યોગનો મહાયજ્ઞ…

યોગનો મહાયજ્ઞ…

- in Cover Story
278
Comments Off on યોગનો મહાયજ્ઞ…

પ્રદીપ ત્રિવેદી

ભારતે વિશ્ર્વને અનેક માનવોપયોગી બાબતોની ભેટ આપી છે જેમાંથી સૌથી ઉપયોગી અને આજે પણ પ્રસ્તુત છે એવી ભેટ એટલે યોગ.. યોગાસનો….!! પ્રતિવર્ષ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય છે. ત્યારે આ વર્ષે અમદાવાદના આંગણે આ યોગ દિનની ભવ્ય ઉજવણી થઇ હતી…

પતંગ ઉપર ઉડતા અને નવરાત્રિમાં નાચતા, અતિથિઓને આવકારતા અને વિકાસની છલાંગો ભરતા.. મૉલ, મલ્ટિપ્લેકસ અને મારવેલ્સમાં ઉછળતા અમદાવાદમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિને યોગગુરુ બાબા રામદેવની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગનો ‘મહાયજ્ઞ’ યોજાઇ ગયો. વિકાસ સાથે વિક્રમો રચવામાં હરણફાળ ભરતા આહલાદક અમદાવાદમાં સૌથી વધુ (1.25 લાખથી વધુ) લોકો દ્વારા યોગ-પ્રાણાયામ કરવાનો વિશ્ર્વવિક્રમ રચાઇ ગયો. એટલું જ નહીં બીજા 24 જેટલા વિશ્ર્વ રેકોર્ડ બન્યા. બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કથાકાર રમેશ ઓઝા સહિતની હસ્તીઓ અહીં યોગ કરતી જોવા મળી હતી. સમગ્ર અમદાવાદ જાણે કે યોગ સાધકોથી છલકાઇ ગયો હતો.

યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારતના લોકલાડીલા ગુજ્જુ નેતા નરેન્દ્ર મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મુખ્ય કેન્દ્ર આ વખતે અમદાવાદ શહેર હતું. બાબા રામદેવ આ કાર્યક્રમમાં ખાસ પધાર્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌના રમાબાઇ મેદાન ખાતે ભવ્ય જનમેદની વચ્ચે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે યોગા કરીને યોગ દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉતાર-ચઢાવ વચ્ચે યોગ એ જીવન જીવવાની કળા શીખવે છે. વિશ્ર્વના ઘણાં દેશો યોગના કારણે હવે ભારત સાથે જોડાઇ રહ્યા છે. અમદાવાદમાં યોગગુરુ બાબા રામદેવ ‘આયુષ’ દ્વારા નક્કી કરાયેલ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. અને આ જ ક્રમ પ્રમાણે આખા ભારતમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસે અમદાવાદમાં 24 જેટલા વિવિધ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જે પૈકી કેટલાક પર એક નજર નાખીએ…

1) એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ: અમદાવાદના એઇએસ ગ્રાઉન્ડમાં એક સાથે 1.25 લાખથી વધુ લોકોએ યોગ કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો.

2) એક શહેરમાં વિવિધ સ્થળે યોગ: અમદાવાદ શહેરના વિવિધ પાંચ સ્થળે અઢીથી ત્રણ લાખ લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો.

3) શીર્ષાસનનો રેકોર્ડ: પતંજલિના કાર્યકર જયપાલ દ્વારા બે કલાક અને 30 મિનિટ સુધી સતત શીર્ષાસન કરીને વિશ્ર્વ રેકોર્ડ નોંધાયો.

4) સૂર્ય નમસ્કારનો રેકોર્ડ: પતંજલિના યોગ શિક્ષક પંકજે 3100થી વધુ સૂર્ય નમસ્કાર કર્યા. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના આ સૂર્ય નમસ્કારે વિશ્ર્વ રેકોર્ડ નોંધ્યો.

5) યોગનો રેકોર્ડ: પતંજલિના યોગ શિક્ષક મહેશ યોગીએ 51 કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

આ ઉપરાંત શીર્ષપદ્માસનનો વર્લ્ડ રેકોર્ડ, નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો રેકોર્ડ, શીર્ષાસનનું લાંબું પ્રદર્શન, વૃક્ષાસનનો વિશ્ર્વ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડનો સમાવેશ થાય છે.

અમદાવાદ જ નહીં વડોદરા, સુરત સહિત ગુજરાતના અનેક સ્થળે યોજાયેલ યોગના મહાયજ્ઞમાં લોકોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં પણ 276 યોગસાધકોએ 117 મિનિટમાં 108 સૂર્યનમસ્કાર કરી રેકોર્ડ સર્જ્યો હતો. આમ, ભારત સાથે સમગ્ર વિશ્ર્વે યોગ દિનની રસપૂર્વક ઉજવણી કરી હતી.

****

કેટલાક યોગાસનો પર એક નજર :

તાડાસન :

પરિચય :- તાડના વૃક્ષ જેવી ઊંચાઇ દર્શાવતું અને વધારતું આસન.

સાવચેતી :- કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, વેરીકોઝ ચેઇન્સ, વર્ટિંગોવાળાએે પગના અંગૂઠા ઊંચા કરીને કરવું નહિ.

ફાયદાઓ : * 5ગ, પીઠ તથા હાથના સ્નાયુઓ મજબૂત થાય છે. * કરોડ તેમજ લમ્બરના મણકામાં થયેલી ખરાબી દૂર કરે છે.

પદ્ધતિ :- આસન ઉપર સીધા ઊભા રહો. બંને હાથને આકાશ તરફ ઉપર ખેંચો, હથેળી આકાશ તરફ રહે એ રીતે બંને હાથની આંગળીઓને કલચ કરો. ખભાથી કોણી સુધીનો વચ્ચેનો ભાગ કાનને અડે તે રીતે હાથને બરોબર ઉપર તરફ ખેંચો. હવે બંને પગના અંગૂઠા પર ઊભા રહો. પગની એડી ઊંચકાયેલી હોવી જોઇએ. નજર સીધી, બંને હાથના ઉપર તરફના ખેંચાણથી શરીર ટટ્ટાર-સીધું રાખો.

રોગમાં સર્વશ્રેષ્ઠ :-કબજિયાત, વાનો દુ:ખાવો, શંખ પ્રક્ષાલન.

વૃક્ષાસન :

પરિચય :- વૃક્ષ જેવું આસન, એક થડ ઉપર ઊભા રહેતા વૃક્ષ જેવું આસન.

સાવચેતી :- આર્થ્રાઇટિસ,વર્ટિંગો, ઓબેસિટી.

ફાયદાઓ :- * હાથ, પગ અને છાતી સુડોળ બને છે. * શરીરના દરેક સાંધાને યોગ્ય વ્યાયામ મળે છે. * ન્યુરો મસ્ક્યુલર કો-ઓર્ડિનેશનને ઇમ્પ્રુવ કરે છે.

પદ્ધતિ : આસન ઉપર સીધા દંડાસનમાં ઊભા રહો. સૌ પ્રથમ જમણા પગને ઘૂંટણમાંથી વાળો અને તેને ઉપરની તરફ લો. આ વાળેલા જમણા પગનું તળિયું આસન ઉપર ઊભેલા ડાબા પગના સાથળ સાથે ચીપકાવી દો. આ પછી એક પગ પરનું સંતુલન જાળવતા બંને હાથને હળવેથી, માથાની ઉપર આકાશ તરફ પગે લાગતા હો એમ નમસ્કારની મુદ્રામાં ઊભા રહો. નજર સ્થિર રહેશે તો સંતુલન સરસ જળવાશે. થોડીવાર પછી આ રીતે જ બીજા પગથી કરો. વારાફરતી કરવાથી એક આખું સર્કલ પૂરું થશે.

રોગમાં સર્વશ્રેષ્ઠ :- તન અને મન અશાંત હોય ત્યારે, રક્તવિકાર, ક્ષય, ચામડીના રોગ.

પાદ હસ્તાસન :

પરિચય :- પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ. જેમાં બંને પગ અને બંને હાથના પંજાઓ એકબીજાને મળે છે તેવું આસન.

સાવચેતી :- કાર્ડિયાક, બેકપેઇન, હર્નિયા, અલ્સર, વર્ટિંગો, હાઇમાથોપીયા અને પ્રેગનન્સીવાળાએ ન કરવા.

ફાયદાઓ :- * 5ેટના બધા જ રોગમાં ફાયદો આપે છે. કબજિયાત-અર્જીણ દૂર કરે છે. * ચહેરો અને મગજ તરફ લોહીનો પ્રવાહ વધતા ચમક અને કાર્યક્ષમતા વધે છે. * કરોડ અને સંબંધિત માંસપેશીઓને ઢીલી કરીને લચકદાર બનાવે છે.

પદ્ધતિ : આસન ઉપર સીધા દંડાસનમાં ઊભા રહો. હવે બંને હાથને ઉપર આકાશ તરફ લઇ જાવ. શ્ર્વાસ ઊંડો ભરી લો. આ પછી શ્ર્વાસને છોડતા છોડતા સૌ પ્રથમ કમરેથી નીચેની બાજુ ઝૂકો. ઝૂકતી વખતે બંને હાથ પણ પગના પંજા તરફ ધીરે ધીરે લાવો. કમરેથી સંપૂર્ણ ઝૂકી ગયા પછી બંને હાથની આંગળીઓને પગના પંજા પાસે, આસનને અડે એ રીતે મૂકો. માથું પગના ઘૂંટણને અડાડવા પ્રયત્ન કરો અને ક્ષમતા પ્રમાણે રોકાવ. પગના ઘૂંટણ અને હાથની કોણી વળવી ના જોઇએ.

રોગમાં સર્વશ્રેષ્ઠ : પેટના રોગ, પેટની ચરબી ઉતારવા માટે.

ત્રિકોણાસન :

પરિચય :- ત્રિકોણ આકારનું આસન. શરીરનો આકાર ત્રિકોણ જેવો થાય છે.

સાવચેતી :- સ્લિપ ડિસ્ક, સાઇટિકા, એબ્ડોમિનલ સર્જરી.

ફાયદાઓ :- * કરોડરજ્જુ, કમર અને ગરદનનું લચીલાપણું જળવાય છે. * 5ીઠ અને પેટના સ્નાયુઓની ક્ષમતા વધે છે.

પદ્ધતિ : આસન ઉપર સીધા દંડાસનમાં ઊભા રહો. હવે પગને ખોલો અને બે પગ વચ્ચે રથી 3 ફૂટનું અંતર રાખો. હવે ડાબા હાથને ઊંચો કરો. ડાબા હાથના પંજા અને આંગળાને આકાશ તરફ ઊંચો રાખો. ડાબો હાથ શરીર સાથે સીધી રેખામાં રહેશે. કમરથી ઉપરના શરીરને જમણી બાજુ વાળો, જમણો હાથ, જમણા પગ સાથે જોડાયેલો રહેશે. શરીર જેમ જમણી બાજુ વળતું જશે તેમ જમણો હાથ વધુ નીચે જશે. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર રહેશે. આ સ્થિતિમાં ક્ષમતા પ્રમાણે રોકાવ. પછી આ રીતે જ બીજા હાથથી કરો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : પીઠનો દુ:ખાવો, પોલિયો, લકવો, કિડની, મૂત્રપિંડ.

અર્ધ ઉષ્ટ્રાસન :

પરિચય :- ઉષ્ટ્ર એટલે ઊંટ. ઉષ્ટ્રાસન એટલે ઊંટ જેવું આસન.

સાવચેતી :- હાર્નિયા, વર્ટિગો, આર્થ્રાઇટિસ, પેટના ભાગમાં કોઇ સર્જરી, પ્રેગનન્ટ મહિલા આ આસન ના કરે.

ફાયદાઓ :- * બેક પેઇન અને કબજિયાતને દૂર કરે છે.* માથામાં અને કાર્ડિયાકના ક્ષેત્રમાં લોહીનો પ્રવાહ વધે છે.

પદ્ધતિ : આસન ઉપર વજા્રસનમાં બેસો. પગના ઘૂંટણ ઉપર ઊભા થાવ. બંને હાથની હથેળી, કમર પાસે, આંગળીઓ નીચે આસન તરફ રહે એ રીતે મૂકો. હાથની કોણી અને ખભો એક લાઇનમાં સરખો રહે. માથાને પાછળની બાજુએ ઝુકાવો અને ગળાને ગરદનને પાછળની તરફ ખેંચો. પગના પંજા જમીન-આસન ઉપર ઢળેલા રહેશે. આ અર્ધ ઉષ્ટ્રાસનમાં ક્ષમતા પ્રમાણે રહો અને પછી ધીરે ધીરે પરત ફરો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : સાઇટિકા, પીઠના, સુવાવડમાંથી બહાર આવવા.

શશાંકાસન :

પરિચય :- શશાંકાસન એટલે સસલાના દેખાવ જેવું આસન.

સાવચેતી :- એક્યુટ બેકએક, ઘૂંટણનો દુ:ખાવો,ઓસ્ટીઓથ્રાઇટિસ વાળાએ ન કરવા.

ફાયદાઓ :- * માનસિક તાણ અને ગુસ્સાને કાબૂમાં રાખે છે. * સાથળ પરની ચરબી ઘટે છે. પેટ પરનો મેદ ઓછો થાય છે.

પદ્ધતિ : આસન ઉપર વજા્રસનમાં બેસો. બંને હાથને ઉપરની તરફ લઇ જાવ. બંને હાથ બંને કાન સાથે અડકેલા રહે. શરીર ટટ્ટાર ઉપરની તરફ ખેંચાયેલું રાખો. ઊંડો શ્ર્વાસ શરીરમાં ભરો. હવે શ્ર્વાસ છોડતા છોડતા કમરેથી ઝૂકો. સાથે સાથે હાથ અને માથું પણ નીચે આસન તરફ ઝૂકાવો. માથું, કપાળ આસનને અડકાવો. હાથ કોણીથી પંજા સુધીનો જમીન-આસન ઉપર સીધો લંબાયેલો રહેશે. પગની એડી ઉપરથી નિતંબ ઊંચકાય નહીં તેનું ધ્યાન રાખો. ક્ષમતા પ્રમાણે રોકાવ અને પછી શ્ર્વાસ લેતાં પુન: વજા્રસન સ્થિતિમાં પાછા આવો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : કમરનો દુ:ખાવો, ગુસ્સો, ચિંતા, ડાયાબિટીસ, પિત્તરોગ, માઇગ્રેન.

વક્રાસન :

પરિચય :- વક્રાસન એટલે શરીરને વક્ર-વાંકુ વાળતું આસન.

સાવચેતી :- સાઇટિકા, સ્લિપ ડિસ્ક, હર્નિયા, આંતરડામાં ચાંદા, ક્ષય, હૃદય નબળું, ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું.

ફાયદાઓ :- * પેન્ક્રિયાસ સક્રિય થાય છે. તેથી ડાયાબિટીસમાં રાહત આપે છે. પેટના અંદરના ભાગમાં દબાણ વધવાથી પિત્તાશય, સ્વાદુપિંડ, જઠર તથા આંતરડાના જુદા જુદા ભાગો પર પ્રભાવ પડે છે. * મણકાના લીગામેન્ટ, કાર્ટિલેજ મજબૂત બને છે.

પદ્ધતિ : આસન પર દંડાસન સ્થિતિમાં બેસો. સૌપ્રથમ જમણા પગને ઘૂંટણમાંથી વાળી, તેનો પંજો, ડાબા પગના ઘૂંટણની ડાબી બાજુએ ઓવરલેપ કરીને મૂકો. જે પગ ઊંચક્યો છે તે જ હાથ એટલે કે જમણા હાથને ઊંચકીને શરીરની પાછળ કરોડરજ્જુની લાઇનમાં, નિતંબથી આઠેક ઇંચ દૂર આસન પર મૂકો. હાથની સાથે ચહેરો પણ શરીરની પાછળ ખેંચીને ગોઠવો. ચહેરો અને જમણો હાથ શરીરની જમણી બાજુએ પાછળના ભાગમાં ખેંચાયેલા રહેશે. હવે ડાબા હાથને જમણા ગોઠણને દબાવતાં ડાબા હાથની હથેળી જમણા પગના પંજા પાસે મૂકો. આ વક્રાસનની પૂર્ણ સ્થિતિ છે. ક્ષમતા પ્રમાણે અહીં રોકાવ. આ પછી બીજા હાથ વડે પણ આમ કરો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : ડાયાબિટીસ, વા, પાચન સંબંધી રોગો.

ભ્રામરી :-

પરિચય :- ભ્રામરી એટલે ભમરા જેવું ગુંજન. જે આજ્ઞાચક્રને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે.

સાવચેતી :- નાક-કાનમાં કોઇ ઇન્ફેક્શન હોય તો આ ભ્રામરી પ્રાણાયામ ન કરવું.

ફાયદાઓ :- માનસિક તણાવ, ક્રોધ, ચિંતા અને અકળામણને દૂર કરે છે. હાઇબીપી, હૃદયરોગ વગેરેમાં ફાયદો થાય છે. ગળાના રોગમાં ફાયદો થાય છે. સ્વરમાં મધુરતા લાવે છે. મગજના કોષોને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ મળે છે. મન શાંત થાય છે. ધ્યાનની પૂર્વતૈયારી માટે ઉપયોગી છે.

પદ્ધતિ : આસન ઉપર સુખાસન, અર્ધપદ્માસન કે પદ્માસનમાં બેસો. કમર, પીઠ, ગરદન, ચહેરો સીધો રાખો. આંખો બંધ કરો. બંને હાથના અંગૂઠાથી બંને કાનના છીદ્રો બંધ કરો. બંને હાથની ચારેય આંગળીઓ આંખની ભ્રમરની ઉપર,  પોપચા ઉપર અને પોપચાની નીચે મૂકો. મનને આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરો. હવે ધીરેથી ઊંડો શ્ર્વાસ લો અને ભમરાની માફક ગુંજન કરતા નાદના સ્વરૂપમાં રટણ કરતાં શ્ર્વાસને બહાર કાઢો. ભ્રામરી પૂર્ણ કરતી વખતે કાન પાસે રાખેલ અંગૂઠાને ઝાટકાથી છોડો. ધીરે ધીરે આંખને ખોલો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : હાઇ બીપી, હૃદયરોગ, ગળાના રોગ.

પેટના બળે કરવાના આસન

ભૂજંગાસન :

પરિચય :- ભૂજંગ એટલે સાપ. ભૂજંગાસન એટલે સાપની ફેણ ચઢાવેલી હોય તે આકારનું આસન. ફણીધર નાગ જેવું આસન.

સાવચેતી :- હર્નિયા, અલ્સર, પેટમાં કરાવાયેલ શસ્ત્રક્રિયા, સગર્ભા મહિલાઓએ આ આસન કરવું નહીં.

ફાયદાઓ :- પેટની ચરબી અને કબજિયાતમાં ઘટાડો કરે છે. એડ્રિનલ ગ્રંથિના સ્રોત, થાઇરોઇડ ગ્રંથિ પ્રભાવિત કરે છે. બેક પેઇન, ઉધરસને દૂર કરે છે. અંડાશય, ગર્ભાશયને ફાયદો અને મૂત્રપિંડની કાર્યક્ષમતા વધે છે. દરેક સ્નાયુઓને કસરત મળે છે.

પદ્ધતિ : આસન ઉપર પેટના બળે ઊંધા દંડાસનમાં સૂઇ જાવ. સૌપ્રથમ બંને હાથને કોણીએથી વાળીને પાંસળીઓ પાસે હથેળી રહે તેમ રાખો. શ્ર્વાસ લેતાં હથેળીના જોરે છાતીથી ઉપરનો માથા સુધીનો શરીરનો ભાગ ઊંચો કરો. હાથની કોણીથી હથેળીનો ભાગ જમીન ઉપર રહેશે. કોણી વળેલી રહેશે. નાભીથી પગના પંજા સુધી શરીરનો ભાગ જમીન યા આસનને અડકેલો લંબ પોઝિશનમાં રહેશે. પગના પંજા ઢળેલા, તળિયા આકાશ તરફ રહેશે. પગની એડી અને અંગૂઠા જોડાયેલા રહેશે. માથું, ગરદન પાછળના ભાગ તરફ ઊંચકાયેલું અને ખેંચાયેલું રહેશે. ક્ષમતા પ્રમાણે રોકાવ અને પછી ધીરે ધીરે પાછા આવો.

