પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી.. હેમાલી સેજપાલ

પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી.. હેમાલી સેજપાલ

- in Shakti, Womens World
535
Comments Off on પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી.. હેમાલી સેજપાલ

ઉર્દૂ ચેનલના એક અધિકારીએ ગુજરાતીઓ હિન્દી સારી રીતે બોલી નથી શકતા તો ઉર્દૂ શી રીતે બોલવાના એવો કટાક્ષ કર્યો હતો. ને સ્વાભિમાનને વરેલી એક ગરવી ગુજરાતણે માત્ર 48 કલાકમાં જ ઉર્દૂ શીખીને તેનું ઓડિશન ક્લીયર કરીને કટાક્ષ કરનાર અધિકારીને નતમસ્તક કરી દીધા. બહુમુખી પ્રતિભા સાથે ગુજરાતીઓનું ગૌરવ અને કૃષ્ણભક્તિને વરેલું અનોખું વ્યક્તિત્વ…હેમાલી સેજપાલ.

ક્યા રેક કોઈના કટાક્ષપૂર્ણ વાક્યો કોઈના જીવનની દિશા અને ગતિને નવા વળાંકે લઈ જાય છે. હા, કદાચ એ કટાક્ષ જ એના જીવનની સફળતાના નવા સોપાનો સર કરવા માટે આશીર્વાદ પણ બની જતા હોય છે.

શક્તિના એક એવા જ વૈવિધ્યસભર પ્રતિભા અને બહુમુખી વ્યક્તિત્વ જેમણે તેમની ઉંમર કરતાં અનેકગણું પ્રાપ્ત કર્યું છે એવા વિશિષ્ટ શખ્સિયત હેમાલી સેજપાલે ‘ફીલિંગ્સ’ સાથે તેમની વાતો શૅર કરી હતી. ચાલો જાણીએ તેમણે જીવનસફરમાં કરેલા સંઘર્ષ અને તેમાંથી કલા-સાહિત્ય જગતને પ્રાપ્ત થયેલા એક અનોખા વ્યક્તિત્વની કેટલીક અંતરંગ વાતો…

સેજપાલ પરિવારમાં જન્મેલા હેમાલીના પિતા કિશોર સેજપાલ કે જેઓ ખૂબ જ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે. સેજપાલ પરિવાર મૂળ મુંબઈમાં સ્થાયી થયેલ. પણ વર્ષો પહેલાં વ્યવસાયની નવી દિશા શોધવા મુંબઈથી રાજકોટ જઇ કિસ્મત અજમાવનાર કિશોરભાઈએ રાજકોટમાં જ સનરાઈઝ ફેલ્ટ ફિનિશિંગ નામની તેમની કંપની સ્થાપી. જેમાં તેમણે શરૂઆતમાં સંઘર્ષ પણ ખૂબ વેઠવો પડ્યો. આ બધી ઘટનાઓ વચ્ચે હેમાલીએ પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. પોતાના મનના નિર્ણયને જ સર્વોપરી રાખી કોઈના બાહ્ય દબાણથી પ્રેરાયા વગર જીવનસફરની કેડી કંડારી. તેમને એક ઉર્દૂ ચૅનલના અધિકારીએ ઑડિશનમાં ગુજરાતી લોકો હિન્દી બરાબર નથી બોલી શકતા તો ઉર્દૂ કેવી રીતે બોલશેનો વેધક કટાક્ષ કર્યો. તેના જવાબમાં માત્ર 48 જ કલાકમાં ઉર્દૂ શીખીને પોતે ઓડિશનના બીજા રાઉન્ડમાં કટાક્ષ કરનારનું જ માથું શરમથી નીચે નમાવી દીધું. કર્મયોગના કૃષ્ણના નિયમને વરેલી આ પ્રતિભા તેમની સાથેની વાતચીતમાં તેમના કેટલાક વિશિષ્ટ પહેલુઓને અનાવરિત કરે છે.

તમારા જીવનનો આદર્શ કે ડ્રીમ પર્સન જેના આધારે પોતાનું ભાવિ ઘડી શકાય એ ચહેરો કોણ હતો?

