હારનો સામનો કરવો એ અગત્યનું છે!

હારનો સામનો કરવો એ અગત્યનું છે!

- in I K Vijaliwala
1691
Comments Off on હારનો સામનો કરવો એ અગત્યનું છે!

આઈ. કે. વીજળીવાળા

ગિલ્બર્ટ નામનો આઠ વરસનો એક છોકરો એની નિશાળમાં કબ-સ્કાઉટ નામની પ્રવૃત્તિનો સભ્ય હતો. એક વખત આવા સ્કાઉટ બાળકો માટે એક કાર રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત! એ સાચી કારની સ્પર્ધા નહોતી, પરંતુ દરેક સ્કાઉટે જાતે બનાવેલ કારની રેસ હતી.

જીવનમાં ડગલેને પગલે હાર જીતના ઉતાર ચડાવ તો આવતા જ રહે છે. દરેકવાર આપણે જ જીતીએ એ જરુરી નથી પણ હાર પચાવતા શીખીએ એ પણ મોટી ઉપલબ્ધી છે.

એ રેસ માટે આયોજકોએ કાર-કીટ (કાર બનાવવાની સામગ્રી) ભાગ લેનાર દરેક બાળકને પૂરી પાડેલી. ચાર પૈડાં અને અન્ય પ્રાથમિક યાંત્રિક સામગ્રી એ કીટમાં સામેલ હતી, પરંતુ કારનો ઢાંચો દરેક બાળકે પોતાની જાતે લાકડામાંથી બનાવવાનો હતો. એ કઇ રીતે બનાવવો એ અંગેની સચિત્ર પુસ્તિકા (ઈંક્ષતિિીંભશિંજ્ઞક્ષ ખફક્ષીફહ) દરેક સ્કાઉટને આપવામાં આવી હતી. બાળકોને પોતાનાં મા-બાપની મદદ લેવી જ એવું ખાસ જણાવવામાં આવ્યું હતું.

ગિલ્બર્ટ ભારે હૈયે બધો સામાન લઇને ઘરે આવ્યો. ઘર સુધી પહોંચતાં એની આંખોમાં આંસુ આવી ગયાં. એના પિતાજી અવસાન પામ્યા હતા. એનો દરેક ભાઇબંધ પોતાના પિતાની મદદથી કાર બનાવવાની વાત કરતો હતો. પણ પોતાને કોણ મદદ કરશે એ વિચારથી ગિલ્બર્ટનું હૃદય વલોવાઇ જતું હતું. આ બધા વિચારોમાં અને વિચારોમાં એ ઘર સુધી તો માંડ પહોંચ્યો.

ઘરે પહોંચીને એણે પોતાની માને બધી વાત કરી. એનો રડમસ ચહેરો જોઇને એની મા બોલી, ‘અરે! મારા દીકરા! તું આમ હિંમત કેમ હારી જાય છે? હું બેઠી છું ને! હું તને મદદ કરીશ. જોજે, આપણે મા-દીકરો થઇને એવી સરસ કાર બનાવીશુ કે બધાં જોતાં રહી જશે! આટલી એવી વાતમાં તું ગભરાય છે શું કામ?’

‘ખરેખર  મા?’ ગિલ્બર્ટે ખુશ થઇને પૂછ્યું.

‘ચોક્કસ બેટા! લાવ મને તારું ઇન્સ્ટ્રકશન મેન્યુઅલ જોવા દે!’ એટલું કહીને એની માએ કાર કેમ બનાવવી એ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. કાર બનાવવામાં સુથારી કામના અનુભવની ખાસ્સી જરૂર પડે એમ હતી. ગિલ્બર્ટની મા પાસે તો આવો કોઇ અનુભવ નહોતો. છતાં મા-દીકરાએ મહેનત શરૂ કરી. હથોડી, કરવત તેમજ સુથારી કામના અન્ય સાધનોની મદદથી તેમજ થોડા દિવસની સખત મહેનત પછી બંને જણાએ કાર જેવો ઢાંચો બનાવી નાખ્યો. ત્યાર બાદ વુડ-પોલિશની મદદથી એને ચળકતો બનાવી દીધો. એ પછી બાકી બધા પૂર્જા જોડીને એ લોકોએ કારને આખરી ઓપ આપી દીધો. જોકે એમની કાર એવી કાંઇ અફલાતૂન નહોતી લાગતી, પરંતુ મા-દીકરાથી જેટલી સરસ બની શકે એટલી સરસ બનાવવાની એમણે કોશિશ જરૂર કરી હતી.

રેસનો દિવસ આવી પહોંચ્યો. બધા સ્કાઉટ પોતપોતાની કાર લઇને મેદાનમાં પહોંચી ગયા. દરેક બાળકના પિતાએ ખૂબ મહેનત કરી હતી એવું એમની કાર જોતાં જ લાગતું હતું. એમની સૌની સુંદર લાગતી કારની વચ્ચે ઊભેલી ગિલ્બર્ટની કાર જાણે સુંદર બંગલાઓની હારમાળા વચ્ચે કોઇ ગરીબની ઝૂંપડી ઊભી હોય એવી લાગતી હતી. બધા છોકરા એની મશ્કરી કરવા લાગ્યાં. ગિલ્બર્ટ ઢીલો પડી ગયો. આ બધું જોઇને એની મા ગ્રાઉન્ડ પર ગઇ. ગિલ્બર્ટના માથે હાથ ફેરવીને એ બોલી, ‘બેટા! જરાય ઢીલો નહીં પડતો. આ કારરેસ છે. આમાં કાર કેવી દેખાય છે એના પર નહીં, પરંતુ કેવી ચાલે છે એના પર પરિણામનો આધાર હોય છે. તું એને બરાબર ચલાવવા પર ધ્યાન આપજે. ઓલ ધ બેસ્ટ માય સન!’

