નારી તુ નારાયણી સ્ત્રી શક્તિનું કર્મયોગમાં સમર્પણ….

નારી તુ નારાયણી સ્ત્રી શક્તિનું કર્મયોગમાં સમર્પણ….

- in Cover Story, Feature Article
747
Comments Off on નારી તુ નારાયણી સ્ત્રી શક્તિનું કર્મયોગમાં સમર્પણ….
નારી તુ નારાયણી સ્ત્રી શક્તિનું કર્મયોગમાં સમર્પણ

યુગે યુગે નૂતન ક્રિષ્ણની જેમ યુગે યુગે નૂતન નારી સ્વરૂપ…! યુગ પરિવર્તનની સાથે સાથે સ્ત્રીશક્તિએ પોતાના કાર્યક્ષેત્રો પણ બદલ્યા છે અને યુદ્ધભૂમિમાં વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી લઈને આધુનિક યુગની ટેકનોક્રેટ અને ઉદ્યમી મોડર્ન વુમનના રૂપમાં જગતને પોતાના કાર્યોથી વિસ્મિત કર્યા છે. એવી જ કેટલીક ગૌરવવંતી મહિલાઓ કે જેમણે પુરૂષ સમોવડી જ નહીં બલ્કે પુરૂષોથી બે ડગલા આગળ ચાલીને તેમની હરીફ બનીને વ્યવસાય ક્ષેત્રે ધુરંધર કુશાગ્ર વ્યવસાયિક પુરૂષોને મ્હાત આપી છે તેવી કેટલીક બાહોશ મહિલાઓની શબ્દના સથવારે ઓળખાણ માણીએ..!


1) હર્ષબીના ઝવેરી :- MD an VICE CHAIRMAN – NRB BEARINGS

કેટલાક લોકોને સંઘર્ષ વગર સફળતાનો સ્વાદ ચાખવાનો જ જાણે કે ગમતો નથી. જ્યારે જીવનમાં સંઘર્ષ આવે છે ત્યારે જ જાણે કે તેમને બાજી ખરાખરીની મજેદાર લાગતી હોય તેવું લાગે છે. હર્ષબીના ઝવેરી પણ એક એવું જ વ્યક્તિત્વ છે કે જેને સખત પરિશ્રમથી કદી કોઈ ત્રાસદિ જેવું નથી લાગતું. જો તેમણે ધાર્યું હોત તો ઘરની કંપનીમાં જ કોઈ સારા હોદ્દા પર બેસી શક્યા હોત, પરંતુ કહેવાય છે ને કે જ્યારે સોનાને પોતાની ચમકની ખબર હોય પછી એ તપવાનું સ્વીકારે એમાં એ સોનાનો પોતાનો ગુણ છે. હર્ષબીનાએ ટ્રેઈનીથી શરૂઆત કરીને તેની કંપનીમાં જ આગળ ઉચ્ચ હોદ્દા પર સ્થાન પ્રાપ્ત કર્યું. માત્ર કઠોર પરિશ્રમની સાથે અખૂટ તૈયારી અને તમારી ધીરજ જ તમને આ શિખર પર લઈ જઈ શકે છે. તેની કંપનીનો આજે 670 કરોડ રૂપિયા ઉપરાંતનો પહોંચેલો આંકડો એ બાબતની જ ગવાહી પૂરે છે કે સફળતા માટે કેટલા કપરા ચઢાણ ચડવા પડે છે. હર્ષબીના ઝવેરી જુદી માન્યતા સાથે જીવન જીવવાનો મંત્ર પોતાના મનમાં ગાંઠ બાંધી ચૂક્યા છે : ‘જેમાં મુશ્કેલી નથી એ મંઝિલ પામવાની કોઈ મઝા જ નથી’.

