ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

- in News, Other Articles
458
Comments Off on ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

વિમિષ પુષ્પધનવા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલેકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝશને (ઇસરો) ૧૫મી તારીખે આખા દેશની સવાર સુધારી દીધી. ૧૦ વાગે હજુ તો લોકો પોતાની ઓફિસે પહોંચતા હોય, કામ શરૂ કરતાં હોય, દિવસનો પ્રારંભ થતો હોય ત્યાં જ ૧૦૪ ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા પ૦૫ કિ.મી. ઊંચી ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા. એ સાથે એક જ પ્રયાસે સૌથી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાનો ભારતે વિક્રમ સર્જી દીધો હતો. આ પહેલાં સૌથી વધુ ૩૭ ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા લૉન્ચ કરવાનો વિક્રમ રશિયાના નામે હતો. અમેરિકાએ ર૦૧૩માં એક સાથે ર૯ ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. ભારતે ગયા વર્ષે જ એક સાથે ર૦ ઉપગ્રહો લોન્ચ કરવાની સિદ્ધિ નોંધાવી હતી. પરંતુ હવે જ્યારે રેકોર્ડ બુકમાં નામ નોંધાશે ત્યારે પહેલું નામ ભારતનું હશે. બાકીના દેશો પાછળ.

 

દેશના યુવાનો વેલેન્ટાઇન્સ-ડેની તૈયારી કરી રહ્યા હતા. ગિફ્ટની પસંદગી, હોટેલમાં બુકિંગ, કેન્ડલ લાઇટ આયોજન… ત્યારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ટાપુ પર વિજ્ઞાનીઓની ટુકડી બીજી તૈયારીમાં પડી હતી. એ તૈયારી હતી ઉપગ્રહ લોન્ચિંગની. ઇસરો માટે ઉપગ્રહ લોન્ચ કરવા એ હવે કોઇ મોટી વાત નથી. દર વર્ષે ચાર-છ વખત ઇસરોના રોકેટ્સ ઉપગ્રહો લઇને ભ્રમણકક્ષામાં જાય જ છે. પરંતુ ૧૫મી ફેબ્રુઆરીએ થયેલા લોન્ચિંગે તો ભારતનું નામ ઉપગ્રહોની ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખી દીધું છે.

 

ભારતે ૧૯૭પમાં પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ લોન્ચ કર્યો હતો. પરંતુ તેનું લોન્ચિંગ યાન રશિયન હતું અને લોન્ચ પણ રશિયાના સ્પેસ પોર્ટ પરથી થયો હતો. ‘સેટેલાઇટ લોન્ચ વ્હિકલ-૩’ દ્વારા ૧૯૭૯માં રવાના કરાયેલો ‘રોહિણી’ એવો પ્રથમ ઉપગ્રહ હતો જે ભારતમાંથી લોન્ચ થયો હોય, ત્યારથી આજ સુધી ભારતે સવા બસ્સો ઉપગ્રહો કક્ષામાં ગોઠવ્યા છે. ર૦૦૮માં ઇસરોએ એક સાથે ૧૦ ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. એ રેકોર્ડ વર્ષ ર૦૧૬માં તોડ્યો હતો. ર૦૧૬માં ર૦ ઉપગ્રહો મોકલ્યા ત્યારે પણ એક ઉપગ્રહ કાર્ટોસેટ સિરીઝનો હતો.

ભારતનું ‘પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ-પીએસએલવી’ દુનિયાનું સૌથી સફળ રોકેટ છે. તેના જેટલી સફળ એવરેજ તો અમેરિકા કે રશિયાના રોકેટ પણ હાંસલ કરી શક્યા નથી. એકથી વધુ ઉપગ્રહો સવાર હોય એવા મિશનો પીએસએલવીએ ૧૮ વખત પાર પાડ્યા છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં બે ચાર ઉપગ્રહો હોય એટલે ખાસ મોટી સિદ્ધિ સર્જાતી ન હતી. ૧૫મી તારીખનું લોન્ચિંગ એ રીતે અનોખું હતું. ઉપગ્રહોની સદી એક સાથે ફટકારી શકાય એટલા માટે રોકેટ પીએસએલવીમાં ખાસ ટેકનોલોજિકલ ફેરફારો કરવા પડ્યા હતા. એ સૌથી મોટો પડકાર હતો અને વિજ્ઞાનીઓએ તે પાર પાડ્યો હતો. ૬૦ વર્ષ પહેલાં ઓક્ટોબર, ૧૯પ૭માં રશિયાએ જગતનો પ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક-૧’ લોન્ચ કર્યો હતો. ત્યારથી અવકાશ સંશોધનમાં અમેરિકા અને રશિયાનો દબદબો ચાલ્યો આવે છે. ભારત દેશે એ બંને દેશોની સિદ્ધિને ઝાંખી પાડતું પરાક્રમ નોંધાવ્યું છે.

પીએસએલવી રોકેટમાં સવાર સૌથી મોટો ઉપગ્રહ ભારતનો કાર્ટોસેટ હતો, જેનું વજન ૭૧૪ કિલોગ્રામ છે. પાંચ વર્ષનું આયુષ્ય ધરાવતા આ ઉપગ્રહનું કામ ઇમેજિસ પૂરી પાડવાનું છે. ભારતના બીજા બે ઉપગ્રહો ‘આઇએનએસ-૧એ’ અને ‘આઇએનએસ-૧બી’ બંને નેનો સેટેલાઇટ હતા. એટલે કે, તેનું કદ ઘણું નાનું છે. બીજા ૧૦૧ ઉપગ્રહો પણ અમેરિકા સહિતના વિવિધ દેશોના હતા. ૧૦૧ પૈકી ૯૬ અમેરિકાના જ્યારે બાકીના કઝાખસ્તાન, સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુએઇ, નેધરલેન્ડના હતા.

સર્વ ભારતીયોએ ગૌરવ લેવું પડે એવું કામ ઇસરોના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે. બે-અઢી દાયકા પહેલાં ભારતની અવકાશ કાર્યક્રમોમાં કોઇ ગણતરી ન હતી. અમેરિકા-રશિયા જેવા અવકાશ કાર્યક્રમોના ‘દાદા’ દેશો ભારતને સુવિધા ટેકનોલોજી સાધન સામગ્રી માટે ટટળાવતા હતા. અમેરિકા-રશિયાનું વર્તન ઘણા ખરા દેશો સાથે એવું જ રહેતું. જે દેશો એમની શરણાગતિ સ્વીકારે એમને મદદ મળતી. બાકી નહીં. ભારતને પણ ન મળી. ભારતે જોકે મદદ વગર બેસી રહેવાને બદલે ડો. વિક્રમ સારાભાઇ, ડો. અબ્દુલ કલામ વગેરે દૂરદૃષ્ટા વિજ્ઞાનીઓની આગેવાનીમાં અવકાશ સુધી પહોંચાડતો પોતાનો રસ્તો તૈયાર કરી લીધો. પરિણામ એ આવ્યું કે એક સમયે અવકાશમાં ભારતને લલ્લુ-પંજુ ગણતા બધા દેશો હવે ભારતના દરવાજે લાઇનો લગાવીને ઊભા છે. કોઇને ભારતની ટેકનોલોજી જોઇએ છે, કોઇને ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા પડાયેલા ફોટા ખરીદવા છે, કોઇને ભારતીય ઉપગ્રહોની સુવિધા ભાડે લેવી છે તો કોઇ ભારત પાસે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરાવવા માગે છે.

સ્પેસ ટેકનોલોજીમાં ભારતથી ઘણા આગળ રહેલા અમેરિકા-રશિયા અને યુરોપના દેશોને હવે સમજાઇ ગયું છે કે, અવકાશી પરિવર્તનનો પવન ભારતમાંથી ફૂંકાઇ રહ્યો છે. પરિણામે વાત વાતમાં અમેરિકાની મૂછે તાવ દઇને ફરતી અવકાશ સંસ્થા ‘નાસા’ ભારતના શરણે આવે છે. અઢળક સંપત્તિ, અવકાશમાં જડબેસલાક સિસ્ટમ, સંખ્યાબંધ ઉપગ્રહો, ચંદ્ર પર હાજરી વગેરે અનેક સિદ્ધિઓ અને ક્ષમતાઓ છતાં નાસા દિન-પ્રતિદિન નબળી પડતી જાય છે. તેની સામે ચીન અવકાશમાં સપાટાબંધ કાર્યક્રમોનો ખડકલો કરી રહ્યું છે. પણ ચીનના બધા કાર્યક્રમો મારું મારા બાપનું પ્રકારના હોય છે. એ દેશ કોઇની મદદ લેતો નથી. અમેરિકાની તો જરા પણ નહીં. પરિણામે અમેરિકાને અવકાશ કાર્યક્રમમાં ટકી રહેવું હોય તો ભારત જેવા સસ્તામાં કામ કરી આપતા અને સહયોગની ના ન પાડતા દેશ સાથે હાથ મિલાવ્યા વગર છૂટકો નથી.

ભારતનું મંગળ મિશન આગળ વધે એ પહેલાં જ અમેરિકાના સ્પેસ વિભાગે જાહેરાત કરી દીધી છે કે મંગળયાન માટે અમે જોઇએ એ સહયોગ આપીશું. આઝાદી પછી ભારતનો અવકાશ કાર્યક્રમ શરૂ થયો ત્યારે ભારત પાસે ઉપગ્રહના ઉપકરણો તૈયાર કરવા જોઇએ એવી લેબોરેટરી નહોતી એટલે કોઇક કારખાના વર્કશોપમાં કામ કરવું પડતું હતું. ઉપગ્રહ લોન્ચ કરવા લોન્ચ વ્હિકલ તો ઠીક વિજ્ઞાનીઓ માટે વાહનો ન હતા એટલે સાઇકલ કે સ્કૂટર પર હેરાફેરી થતી હતી. એવા દિવસોમાં પણ ભારતે કોઇ પરદેશી મદદ મેળવ્યા વગર અવકાશ કાર્યક્રમ અટકવા ન દીધો. જોઇતી સામગ્રી પોતાના દેશમાં જ તૈયાર કરી. પરિણામ? પરિણામ દુનિયાની નજર સામે છે, એ માટે ઇસરોની ટીમને શુભેચ્છાઓ આપીએ એટલી ઓછી.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