માના આવા શબ્દોથી ગિલ્બર્ટને ફરીથી હિંમત આવી ગઇ. એ સ્પર્ધા માટે તૈયાર થઇ ગયો.

સ્પર્ધા બબ્બે જણા વચ્ચે હતી. બેમાંથી જે પહેલું આવે એણે બીજા ગ્રૂપના પ્રથમ નંબર આવેલ સ્પર્ધક જોડે સ્પર્ધામાં ઊતરવાનું હતું. બધાની નવાઇ વચ્ચે ગિલ્બર્ટ સેમિફાઇનલ સુધી પહોંચી ગયો. કોઇને પણ વિશ્ર્વાસ નહોતો આવતો. પણ એ હકીકત હતી. હવે એને ફક્ત એક જ પ્રતિસ્પર્ધી સાથે હરીફાઇ કરીને ફાઇનલ મેચ જીતવાની બાકી હતી.

ફાઇનલ માટે ગિલ્બર્ટ અને એનો હરીફ પોતપોતાની કાર લઇને સ્પર્ધા માટેની લાઇન પર ઊભા રહી ગયા. રેફરી મેચ શરૂ કરવાની સીટી મારે એ પહેલાં ગિલ્બર્ટ દોડીને એમની પાસે પહોંચ્યો અને ખૂબ આદરપૂર્વક વિનંતી કરી, ‘અંકલ! મને થોડો સમય આપશો, પ્લીઝ! હું પ્રાર્થના કરવા માગું છું.’

રેફરીને નવાઇ લાગી. હસવું પણ આવ્યું. છતાં એમણે ‘હા’ પાડી. પોતાની કાર પાસે ઊભા રહીને નેવું સેક્ધડ સુધી ગિલ્બર્ટે આંખ બંધ કરીને પ્રાર્થના કરી. પછી ઘૂંટણિયે પડ્યો. એ પછી એણે રેફરીને ઇશારો કર્યો કે પોતે હવે તૈયાર છે.

રેફરીએ વ્હીસલ મારી. રેસ શરૂ થઇ અને ફાઇનલમાં પણ ગિલ્બર્ટ જ પ્રથમ આવ્યો. એની અને એની માતાની ખુશીનો કોઇ પાર રહ્યો નહીં. બંનેએ આકાશ સામે જોઇને ભગવાનનો આભાર માન્યો. ગિલ્બર્ટે પોતાના સ્વર્ગવાસી પિતાનો પણ આભાર માન્યો.

એ પછી ઇનામોની વહેંચણી થઇ. ગિલ્બર્ટને પ્રમાણપત્ર અને મેડલ આપતી વેળાએ સ્કાઉટ માસ્ટરે એને પૂછ્યું, ‘કેમ ગિલ્બર્ટ! આ રેસ જિતાડી આપવા માટે તેં ભગવાનને પ્રાર્થના કરેલી ખરુંને? અને જોયું, ભગવાને તારું સાંભળ્યું પણ ખરું! એણે તને આ રેસ જિતાડી આપી! બોલ, તેં આવી જ પ્રાર્થના કરેલી ને?’

‘ના સર! મેં એવી રેસ જિતાડી આપવાની પ્રાર્થના કરી જ નહોતી! એ તો બરાબર ન કહેવાય. રેસમાં ઊતર્યા પહેલાં ભગવાન પાસે એવું માગવું એ તો ખોટું જ કહેવાય. એનાથી તો મારા હરીફને અન્યાય થયો ગણાય. એવી પ્રાર્થના તો હું કરું જ નહીં. મેં એવી પ્રાર્થના કરી પણ નહોતી!’ આઠ વરસના એ બાળકે જવાબ આપ્યો.

‘તો પછી?’ સ્કાઉટ માસ્ટરને એના જવાબથી નવાઇ લાગી હતી. ‘તો તેં પ્રાર્થના શા માટે કરી હતી?’

‘મેં ભગવાનને કહ્યું હતું કે કદાચ હું હારી જાઉં તો હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરી શકું એવી મને શક્તિ આપજે.’ ગિલ્બર્ટે કહ્યું, ‘હું જાણતો હતો કે મારે મારી શક્તિના સહારે જીતવાનું હતું. પણ હાર-જીત કાંઇ નક્કી થોડી હોય? એટલે કદાચ હું હારું તો એ વખતે રડી ન પડું, બસ. ભગવાન મને એટલો મજબૂત બનાવે એટલા માટે જ મેં એમને પ્રાર્થના કરેલી. જીતવા માટે નહીં.’

સ્કાઉટ માસ્ટર આભા બનીને એને જોતાં રહી ગયા. ગિલ્બર્ટના ચહેરા પર સચ્ચાઇનું તેજ હતું. એની માના ચહેરા પર આનંદ હતો અને આંખમાં ખુશીનાં આંસુ!

***

હારને ખરાબ સંજોગોને કે નિષ્ફળતાઓને પચાવી શકીએ એવી શક્તિ આપણે કેટલી વાર ભગવાન પાસે માગીએ છીએ? આપણે તો ફક્ત જીતની માગણી જ કરતા હોઇએ છીએ. જો હાર પચાવવાની માગણી કરીએ તો ખાતરીપૂર્વક કહી શકાય કે કદાચ એ આપણને હારવા જ ન દે!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો