ન્યાય કે અન્યાય..!

ન્યાય કે અન્યાય..!

- in Inspiring Story, Navlika
2099
Comments Off on ન્યાય કે અન્યાય..!

મોનિકા સળિયા પાસે ઊભી હતી. ત્યાં શૈલેષભાઇએ એમની સામે નજર કરી, પણ એ મોનિકા સામે નજર નહોતા મિલાવી શકતા. એમણે નજર ફેરવી લીધી. એમની આંખોમાં આંસુ છલકાઇ રહ્યાં હતાં. મોનિકાએ ગુસ્સામાં પૂછ્યું, તમે આવું કેમ કર્યું?

શહેરમાં એક જ ચર્ચા ચાલી રહી હતી નરાધમે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. ચારેબાજુથી આજે ફિટકાર વરસી રહ્યો હતો. શૈલેષભાઇ માટે બધા આજે એમને નફરત કરી રહ્યા હતા. અરે, એમની પોતાની એકની એક વહાલસોયી દીકરી પણ આજે એમના તરફ ધૃણાની નજરથી જોઇ રહી હતી. બધે એક જ વાત થતી હતી કે એવું તો આ નરાધમને આટલી ઉંમર બાદ શું થયું કે પોતાની પત્નીને મારી નાખવી પડી. એને એક પળનો વિચાર ના આવ્યો આવું ધૃણાસ્પદ કૃત્ય કરતાં. પણ થોડા દિવસો પહેલાં બધા એ જ શૈલેષભાઇના વખાણ કરતાં હતાં. એમના પાડોશીઓ તો એમ કહેતા હતા કે શૈલેષભાઇ તમારા જેવા સીધા, પ્રામાણિક અને બીમાર પડેલી પત્નીની સેવા કદાચ જ કોઇ કરી શકે અને અચાનક એવું તો શું થયું કે પાંચ જ દિવસમાં લોકો એમને નફરત કરવા લાગ્યા.

વાસ મારતી ગંદી અંધારાવાળી કાળી કોટડીમાં બનાવવામાં આવેલા ઓટલા પર શૈલેષભાઇ બેઠા હતા. કાલે એમને ફાંસીએ ચડાવી દેવાના હતા. એમનો ગુનો હતો કે એમણે એમની ધર્મપત્નીનું ખૂન કરેલું હતું. શૈલેષભાઇને મળવા માટે એમની દીકરી મોનિકા આવી હતી. એ છેલ્લે એટલે મળવા આવી હતી કે એ પોતાના પિતા જોડે જાણી શકે કે એવું તો શું થયું કે એમણે એની માને મારી નાખી. મોનિકાનાં લગ્ન અમેરિકામાં થયાં હતાં. એ શૈલેષભાઇ અને અનુની એકની એક વહાલસોયી દીકરી હતી. શૈલેષભાઇ અને અનુએ એને ખૂબ લાડકોડથી મોટી કરી હતી. મોનિકાએ જેલમાં સળિયાઓ પાછળ નીચે મોઢું કરેલા પોતાના પિતા સામે જોયું. એમનામાં પસ્તાવાની ભાવના સ્પષ્ટ જોવા મળતી હતી. પરંતુ એમણે જે કૃત્ય કર્યું હતું એ માફીને લાયક ન હતું અને કાનૂને એમને સજા આપી હતી.

મોનિકા સળિયા પાસે ઊભી હતી. ત્યાં શૈલેષભાઇએ એમની સામે નજર કરી, પણ એ મોનિકા સામે નજર નહોતા મિલાવી શકતા. એમણે તરત નજર ફેરવી લીધી. અને એમની આંખોમાં આંસુઓ છલકાઇ રહ્યાં હતાં. મોનિકાએ શૈલેષભાઇ તરફ જોઇને ગુસ્સામાં પૂછ્યું કે કેમ તમે આવું કર્યું? મમ્મીનો શું વાંક હતો? તમને જરા પણ વિચાર કે શરમ ના આવી આવું કરતાં? શૈલેષભાઇના મગજમાં આ વાતો તલવારની માફક ઘા કરી રહી હતી. એ ક્યાંય સુધી ચૂપ રહ્યા પણ એમણે એમના મનમાં નક્કી કયુર્ં કે આજે એ સાચી વાત પોતાની દીકરીને કરશે. એમણે કેમ આવું કર્યું? શું થયું હતું એ દિવસે? દુનિયાની એમને પરવા નહોતી. પણ એમની દીકરીને એ સાચી વાત કરવા માગતા હતા એટલે કે એ ગુનેગાર ના સમજે. એ મોનિકા સામે જોઇને બોલ્યા, દીકરી! બની શકે તો મને માફ કરી દેજે. પણ એ દિવસે જે પણ થયું એ તારે જાણવું જરૂરી છે. કદાચ એ જાણ્યા બાદ તું મને ગુનેગાર નહિ સમજે. અને પૂરી વાત સાંભળ્યા બાદ તું નક્કી કરજે મને માફ કરવો કે નહિ. મારી સાથે ન્યાય થયો છે કે અન્યાય એ તું જ નક્કી કરજે બેટા.

તારા લગ્ન બાદ ઘર ખાલી ખાલી થઇ ગયું હતું. અનુ અને હું તને ખૂબ યાદ કરતાં હતાં. અમને એ વાતની ખુશી પણ હતી કે દીકરીના સારા ઘરમાં લગ્ન થયાં છે અને ખૂબ ખુશ છે. તારી સાથે વાત થતી એટલે અમને તારા ચહેરા પર ખુશી દેખાતી હતી. એ જ તો ઇચ્છતા હતા અમે. એવામાં એક દિવસ કામ કરતાં કરતાં અનુ બેભાન થઇ ગઇ. હું તાબડતોબ એને હોસ્પિટલમાં લઇ ગયો. એ હોશમાં તો આવી પણ ડોક્ટરે અનુના થોડા રિપોર્ટ કરવા કીધા. અમે બધા રિપોર્ટ કરાવ્યા અને એ રિપોર્ટ લઇને અમે ડોક્ટર પાસે ગયા તો અમને અચાનક ખબર પડી કે અનુને કેન્સર છે. એ પણ બીજા સ્ટેજનું. અમે લોકો તો એકદમ ડરી ગયા. અનુ તો એકદમ પડી ભાંગી. હું તો મનમાં વિચારતો હતો અરે અચાનક આમ ક્યાંથી? કુદરતનો આવો તો કેવો ન્યાય કે આવી જીવલેણ બીમારી અનુને થઇ. ડોક્ટર સારા હતા. એમણેેે અમને વાત કરી, જુઓ, હજુ સમય નીકળી નથી ગયો. અનુને સારું થઇ શકે છે. બસ તમારે થોડી ટ્રીટમેન્ટ કરાવવી પડશે. મેડિકલ ક્ષેત્રે આજે જે પ્રગતિ થઇ રહી છે એમાં કેન્સર જેવી બીમારીને આરામથી મટાડી શકાય છે.

એ દિવસે અમે ઘરે આવીને ખૂબ ચર્ચા કરી કે તને આ વિશે વાત કરવી કે નહિ. હું તો તને અનુની બીમારીની વાત કરવાનો હતો. પણ અનુએ મને સ્પષ્ટ ના પાડી હતી. એણે મને કીધું કે દીકરી વિદેશમાં છે. એ મારી બીમારીના સમાચાર સાંભળીને દુ:ખી થશે અને હજુ હમણાં તો લગ્ન થયાં છે. એને એના સાંસારિક સુખ તો માણવા દો. આમ પણ ડોક્ટરે તો વાત કરી જ છે મટી જશે તો પછી આપણે શા માટે ચિંતા કરીએ છીએ. અમે તને વાત ના કરી અને બીજા દિવસથી અનુની બીમારીનો ઇલાજ શરૂ કરી દીધો.

અનુની બીમારીનો ઇલાજ ચાલુ હતો. અનુને દવાની અસરની સાથે આડઅસર પણ થવા લાગી હતી. ચાર મહિના નીકળી ગયા હતા. મેં અનુને ઘરનું એક પણ કામ કરવા દીધું ન હતું. રસોઇથી માંડી અને કચરા-પોતાં જેવા દરેક કામ હું કરતો હતો. અનુ પથારીમાંથી જોતી અને રોજ એની આંખમાંથી આંસુ આવતાં. એ ખૂબ દુ:ખી હતી. એ મને કામ કરતાં જોઇ શકતી ન હતી. એ મનમાં ને મનમાં દુ:ખી થયા કરતી. એને ક્યારેક મોઢામાંથી લોહી નીકળતું અને શરીરમાં ઘણી જગ્યાએ લાલાશ આવી હતી. માથાના વાળ નીકળી ગયા હતા. એને ઘણી વાર તો શરીરમાં એવી બળતરા થતી હતી કે એ ચીસો પાડી ઊઠતી. અમે દવાઓ ચાલુ રાખી હતી. ડોક્ટર પણ અમુક અમુક સમયના અંતરે એનું ચેકઅપ કરતા. ડોક્ટરને અમે વાત કરી કે અનુને આટલી દવાઓ પછી પણ ફરક નથી પડી રહ્યો.

ડોક્ટરે અમને વાત કરેલી કે ઘણીવાર રિકવરી આવતાં સમય લાગે છે. અનુ છેલ્લા ઘણા મહિનાથી દર્દથી પીડાતી રહી હતી. એણે તો જીવવાની આશા છોડી દીધી હતી. એ તો મને ઘણીવાર કહેતી કે મને મુક્તિ અપાવી દે. હવે આ દર્દ સહન નથી થતું. એ આખી આખી રાત જાગતી. એના શરીરની બળતરા એને સૂવા દેતી નહોતી. હું પણ એની સાથે જાગતો. દીકરા આજે જે સમાજ મને ફિટકારે છે એમાંથી એક પણ વ્યક્તિ અમારી આ મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે નહોતી. એમને કોઇ હક નથી ન્યાય કરવાનો. અનુનું દર્દ દિવસે દિવસે વધી રહ્યું હતું. હું પણ એને આ રીતે જોઇ શકતો નહોતો. એણે તો જીવવાની આશા ખોઇ જ દીધી હતી. એણે આત્મહત્યાના ઘણા પ્રયત્નો કર્યા પણ દરેક વખતે મેં એને રોકી હતી. એ મારા પર ગુસ્સે થતી હતી કે મારી જિંદગી આજે મને વધારે તકલીફ આપે છે. મોત તો આસાન છે.

મેં અનુ પાસે વચન લીધું કે એ હવે આત્મહત્યા નહિ કરે. અમે છેલ્લી વાર જ્યારે ડોક્ટરને બતાવ્યું એના થોડા દિવસો પહેલાં અનુને દર્દ વધારે થઇ ગયું હતું. એ શ્ર્વાસ પણ બરાબર નહોતી લઇ શકતી. એના શરીરમાં અન્નનો દાણો પણ ટકતો નહોતો. એનું આખું શરીર પીળું પડી ગયું હતું. એને જોઇને એમ જ લાગતું હતું કે એનો અંતિમ સમય નજીક આવી ગયો છે. અમે છેલ્લે એનો રિપોર્ટ કરાવ્યો. અમે રિપોર્ટ લેવા માટે રોકાયા હતા. અનુ આરામ કરી રહી હતી. એણે મારા મોઢા પર હાથ મૂકી મને કહ્યું પ્લીઝ મને હવે આ પીડામાંથી મુક્ત કરો. મારાથી હવે સહન નથી થતું. હું એને ઘણા સમયથી રીબાતાં જોતો હતો. એનું દર્દ મારાથી જોવાતું નહોતું. હું પણ ખૂબ દુ:ખી થતો હતો. એ જીવવાની આશા ખોઇ ચૂકી હતી. દવાની અસરને બદલે આડઅસર વધારે થતી હતી. સ્વસ્થ થવાની દરેક આશા હવે ઠગારી નીવડી હતી.