2) પ્રિયા પૉલ :-  APEEJAY SURRENDRA HOTELS GROUP

હોટલ બિઝનેસની વાત આવે અને પ્રિયા પૉલના નામનો ઉલ્લેખ ન થાય એવું બને જ નહીં. પ્રિયાને આ હોટલીંગના વ્યવસાયમાં પિતાના અગાઉથી એસ્ટાબ્લિશ્ડ થયેલો એપીજય સુરેન્દ્ર હોટલ્સ ગ્રૂપનો વ્યવસાય હતો જ જેનાથી તેમને આ વ્યવસાયે ઝંપલાવવા માટે મન દ્રઢ કરી લીધું હતું. તેમણે પાર્ક હોટલ્સનો વ્યવસાય તેઓ સાચવી લેશે એવા દ્રઢ ભરોસા સાથે આ વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. જેમાં આજે બુટીક હોટલ્સને જન્મ આપનાર વિશિષ્ટ વ્યક્તિ તરીકે સૌપ્રથમ પ્રિયા પૉલનો જ ચહેરો આંખ સામે ઉભો થઈ જાય છે. આજે હોટલ ઉદ્યોગ પણ આ વાતને સ્વીકારે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે પિતાના વ્યવસાયે તેમને પીઠબળ પૂરું પાડ્યું અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ પણ તેમાં જ મળ્યો. પોતાની અંદર કંઈક નવું કરવાની સર્જનશીલતા અને રચનાત્મક દ્રષ્ટિ પણ હોવી જરૂરી છે. પ્રિયાનું માનવું છે કે સફળતા તો અનાયાસ રીતે આ કર્મનો એક અતૂટ ભાગ થઈ જાય છે.

3) વંદના લૂથરા :- FOUNDER – VLCC HEALTHCARE 

વંદના લૂથરાએ લગભગ 800 કરોડ ઉપરાંતનો બ્યુટી સેગમેન્ટનો તેમનો વ્યવસાય વિકસાવ્યો છે. જીવનમાં સુંદરતા હોવી જરૂરી છે. એકલા જ્ઞાનથી જ માણસ પૂજાય છે એવુંય નથી અને એકલા રૂપથી જ માણસ ઓળખાય છે એવું પણ નથી. તે છતાં વ્યવહારિક જીવનમાં સુંદરતા અને આકર્ષક દેખાવ ન હોય તો પ્રથમ દ્રષ્ટિની જે છબી છતી થાય છે તેના પરથી માણસની રહેણી-કરણી છતી થાય છે. આજે આટલા વિશાળ વ્યવસાયના ક્ષેત્રને આવરીને પણ વંદના લૂથરાને હજી પણ જીવનની સફળતામાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એટલે જ તે કંઈક નવું કરવા માગે છે. અને તેના માટે જ રોજીંદા જીવનમાં સર્વસામાન્ય જનતા સુધી પહોંચી શકાય એના માટે કંઈક નવું કરવું છે એ ધ્યેય અને ઉત્સાહ સાથે તેઓ એટલા જ આશાવાદી છે.

4) મીરા કુલકર્ણી :- CHAIRMAN & M.D. MOUNTAIN VALLEY SPRINGS

ક્યારે કઈ વાતે નસીબ આગળનું પાંદડું ખસી જાય અને જીવન સ્તર બદલાઈ જાય કે દિશા બદલાઈ જાય તે વિશે કહેવું કોઈના માટે શક્ય નથી. મીરાનું આ એક ગતકડું કહો કે એક તુક્કો જે આજે તેમનો એક તુક્કો ‘વૈભવી આયુર્વેદ’ (લક્ઝુરિયસ આયુર્વેદ)થી એવો તો ચાલ્યો કે વિશ્ર્વમાં તેની એક આગવી ઓળખ ઉભી થઈ અને લોકો ખરીદે છે. આ જ કોન્સેપ્ટ હેઠળ તેઓ દર વર્ષે કેટલાક નવા સ્ટોર્સ ખોલે છે જેની સંખ્યા આજે લગભગ 50 સ્ટોર્સ પર પહોંચી ગઈ છે. મીરા કુલકર્ણી પોતાની પ્રોડક્ટ્સ બાબતે ખૂબ જ કોન્શિયસ હોવાની સાથે ગ્રાહકો સુધી તે ગુણવત્તા જાળવીને પહોંચે તે વિષયમાં તેઓ ખૂબ જ પઝેસિવ છે. એટલા માટે જ મીરાએ ખાસ કરીને કાચા માલની ખરીદી જેમકે જંગલની પેદશોમાં કેટલાક તેલ અને અન્ય જડીબુટ્ટીઓ માટે તેમણે એક ફેક્ટરી શરૂ કરી જ્યાં આ નટ્સ અને બીજમાંથી તે ફેક્ટરીમાં જ તેલ કાઢવામાં આવે છે જેથી કરીને બજારમાંથી જથ્થાબંધ ખરીદીમાં ક્યાંય ભેળસેળનો પ્રશ્ર્ન આવતો હોય તોય તેમના ઉત્પાદોને અસર કરી શકે નહીં. તેઓ માને છે બજારમાં મળતા માલની ગુણવત્તા ચકાસવા પાછળ સમય બગાડવા કરતા આવું જોખમ લેવું વધુ ફાયદેમંદ સાબિત થાય છે અને થયું છે.