જન્મ વૈષ્ણવ પરિવારમાં થયેલો છે અને કૃષ્ણભક્તિ બાળપણથી જ મારા રોમરોમમાં વહે છે. એટલે દેવોમાં કૃષ્ણ, જ્યારે જીવનમાં રોલ મોડલમાં મારા પિતાશ્રી કે જેમણે સંઘર્ષ સાથે સિદ્ધાંતોમાં બાંધછોડ કર્યા વગર સફળતાને પ્રાપ્ત કરી. જ્યારે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ તેમના ઉચ્ચ આદર્શ મૂલ્યો માટે મને વધુ ઈમ્પ્રેસ કરે છે.

અભ્યાસમાં વિશેષ રુચિનો વિષય ક્યો રહ્યો? કલાક્ષેત્રે આગમન કોઈ વિશિષ્ટ પ્રસંગથી થયો કે સહજ?

અમે મૂળ મુંબઈના. પરંતુ પિતાજીના વ્યવસાયાર્થે પરિવાર રાજકોટ શિફ્ટ થયો. ત્યાં મને પ્રેમાનંદ સંસ્કૃત ભવન સાથે બાળપણથી જ એક જુદો જ લગાવ થયો. તેનું મૂળ કારણ મારી ભારતીય ગ્રંથો અને વર્ણવ્યવસ્થાના અભ્યાસ તરફની વિશેષ રુચિ કામ કરી ગઈ. પરિવારના વિરોધ વચ્ચે પિતાજીનો અપ્રત્યક્ષ ટેકો હતો.

શું તમે ચમત્કારો અને દૈવી કૃપામાં માનો છો?

વાસ્તવિક રીતે આપણે બધા જ એક યા બીજી પ્રકારે એ બાબતે માનતા હોઈએ છીએ. પરંતુ શ્રદ્ધા અને ચમત્કારોનો અનુભવ થયા પછી જ એ વાતની સ્વીકૃતિ થાય કે એવી કોઈ વિશિષ્ટ શક્તિ છે જે જગતના સંચાલનમાં કામ કરે છે. તે છતાં ધ્યાનથી વધુ સચોટ જવાબ મળે છે. તેનો મને મારા મેડિટેશનના અનુભવો પરથી ખ્યાલ આવવા લાગ્યો. અંતરાત્માનો અવાજ સૌથી શ્રેષ્ઠ અવાજ છે જે તમારા હિતનો જ સાબિત થાય છે તે મારો સ્વયં અનુભવ રહ્યો.

ગુજરાતીઓ એટલે સામાન્યત: વેપારીપ્રજા એવી છાપ છે એમ છતાં  ગુજરાતીઓનું સાહિત્ય શિક્ષણ ક્ષેત્રે પણ ઉત્તમ યોગદાન છે, શું માનો છો આપ ?

વાસ્તવિક રીતે ગુજરાતીઓએ અત્યાર સુધી જગતને ઘણું બધું આપ્યું છે. પરંતુ ગુજરાતી લોકો માટેનો ઉર્દૂ ચેનલના અધિકારીનો કટાક્ષ ગુુજરાતી સંસ્કૃતિના સ્વમાન પર ઠેસ પહોંચાડનારો લાગ્યો. ખૂબ ગુસ્સો પણ આવ્યો. પરંતુ એ જ ક્ષણે આ વાતને મેં ચેલેન્જ તરીકે સ્વીકારી. પહેલી વખત ઓડિશનમાં રિજેક્ટ થયા પછી તે જ વખતે સુધાકર રાવ કે જેઓ તે વખતના હૈદરાબાદ ઈટીવી ઉર્દૂ ચૅનલના હેડ હતા તેમણે પરમિશન આપી. એટલે બીજી વખતના ઓડિશનમાં હું સફળ થઈ. તેમના પણ આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. કે માત્ર બે જ દિવસના ટૂંકાગાળામાં મેં આ કમાલ કર્યો કેવી રીતે? પરંતુ હું જાતે જ બધી ચોપડીઓ લઈને અભ્યાસ કરવા બેસી ગઈ. તે વખતના મારા ફિલ્મના શૂટિંગ વખતે આખું યુનિટ લગભગ મુસ્લિમ સભ્યોનું હતું. ફિલ્મ ડાયરેક્ટર ઈસ્માઈલ શ્રોફ પોતે પણ. એટલે તેમનું માર્ગદર્શન મળ્યું. સાથે સાથે બારીક અભ્યાસ કરીને મેં ઓડિશન ક્લીયર કર્યું.

આ ઘટના બાદ આપને કેવું લાગ્યું? આપના મનમાં કેવો રોમાંચ થયો?

સમગ્ર ઘટના મારા માટે આશ્ર્ચર્ય વચ્ચે રોમાંચિત સિદ્ધિઓની ખુશીને આવકારનારી સાબિત થઇ. જે મારા ભાવિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ઓડિશન આપીને રાજકોટ પહોંચતા જ મને ફોન આવ્યો કે તમે ઓડિશનમાં પાસ થઈ ગયા છો. તે સમયે રામોજીરાવ શોમાં કામ કરવા માટે મને ઓફર કરવામાં આવી. જે એક ઈન્ટરનેશનલ શો હતો. જે મોટાભાગના મુસ્લિમ દેશોમાં ખૂબ જ હોટ ફેવરિટ છે. શરૂઆતમાં મારી અનિચ્છા હતી પરંતુ પિતાજીએ આ બાબતે સકારાત્મક અભિગમ અપનાવી મને આગળ વધવા પ્રેરણા કરી. ત્યારબાદ રામોજીરાવનો આ ઈન્ટરનેશનલ શો ‘આપકી પસંદ’ જોઈન કર્યો. જેને લગભગ સતત પાંચ વર્ષ સુધી મેં હોસ્ટિંગ કર્યું.

ત્યાંના દર્શકો પણ હેમાલી સેજપાલ તરીકેની મારી ઓળખાણ ભૂલીને જાણે હું કોઈ મુસ્લિમ પરિવારની હોઉ તેમ મારી ‘હેમાલી બાજી’ના નવા નામ સાથેની એક નવી ઓળખ થઈ. જ્યારે હૈદરાબાદની એક મુસ્લિમ પરિવારની દીકરી આયેશા પણ આ શૉની ઘેલી હતી. તેની ઈચ્છા હતી કે હેમાલી બાજી રૂબરૂ મળે તો કેવી મજા આવે. અને એક જુદો ચીલો ચાતરવા ટેવાયેલી હું પહોંચી ગઈ એને મળવા. સૌના આશ્ર્ચર્ય વચ્ચે એ છોકરી અને એના સ્નેહીજનો ખૂબ જ ભાવવિભોર થઈ ગયા હતા. મુસ્લિમ પરિવારો આ શોના ખૂબ જ ઘેલા અને તેમાંય હેમાલી બાજીના પણ એટલા જ ઘેલા હતા જે મારા માટે એક વિશિષ્ટ સિદ્ધિ હતી.

આપના જીવનની એવી કોઇ યાદગાર ક્ષણો કે જેમાં આપને કોઈ કલાકાર દ્વારા આપની આ સિદ્ધિ બદલ વિશેષરૂપે અભિવાદન કર્યું હોય?

રાહત ફતેહ અલીખાન, જેઓ પાકિસ્તાનના ખ્યાતનામ ગાયક છે. ભારતમાં એક શૉ કરવા આવેલા તે દરમિયાન મને ઉર્દૂ જબાનમાં હોસ્ટિંગ કરતા તેમણે જોઈ અને એક વિસ્મયપૂર્ણ ઉદ્ગાર સાથે તેમના મોઢેથી શબ્દો નીકળી ગયા હતા કે આવી મીઠી ઉર્દૂ તો અમારા મુસ્લિમ પરિવારના લોકો પણ નથી બોલી શકતા જેટલી સફાઈથી તમે રજૂઆત કરી રહ્યા છો.

આપની કારકિર્દીને મૂલવવા સરકાર દ્વારા કે મહારાષ્ટ્રની સરકાર દ્વારા કોઈ વિશિષ્ટ ઈલકાબ કે સન્માન આપને મળ્યો?

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉર્દૂ ભાષાને બચાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં ઉર્દૂ અકાદમીએ એમના કેમ્પેઈનમાં ઈન્વોલ્વ થવા મને પસંદ કરી. મુસ્લિમ બાળકોને મારા આ અચિવમેન્ટથી પ્રેરણા મળે એટલે હું એક રોલ મોડલના રૂપમાં એમની સામે રજૂ થઈ હતી.  ઉર્દૂ ભાષાને જીવંત રાખવા સ્વયં મહારાષ્ટ્ર સરાકરે આ પ્રયાસ કર્યો. તે વખતે ઉર્દૂ અકાદમીના પ્રેસિડન્ટ હતા શ્રી રઉફ ખાન. ઉર્દૂ ભાષાને જીવંત રાખવા માટે વિશિષ્ટ વ્યક્તિત્વ તરીકે મને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજીની ઉપસ્થિતિમાં 26 જાન્યુઆરી 2016ના રોજ ‘ઉર્દૂ દોસ્ત’નો  અવોર્ડ મળ્યો હતો.

શિક્ષણનો જીવનમાં શો ફાળો છે? શિક્ષણ જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે ?

શિક્ષણથી માણસ ઘડાય છે. શિક્ષણમાં ઉણપને લીધે પડતી તકલીફોનો જે કેટલાક મોટા કલાકારોએ અનુભવ કર્યો છે જે મેં પણ જોયું છે ફિલ્ડમાં. શિક્ષણથી માણસના જીવનમાં જે કર્ટસી આવે છે તે ખૂબ જ ઉંચી હોય છે. શિક્ષણ માણસને જીવન જીવવાની ઢબ શીખવાડે છે.

ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિશે અને તેમના ભાષાને લગતા દ્રષ્ટિકોણ પર આપ શું કહેશો?

પ્રથમ તો સાહિત્યજગતમાં એકબીજાને નીચા દેખાડવાની કે ટાંટિયા ખેંચવાની વૃત્તિ જે છે તે સદંતર બંધ થવી જોઈએ. જ્યારે અન્ય ભાષાઓના પ્રતિનિધિઓ તેમની ભાષાને આગળ લાવવા બધું ભૂલીને એક થઈ મંચ પર આવે છે અને પોતીકી માતૃભાષાનું ગૌરવ વધારવાનો પ્રયત્ન કરે છે. આપણાં ગુજરાતી સાહિત્યકારોમાં આ નથી જોવા મળતું.

આપ વિવિધ શોને હોસ્ટ કરો છો. તો એવો કોઈ યાદગાર શો કે જેને આપે હોસ્ટ કર્યો હોય ને  ચિરસ્મરણીય બન્યો હોય?

કચ્છમાં 8 વર્ષ પહેલાં ભૂજમાં નવરાત્રિ કરી. નવરાત્રિમાં મારી હોસ્ટિંગ કંઈક અલગ જ હોય છે. મુંબઈ અને સૂરતની નવરાત્રિઓની તો મને આદત હતી. પણ આ કચ્છની નવરાત્રિ થોડીક વિચિત્ર વાત લાગતી હતી. તે જ અરસામાં કચ્છમાં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ (તત્કાલીન મુખ્યમંત્રી, ગુજરાત)નો કચ્છ કાર્નિવલનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેમાં ‘નાની વયે આવું સુંદર હોસ્ટિંગ મેં ક્યાંય નથી જોયું’ એવા અભિવાદન સાથેના તેમના શબ્દોએ મને ખૂબ જ પ્રેરણા આપી હતી.

આપે સેવેલું આપના જીવનનું સ્વપ્ન સાકાર થયું? એ સ્વપ્નને હકીકતમાં બદલ્યા પછી આપને કેવું લાગ્યું?

મારા જીવનનું સ્વપ્ન હતું કે મારું પોતાનું મુંબઈમાં એક ઘર હોય. પરિવારના અને સમાજના લોકો એમ માનતા કે મુંબઈમાં ઘર બનાવવામાં આખી જિંદગી નીકળી જાય. પરંતુ જ્યારે મેં મીરારોડ પર મારું પોતાનું ઘર લીધું અને મારા માતા-પિતાને એક વન્ડરફુલ ગિફ્ટ આપી. જીવનમાં પહેલી કાર અને પહેલું ઘર એ ક્યારેય ન ભૂલાય એવું અચિવમેન્ટ હોય છે.

આપની અન્ય સિદ્ધિઓ પર થોડોક દ્રષ્ટિપાત કરશો?

10 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ (આઈએચઆરપીસી) દ્વારા દિલ્હીના એક સમારંભમાં ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના હસ્તે રિજિયોનલ એક્ટરનો અવોર્ડ તથા ગૃહમંત્રી રાજનાથસિંહજીના હસ્તે 2016માં બેસ્ટ પરફોર્મરનો એમ બે સળંગ વર્ષ મને ઍવોર્ડ મળ્યા હતા. આ પ્રસંગે હું એક માત્ર સૌથી નાની વયની ગેસ્ટ ઓફ ઑનર અને સ્પીકર તરીકે ત્યાં ઉપસ્થિત હતી.

આપનો કોઇ સંદેશ?

જીવનમાં અંતરાત્માના અવાજને ફોલો કરો. બાહ્ય વિચારો કરતાં પોતાનું હૃદય સચોટ માર્ગદર્શન આપતું હોય છે.

માય ફેવરિટ

 

*  શોખ                   – મ્યુઝિક, ટ્રાવેલ

*  ફેવરિટ બુક્સ          – પ્રભાતના પુષ્પો, કેલિડોસ્કોપ.

*  અભિનિત નાટક       – હસો નહીં તો મારા સમ (ગુજ.) તુલસી  ઈસ સંસાર મેં (હિન્દી)

*  ફેવરિટ ફુડ             – ઘરની ગુજરાતી વાનગીઓ.

*  ફેવરિટ મુવી           – અંદાઝ અપના અપના, ગાઈડ.

* ફેવરિટ એક્ટ્રેસ         – માધુરી દીક્ષિત

* ફેવરિટ એક્ટર          – હ્રીતિક રોશન

 

જીવનની યાદગાર ક્ષણો

એક વખત પં. જસરાજજીનો જન્મદિવસ હતો. તેે દિવસે હેમા માલિની અને માયા ગોવિંદજીની ઈચ્છા હતી કે હું નૃત્ય પ્રસ્તુત કરું. આ પ્રસંગે એમની સામે કેવી રીતે પ્રેઝન્ટ કરવું તેની અવઢવમાં હું હતી. પરંતુ તે છતાં માયા ગોવિંદજીએ તેમના લખેલા રસિયા ગીતો પર રેખા ભારદ્વાજ અને હેમા માલિનીનું ટ્રુપ રજૂઆત કરવાનું હતું. તેમાં મારો ડાન્સ પણ તેમણે ગોઠવ્યો જે તેમનાથી જુદી રીતે મારે પ્રસ્તુત કરવાનો હતો જે મેં પ્રસ્તુત કર્યો. જે બધાને ખૂબ જ ગમ્યો. વૃન્દાવનમાં ચુંદડી મહોત્સવ દર વર્ષે યોજાય છે. તેમાં પણ મેં કૃષ્ણ તરીકે પરફોર્મ કર્યું. ત્યાં પણ મારી ઈચ્છા ન હતી કે હું કોઈ મારી રજૂઆત કરું. કારણકે કથ્થક મેં મારા આનંદ માટે શીખ્યું હતું બાળપણમાં. પરંતુ બાંકેબિહારીના સ્થાને જઈએ અને પ્રત્યેક વખતે કોઈને કોઈ રોમાંચિત કરનારો અનુભવ થાય તેવું જ આ પ્રસંગે પણ બન્યું. ત્યાંના વયોવૃદ્ધ વડીલ જેમને ખૂબ જ માન આપતી હતી તેમની લાગણીને વશ થઈને મેં કૃષ્ણના રૂપમાં મારું નૃત્ય રજૂ કર્યું. એટલે સ્પીચ આપવાની વાત તો જુદી જ પરંતુ કૃષ્ણના રૂપને રજૂ કરવાનો એક અનેરો અને જુદો જ લ્હાવો મળ્યો. નો ડાઉટ ત્યારે કોશ્ચ્યુમ્સ કોઈ પ્રોફેશનલ નહોતા પરંતુ ત્યાં જે કોઈ સુવિધા હતી અને કોશ્ચ્યુમ્સ હતા તેમાંથી મેં મેનેજ કરીને પરફોર્મ કર્યું.

 

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