એ દિવસે મેં મારા મનમાં ધાર્યું કે આજે હું એને મુક્ત કરીશ. મન ભારે હતું. હાથ ધ્રૂજતા હતા. આંખોમાં આંસુ હતાં. મેં હાથમાં ઓશીકું લીધું અને અનુની આંખોમાં જોયું તો આજે અનુ ખૂબ ખુશ હતી. એણે મને વહાલથી હાથ ફેરવ્યો અને બોલી તમારી જાતને ગુનેગાર ન સમજતા. તમે તો કુદરતના અન્યાયની સામે મને ન્યાય આપો છો. અનુ એ દિવસે ખુશ હતી. એનું દર્દ ગાયબ થઇ ગયું હતું. મેં પણ ભારે હૃદય અને ધ્રૂજતા હાથ અને આંખોમાં આંસુ લઇને ઓશિકાને એના મોઢા અને નાક પર દાબી દીધું. અનુ તરફડીયા મારવા લાગી. મને આવું કરતાં જોઇને ત્યાં ઉપસ્થિત થોડા લોકો અને હોસ્પિટલના માણસોએ મને રોક્યો. પણ મેં મન બનાવી લીધું હતું કે આજે અનુને હું મુક્તિ અપાવીને જ રહીશ. થોડી જ વારમાં અનુનું તરફડીયા મારવાનું બંધ થઇ ગયું. અનુનું પ્રાણ પંખેરું ઊડી ગયું. હું એનો ચહેરો જોઇને ઘૂંટણિયે પડી ગયો. મને થોડા માણસોએ પકડી રાખ્યો હતો.

થોડી વારમાં ત્યાં પોલીસ આવી અને મને પકડીને લઇ જઇ રહી હતી. ત્યાં ડોક્ટર મારી પાસે આવીને બોલ્યા કે અનુનું કેન્સર ગાયબ થઇ ગયું હતું. એ જીવલેણ બીમારીમાંથી એને મુક્તિ મળી હતી. કેન્સર તો અનુનો જીવ ના લઈ શક્યું પણ મેં એનો જીવ લઇ લીધો. બસ પછી કોર્ટમાં કેસ ચાલ્યો. અનુના રિપોર્ટ બધા નોર્મલ હતા. એ વાત સાંભળીને હું ખૂબ આઘાતમાં આવી ગયો હતો. કુદરતનો આ ન્યાય હતો કે અન્યાય એ સમજ પડતી નહોતી. હું કોર્ટમાં એટલે જ ચૂપ હતો કે હું અનુનો ગુનેગાર હતો. અનુ મારી રાહ જોઇ રહી હતી. એટલે મારે પણ એની પાસે જવું હતું. પણ દીકરી હું તારી નફરતના લીધે ચેનથી ના મરી શકત પણ જો તું મને માફ કરી દે તો હું ચેનથી મરી શકીશ.. મોનિકા આ વાત સાંભળીને ખૂબ રડી. એણે પિતાના મોઢા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલી પપ્પા બની શકે તો તમે મને માફ કરજો. મેં તમને ના કહેવાનું કહી દીધું. બંને ખૂબ રડ્યાં હતાં એ દિવસે. મોનિકાની મુલાકાતનો સમય પૂરો થઇ ગયો હતો એટલે એને ત્યાંથી જવું પડ્યું. બીજા દિવસે શૈલેષભાઇને ફાંસી આપી દેવામાં આવી. મોનિકા વિચારી રહી હતી આવો તો કેવો ન્યાય કુદરતનો. ખરેખર એ ન્યાય હતો કે અન્યાય.

એ દિવસે મેં મારા મનમાં ધાર્યું કે આજે હું એને મુક્ત કરીશ. મન ભારે હતું. આંખોમાં આંસુ હતાં. મેં ઓશીકું લીધું, તેની આંખોમાં જોયું તો આજે તે ખુશ હતી…

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો