિંમત કરતાં અનેકગણી કિંમત દર્દીઓ પાસેથી વસૂલ કરવામાં આવતી હતી. ભારત સરકારના અન્ન અને ઔષધ સંસ્થાએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે વિદેશમાંથી આયાત થતા સ્ટેન્ટ પર 300થી 700 ટકા નફો લેવામાં આવતો હતો. ભારતમાં સ્ટેન્ટની માર્કેટ લગભગ 3000 કરોડ રૂપિયાની છે. સન-ર014માં ચાર લાખ સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દર વર્ષે ચાર લાખ કરતાં વધુ સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. દર નક્કી કરવાથી હોસ્પિટલોને ર000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે…

કોઇપણ પ્રસિદ્ધ હોસ્પિટલમાં તમે દાખલ થાઓ કે તરત જ મોંઘા ઉપચાર શરૂ થઇ જાય છે. આ ટ્રીટમેન્ટ ખરેખર જરૂરી છે કે નહીં તે દર્દીને ખબર હોતી નથી.

સ્ટેન્ટ આટલા મોંઘા કેમ છે? દરેક દર્દીને સ્ટેન્ટ બેસાડવાનો આગ્રહ શા માટે? અમેરિકા અને યુરોપમાં સ્ટેન્ટ માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. હોસ્પિટલનું ઓડિટ પણ થાય છે. કાર્ડિયોલોજી એસોસિયેશન ઑફ ઇન્ડિયા શું કહે છે?.. જેવું છાતીમાં દુ:ખવા લાગે કે તરત જ વિવિધ તપાસ શરૂ થઇ જાય છે. ઇસીજી લોહીની તપાસ, સ્ટ્રેસ ટેસ્ટ, એન્જિયોગ્રાફી વગેરે. કાર્ડિયોલોજી સોસાયટીના રિપોર્ટ અનુસાર સન-ર014માં ભારતીય બનાવટના 40 ટકા સ્ટેન્ટ અને 60 ટકા વિદેશના સ્ટેન્ટ વાપરવામાં આવેલા. સરકારી હોસ્પિટલોમાં મેડિકેટેડ સ્ટેન્ટની કિંમત હતી 23,000 રૂપિયા, પરંતુ ખાનગી હોસ્પિટલમાં સવા લાખ રૂપિયા લેવામાં આવતા હતા.

આ સઘળી બાબત અંગે દર્દીને કંઇ ખબર હોતી નથી. પોતાને હૃદયની તકલીફ શરૂ થઇ છે. હૃદય તજ્જ્ઞ કહે તે બ્રહ્મવાક્ય! આ સમયે વિચાર કરવાનો સમય હોતો નથી. ડોક્ટર તે આપતા નથી અને શરૂ થાય છે ખર્ચની હારમાળા. રક્તવાહિનીઓમાં 70 ટકા કરતાં વધારે અવરોધ હોય તો એન્જિયોપ્લાસ્ટીનો નિર્ણય લેવાય છે. અમેરિકામાં મેડિકલ સંસ્થાએ અભ્યાસ કરીને સ્ટેન્ટના વપરાશ અંગે નિયમો બનાવ્યા છે. કયા દર્દીને સ્ટેન્ટ બેસાડવા જરૂરી છે. આ માટે માર્ગદર્શક નિયમો નક્કી કર્યા છે. ભારતમાં બનેલા સ્ટેન્ટની ગુણવત્તા સારી હોવા છતાં તેમાં સંશોધનની જરૂર છે. કંપનીનો રિસર્ચ ખર્ચ, આયાત કરનાર કંપની, વિતરકનો નફો, હોસ્પિટલનો ખર્ચ બધું મળીને સ્ટેન્ટની કિંમત ખૂબ વધી છે. એક સ્ટેન્ટ સ્ટેનલેસ સ્ટીલની બનાવેલી હોય છે અને બીજી ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ. આમાં દવાનું કોટિંગ હોય છે જે હૃદયની રક્તવાહિનીઓ પર ઔષધનો સ્રાવ કરે છે. જેથી રક્તવાહિનીમાં ફરીવાર સમસ્યા પેદા થતી નથી. કેટલીયવાર ધમનીમાં ફરીવાર અવરોધ પેદા થાય છે તે ટાળી શકાય છે. કોરોનરી સ્ટેન્ટ એક પોલી નળી હોય છે. હૃદયને લોહી પુરવઠો આપનારી રક્તવાહિની પર આ સ્ટેન્ટ બેસાડાય છે. આમ હૃદયનો રક્ત પુરવઠો વ્યવસ્થિત રહે છે. આ સ્ટેન્ટની વધારે જરૂર બાયપાસ સર્જરી અથવા કિડ્ની સંબંધી રોગના નિદાન કરવા સમયે પડે છે.

અગાઉ સ્ટેન્ટ પર અનેકગણો નફો લેવામાં આવતો હતો. મધ્યમવર્ગ અને ગરીબો બરબાદ થઇ રહ્યા હતા. આ માટે સ્ટેન્ટની કિંમત ઘટાડવી જરૂરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સામાન્ય માણસને રાહત આપવા કોરોનરી સ્ટેન્ટની કિંમત 8પ ટકા જેટલી ઘટાડી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ હવે પછી ધાતુમાંથી બનાવેલી સ્ટેન્ટની કિંમત 7ર60 રૂપિયા અને મેડિકેટેડ સ્ટેન્ટની કિંમત ર0,000 રૂપિયા રહેશે તેમ જણાવ્યું છે. જુલાઇ, ર016ના રોજ કેન્દ્ર સરકારે કોરોનરી સ્ટેન્ટને જીવન જરૂરિયાત ઔષધની યાદીમાં સ્થાન આપ્યું હતું. આમ કિંમત ઘટાડીને સરકારે સામાન્ય માણસને રાહત આપી છે. અત્યારે બાયપાસ સર્જરીનું મહત્ત્વ વધતું જાય છે. શ્રીમંત લોકો માટે પૈસાની કોઇ સમસ્યા નથી, પરંતુ સામાન્ય, મધ્યમ વર્ગના દર્દીને આ ખર્ચ ખૂબ ભારે પડે છે. દર્દીને બચાવવો ખૂબ મહત્ત્વનું છે. પૈસા નહીં એમ વિચારીને હોસ્પિટલો ખૂબ નફો કરતી હતી. ગભરાયેલા દર્દીને કંઇ માહિતી હોતી નથી. એક દર્દી પાસેથી એન્જિયોપ્લાસ્ટીના ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા. થોડા દિવસ પછી તેનું એક અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો ખ્યાલ આવ્યો કે તેના હૃદયમાં કોઇ સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું જ નહોતું. આમ દર્દીઓને લૂંટવામાં આવે છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે 1970થી ર000 સુધીમાં હૃદયરોગોનો 300 ટકાના દરે વધારે થયો છે, જે ત્રણ દેશમાં તેનો વધારો થયો છે. તે પૈકી ભારતનો પણ તેમાં સમાવેશ છે. ર0 થી 30 વર્ષના યુવાનો પણ તેના ભોગ બનવા લાગ્યા છે. ભારતની 12પ કરોડ જનસંખ્યામાં 21 કરોડ લોકો કોઇ ને કોઇ રોગના ભોગ બનેલા છે. ભારતમાં પ્રત્યેક 33 સેક્ધડમાં એક વ્યક્તિ હાર્ટએટેકથી મરે છે. ર01પ-16માં દેશમાં 4.7પ લાખ સ્ટેન્ટનો ઉપયોગ થયો છે. ર0ર0 સુધીમાં વિશ્ર્વમાં પ.6 અબજ ડોલર સ્ટેન્ટનું ટર્નઓવર થવાનું છે.

કેન્દ્ર સરકારના નિર્ણયને લીધે હવે સ્ટેન્ટની કિંમત ઘટશે. જે સ્ટેન્ટ દોઢ લાખ રૂપિયામાં મળતો હતો તે હવે 30,000 રૂપિયામાં મળી શકશે. ઓપરેશનનો ખર્ચ 30થી 40 ટકા ઘટશે. કેટલીકવાર એક કરતાં વધુ સ્ટેન્ટ બેસાડવા પડે છે, ત્યારે ખર્ચનો પાર નથી રહેતો. જે હવે ઘટશે. એન્જિયોપ્લાસ્ટીમાં વધુ ખર્ચ સ્ટેન્ટનો રહે છે.

હૃદયના ઓપરેશન માટે આપણે વિદેશમાં જવું પડતું નથી. ભારતમાં અદ્યતન હોસ્પિટલો છે. પરંતુ સરકારનું તેના પર નિયંત્રણ નથી અને હવે નિયંત્રણ અસ્તિત્વમાં નથી. આને લીધે હોસ્પિટલ અને હૃદયરોગ નિષ્ણાત તરફથી મૂળભૂત નિયમોની પાયમાલી થઇ છે. આ અગાઉ પરદેશમાંથી આવતા સ્ટેન્ટ પર એમ.આર.પી. નહોતી. એમ.આર.પી. એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. અનેક હોસ્પિટલો અને હૃદયરોગ તજ્જ્ઞો મનફાવે તે રીતે પૈસા વસૂલ કરતા હતા. સ્ટેન્ટનું અલગ બિલ પણ આપવામાં આવતું નહોતું. પારદર્શકતા એ માર્કેટનો મુખ્ય સિદ્ધાંત છે. સરકાર જાગી અને તેણે એમ.આર.પી. ફરજિયાત બનાવ્યું.

અગાઉ સ્ટેન્ટ પર ઘણો નફો લેવાતો હતો. ત્યારે કેન્દ્ર સરકારે સામાન્યજનને રાહત આપવા તેની કિંંમત 85 ટકા જેટલી ઘટાડી છે…

ભારતના સ્ટેન્ટ બજારમાં પાંચ મલ્ટિનેશનલ કંપનીનો હિસ્સો 80 ટકા છે, જ્યારે ડઝન જેટલી ભારતીય કંપનીનો હિસ્સો ર0 ટકા છે. ભારતના સસ્તા સ્ટેન્ટ પણ સારી ક્વૉલિટીના હોય છે. કેટલીક ભારતીય કંપની યુરોપમાં સ્ટેન્ટ નિકાસ પણ કરે છે. ગ્રાહકોમાં હોસ્પિટલ અને કાર્ડિયોલોજિસ્ટ બદલ અસંતોષ વધતો ગયો. છેવટે સ્ટેન્ટ જીવનરક્ષક હોવાથી જીવન જરૂરિયાત ઔષધની યાદીમાં સમાવેશ કરાયો છે. એન્જિયોપ્લાસ્ટીના બિલમાં સ્ટેન્ટનો ખર્ચ રપ થી 40 ટકા હોય છે. જેથી હૃદયરોગ નિષ્ણાત સમિતિએ સૂચવ્યું છે કે માત્ર સ્ટેન્ટની કિંમત કમ કરીને ચાલશે નહીં. સમગ્ર બિલનો વિચાર કરવો જોઇએ. ગાઇડ વાયર ‘બલૂન’ વગેરેનો ખર્ચ વધશે. હોસ્પિટલોના દરોમાં વધારો કરવામાં આવશે. પરિણામે હૃદયરોગની સારવાર મોંઘી જ રહેશે. દર વર્ષે ચાર લાખ કરતાં વધુ સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. દર નક્કી કરવાથી હોસ્પિટલોને ર000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે જે ભરપાઇ કરવા દર વધારવા પડશે, જેને જરૂર નથી તેમની પણ એન્જિયોપ્લાસ્ટી કરાશે.

અમેરિકા, જાપાન અને યુરોપમાં ઉપચારની માર્ગદર્શિકા બતાવાય છે તે પ્રમાણે ડોક્ટરોએ સારવાર આપવી પડે છે. ભારત સરકારે પણ સમગ્ર ઓપરેશનના દર નક્કી કરવા જોઇએ. નહિતર સ્ટેન્ટના દર ઘટાડવાથી સામાન્ય માણસને કંઇ ફાયદો થવાનો નથી. હવે હોસ્પિટલો દ્વારા પણ ચાલાકી શરૂ કરવામાં આવી છે. એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરીના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેથી બિલમાં સ્ટેન્ટનું અલગ બિલ આપવાની જરૂર નહીં પડે. હજુ સુધી કોઇ હોસ્પિટલે હૃદયરોગ સર્જરીના દર ઘટાડ્યા નથી. સરકારે પોતે જ કેટલાક અગત્યના ઓપરેશન માટે દર નક્કી કરવા પડશે તો જ સામાન્ય માણસને રાહત મળી શકશે.

હે ભગવાન! આવા ડોક્ટરોથી બચાવજે!

ડોક્ટર એટલે સફેદ કોટમાં સજ્જ એક દેવદૂત. કોઇપણ સામાન્ય માનવીના મનમાં ડોક્ટરના નામ સાથે આવું ચિત્ર ઉપસે છે. ભાગ્યે જ કોઇને એવો ખ્યાલ આવે આ એક ભ્રમણા છે અને સત્ય હકીકત કંઇ અલગ છે. માંદગી એક મોટો ઉદ્યોગ છે. ડોક્ટરો અને અન્ય સાથીદારો તેના પર નભે છે. દવા બનાવતી મોટી કંપનીઓ તેનાથી સમૃદ્ધ થાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે આપણને 300 જાતની દવાઓની જરૂર છે, જ્યારે 60,000 જાતની દવાઓ બનાવાય છે.

એકવીસમી સદીની કોમ્પ્યૂટરવાળી આધુનિક ટેક્નોલોજી ધરાવતા અમેરિકામાં તબીબી વ્યવસાયે ઘણાં પરિવારોની આર્થિક પાયમાલી કરી છે. અમેરિકામાં દરેક પાંચમાંથી એક વ્યક્તિનું દેવાળું નીકળવાનું કારણ ડોક્ટરી ખર્ચાનો ગગનચુંબી આંકડો છે. ભારતના મોટાં શહેરોમાં પણ હવે આ પરિસ્થિતિ પેદા થઇ છે. કેન્સર, હૃદયરોગનો હુમલો કે કિડ્ની બંધ પડવા જેવા અસાધ્ય રોગ થાય ત્યારે મેડિકલ સારવાર પછી રોગ મટે અને તેની સાથે સમગ્ર કુટુંબને આર્થિક પાયમાલીથી મારતો જાય છે.

થોડાં સમય પહેલાં એક પ્રતિષ્ઠિત બ્રિટિશ મેડિકલ જનરલનો એક લેખ પ્રગટ થયેલો – ‘કરપ્શન ઈન ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિસ.’ આ લેખે ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં સ્પષ્ટ લખવામાં આવેલું કે, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલો બિનજરૂરી તપાસ કરાવીને દર્દીઓને લૂંટવાના ગોરખધંધાઓ કરી રહ્યા છે. કોકિલાબેન અંબાણી હોસ્પિટલે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને તે વાતનો સ્વીકાર કર્યો છે કે તેમને ત્યાં મોકલાતા દર્દીઓ માટે ડોક્ટરોને ઇન્સેટિવ આપવામાં આવે છે. જો કોઇ ડોક્ટર 40 દર્દીઓ મોકલે છે તો તેને એક લાખ રૂપિયા, પ0 પર 1.પ લાખ અને 7પ દર્દીઓ મોકલવા માટે ર.પ લાખ રૂપિયા આપવામાં આવે છે. વાત અહીં પૂરી થતી નથી. પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો રોગીને હોસ્પિટલમાં મોકલવા ઉપરાંત સિટીસ્કેન, એમઆરઆઇ, ઇસીજી, બ્લડ શુગર, યુરિન વગેરેના ટેસ્ટ કરાવી લાખો રૂપિયા કમાઇ લે છે. આને કટ પ્રેક્ટિસ કહેવાય છે. આ કટ પ્રેક્ટિસની માયાજાળ ભારતમાં ગામે-ગામ પહોંચી ગઇ છે. ડોક્ટર એ સન્માનિત વ્યક્તિ છે અને તેમને ન્યોછાવર થતો મોટો વર્ગ છે. પરંતુ ડોક્ટર વિશ્ર્વાસઘાત કરે ત્યારે શું સમજવું? દર્દી દવાખાનામાં હોય ત્યારે બોલી શકતો નથી અને બહાર પડયા પછી બોલવાનો અર્થ નથી.પરિણામે ડોક્ટરો અને પેથોલોજિસ્ટની મૈત્રી પૂરબહારમાં ખીલે છે. ટૂંકસમયમાં બંને શ્રીમંત બને છે.

અમેરિકા અને યુરોપમાં તો બિનજરૂરી તપાસ માટે દર્દીઓની તપાસનું ઓડિટ પણ થાય છે. જો દર્દીને ખોટી રીતે નિદાન માટે મોકલવામાં આવ્યો હોય તો બ્રિટનમાં ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં આવી કોઇ વ્યવસ્થા નથી. ડોક્ટરોના ધંધામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે કેટલાક પ્રમાણિક ડોક્ટરોએ અવાજ પણ ઊઠાવ્યો છે.

પ્રામાણિક ડોક્ટરો જેઓ ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે તેમને ટકવું અઘરું છે. દર્દીઓ પાસેથી વધુ પૈસા પડાવવા મેનેજમેન્ટ તેમના પર દબાણ લાવે છે. જે ડોક્ટર આમ નથી કરતો તેમની છૂટ્ટી કરી દેવાય છે. મોંઘી દવાઓ અને તપાસને કારણે ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકોને ગરીબીની ખાઇમાં ધકેલી દેવાય છે.

દર્દીઓને તપાસનાર ડોક્ટર તેને વિશેષ તપાસ માટે એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે મોકલે છે. આ ડોક્ટર રપ ટકા કમિશન મોકલનાર ડોક્ટરને આપે છે. દર્દીની તપાસ કર્યા પછી ડોક્ટર તેને અનેક પ્રકારની તપાસ માટે અમુક હોસ્પિટલમાં મોકલે છે. જ્યાંથી આ ડોક્ટરને 30થી 40 ટકા કમિશન મળે છે. દર્દીને થોડી વધારે તકલીફ થાય તો તેને ગંભીર ગણીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાય છે. આ હોસ્પિટલ તરફથી આ ડોક્ટરને અમુક કમિશન આપવામાં આવે છે. બિનજરૂરી ઉપચાર અને ઓપરેશન કરવામાં આવે છે. આઇસીયુમાં પણ રાખવામાં આવે છે.

દર્દીઓને અમુક કંપનીઓની દવા લેવાનો આગ્રહ રાખવામાં આવે છે અને ડોક્ટરને કમિશન મળે છે. મોટે ભાગે રોકડ રકમ જ આપવામાં આવે છે. ડોક્ટરો પેથોલોજિસ્ટને ગ્રાહક પૂરા પાડે છે. ફાર્મસીવાળાને પણ ગ્રાહક મોકલાવે છે અને તેમાં કમિશન મળે છે તે નિત્યક્રમ બની ગયો છે. મામૂલી પડતર કિંમતમાં પડતી દવાની મોટી કિંમત રાખીને બજારમાં લાવવામાં આવે છે અને તે લેવા માટે દર્દીને ફોર્સ કરવામાં આવે છે. આમ દવા કંપનીઓ પ્રચંડ નફો કરે છે. આ કંપની ડોક્ટરોને વિદેશ ફરવા માટે પણ મોકલે છે અને હોટેલનો ખર્ચ પણ ઉઠાવે છે.

ડોક્ટરની એક ભૂલથી દર્દીએ પ્રાણ ગુમાવવો પડે છે. આ પ્રકારની ફરિયાદો મેડિકલ કાઉન્સિલ પાસે આવવા લાગી છે. દેશમાં પ્રામાણિક અને સેવાભાવી ડોક્ટરોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ગમે તેમ કરીને દર્દી પાસેથી પૈસા પડાવી લેવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પ્રશ્ર્ન ઊઠે છે કે ડોક્ટરો પર કેટલો વિશ્ર્વાસ રાખવો? કોલકાતામાં ગયા વર્ષે પીપલ ફોર બેટર ટ્રીટમેન્ટ સંસ્થાની સ્થાપના થતાં તેના પર ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ પુષ્કળ પ્રમાણમાં આવે છે, સાથે પુરાવા પણ હોય છે.

મેડિકલ જનરલ ઓફ આઇ.એન.એલ.ના સંપાદક સી.એમ.ગુલાટી કહે છે કે, દર્દીને કઇ દવા કે ઇન્જેક્શન અપાય તે નક્કી કરવામાં ડોક્ટર ભૂલ કરી જાય છે. ઘણીવાર તો દર્દીના પેટમાં નેપકિન કે કાતર ભૂલી જાય છે. એ કરતાં એ ખરાબ છે ખોટી પ્રેક્ટિસ કરવી. તાજેતરમાં અમેરિકામાં છ મોટી હોસ્પિટલોને કટ પ્રેક્ટિસમાં સામેલ હોવાને લીધે કરોડો ડોલરનો દંડ ફટકારાયો છે. એમાં કેન્ટુસ્કી હોસ્પિટલને 41 મિલિયન ડોલરનો દંડ કરાયો છે. કારણ! બિનજરૂરી સ્ટેન્ટનો ઉપયોગ કરવા માટે. આપણા દેશમાં પણ અલગ નિયંત્રણ બોર્ડ ઊભું કરવાની જરૂર છે. સ્પર્ધાના આ યુગમાં દર્દી પોતા પાસે આવે તે માટે હોસ્પિટલ અને નિદાન કેન્દ્ર આવી કટ પ્રેક્ટિસની લાલચ આપી ડોક્ટરને આકર્ષિત કરે છે. મેડિકલ ડિગ્રી લેવા અમને લાખોનો ખર્ચ થયો છે તે વસૂલ તો કરવો જોઇએ ને? પણ પૈસા કઇ રીતે કમાવવા! દર્દીને મારીને!

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