રોગમાં સર્વશ્રેષ્ઠ : કબજિયાત, અપચો, ગેસ, કરોડ-પીઠના રોગ, સ્ત્રીઓને પ્રજનન સંબંધિત રોગમાં શ્રેષ્ઠ છે.

શલભાસન :

પરિચય :- શલભ એટલે તીડ. શલભાસન એટલે તીડ જેવું આસન.

સાવચેતી :- કાર્ડિયાક, હાઇબ્લડપ્રેશર, પેપટીક અલ્સર, હર્નિયા, લોઅર બેકપેઇન, સગર્ભા મહિલાઓએ આસન ન કરવું.

ફાયદાઓ :- * પેટના સ્નાયુઓ અને અવયવોને મજબૂત કરે છે. અને ચરબી ઘટાડે છે. * મેદ ઘટાડે છે. મેદવાળી વ્યક્તિઓએ ખાસ કરવું. * પીઠ અને કમરને લચીલી, કાર્યક્ષમ અને તંદુરસ્ત રાખે છે.

પદ્ધતિ : આસન ઉપર પેટના બળે દંડાસનમાં સૂવો. જમીન પર દાઢી ટેકવો. બંને હાથની હથેળી સાથળ નીચે ગોઠવો. બંને પગની એડી અને અંગૂઠાઓ એકબીજાને અડકેલા અને સીધા તેમજ ટટ્ટાર ખેંચેલા રાખો. હવે શરીરમાં ઊંડો શ્ર્વાસ ભરી લો. શ્ર્વાસને અંદર રોકી રાખ્યા પછી હાથ તથા દાઢીને જમીન કે આસન ઉપર દબાવીને રાખતાં બંને પગને એકસાથે ઉપરની તરફ ઊંચકો. શક્ય હોય એટલા બંને પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપરની તરફ ખેંચો. શ્ર્વાસ રોકી રાખવાનો છે. ક્ષમતા પ્રમાણે રોકાવ. પછી ધીરે ધીરે પગને નીચે લાવો અને મકરાસનમાં રિલેક્સ થાવ.

રોગમાં સર્વશ્રેષ્ઠ : કબજિયાત, અજિર્ણ, વાયુની તકલીફમાં શ્રેષ્ઠ.

મકરાસન :

પરિચય :- મકરાસન એટલે જળાશયના કિનારે સૂતેલા મગર જેવું આસન. આને શિથિલીકરણનું આસન પણ કહે છે.

સાવચેતી :- કાર્ડિયાક, લો બ્લડપ્રેશર, સગર્ભા મહિલાઓએ કરવું નહીં.

ફાયદાઓ :- * શરીરનો થાક ઉતરે છે. આરામ મળે છે. * પીઠ, કરોડના દુ:ખાવામાં રાહત તેમજ સ્ટ્રેસ, માનસિક તણાવમાં રાહત આપે છે. * લોઅર બેકને આરામ મળે છે.

પદ્ધતિ : આસન ઉપર પેટના બળે ઊંધા સૂઇ જાવ. બંને પગ વચ્ચે લગભગ એકથી દોઢ ફૂટનું અંતર રાખો. બંને પગની એડી અંદરની તરફ રહેશે. બંને હાથને કોણીથી વાળીને આસન ઉપર ગોઠવો. બંને હાથનું ઓશીકું બનાવીને તેના ઉપર સૂઇ જાવ. આંખને બંધ કરો.શરીર ઢીલું રાખો. શ્ર્વાસ ચાલુ. સાવ હળવાશનો અનુભવ કરાવતું રિલેક્સેશન માટેનું શ્રેષ્ઠ આસન.

રોગમાં સર્વશ્રેષ્ઠ : કરોડ, સ્લિપ ડિસ્ક, શ્ર્વાસ-ફેફસાંના રોગીઓ માટે સારું છે.

Facebook Comments

You may also like

ચાલો, યુએસએની સફરે… એટલાન્ટા

– પ્રદીપ ત્રિવેદી એટલાન્ટા એ યુએસમાં સૌથી વધુ