5) દેબજાની ઘોષ :- MD – INTEL SOUTH ASIA

જીવનની સફળતા વિશેના દરેકના પોતાના વિચારો, મંતવ્યો અને અલગ-અલગ સિદ્ધાંતો સાથેના પોતીકા વિઝન હોય છે. સાથે સાથે તમારા જીવનનો એક નિશ્ર્ચિત ધ્યેય અને ટારગેટ પણ હોવો જ જોઈએ જેના માટે તમારે કમ્મર કસીને લાગી જ જવું પડે. આ બાબતે દેબજાની ઘોષ કે જેઓ ઈન્ટેલ, સાઉથ એશિયાના એમ.ડી. છે તેઓનું દ્રઢ માનવું છે કે જીવનની સાથે કોઈ ધ્યેય તો જોડાયેલું હોવું જ જોઈએ. આજે સરકાર દ્વારા જે ડીજીટલાઈઝ્ડ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવાની વાત થઈ રહી છે તેમાં ઈન્ટેલ તેના કોર્પોરેટ કોન્ટ્રીબ્યુટર્સમાં ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે. તેઓ આ સ્થાને મજબૂત મહિલા તરીકે ઉભા છે. તેઓ દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં આવ્યા પછી અડધી લડાઈ લડી લીધા  પછી પાછીપાની કરવી જેમ કાયરતા ગણાય છે તેવી જ રીતે તમારા કાર્યક્ષેત્રમાં પણ જો તમે એક વખત હારનું મોઢું જોઈને જો ભાગી ગયા તો પછી થઈ રહ્યું જીવન ધોરણ તમારું ઠેરનું ઠેર જ રહે…! મારા જીવનની એક કપરી ઘટનાએ મને એક વાત શિખવી દીધી કે જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ત્યારે તમારે એ નિષ્ફળ સમયને સામી છાતીએ લડતા શીખવું જોઈએ. કારણકે જેમ જેમ તમે લડતા શીખો છો અને આગળ ચાલતા થાવ છો, સફળતાએ એક દિવસ તમારા આ બુલંદ ઈરાદા સામે નતમસ્તક થઈને તમારી પાછળ આવવું જ પડશે.

6) દેવીતા સરાફ – CEO – VU TECHNOLOGIES

પાવર લિસ્ટ્સના નવા નામોમાં દેવિતા સરાફ કદાચ તેની વિશિષ્ટ કાર્યશૈલી અને ઓળખાણથી વ્યવસાય જગતમાં જુદી જ ઓળખાણ ધરાવે છે. તેમાંય ઈલેકટ્રોનિક હાર્ડવેર માર્કેટમાં પિતાનો સિક્કો લાગેલી ઓળખાણ ન રહે તેના માટે દેવિતા સરાફે જાતે પોતાનું વજૂદ ઉભું કર્યું. જેના માટે તેમની કામની લગન અને પોતાની વિશિષ્ટ ઓળખાણ તરીકે તેમણે વીયુ ટેકનોલોજિસ દ્વારા ફ્લૅટ-સ્ક્રીન ટેલિવિઝન ક્ષેત્રમાં પોતાના વ્યક્તિત્વ સાથે જુદી જ ઓળખાણ ઉભી કરી છે જે તેના પિતાના ઈલેકટ્રોનીક હાર્ડવેર માર્કેટની ઓળખાણથી જુદી અને કદાચ વધુ સારી રીતે તેમણે ઉભી કરી છે. પણ તેમની સામાજિક ઓળખાણની સાથે તેમની કાર્યસિદ્ધિઓની અને કારકિર્દીની ઓળખાણને વિવેચકો ખૂબ જ જુદી રીતે આલેખે છે. દેવીતા સરાફ માને છે કે જોખમ ખેડ્યા વગર કોઈ સફળતા કે સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી અને કેટલીક વખત  કેટલીક ભૂલો માટે ઘણું ચૂકવવું પડતું હોય છે.

7) કિરણ મઝમુદાર-શૉ :- CHAIRPERSON & MD BIOCON

જીવનના સફળતાના માર્ગે દરેકને સંઘર્ષ સાથે જીવનની શરૂઆત પછી સફળતા પણ એટલી જ જોમદાર હોય છે. કિરણ મઝમુદાર શૉ માટે પણ પાછલા વર્ષમાં એવું જ કંઈક તેમની સાથે બનતું જોવા મળ્યું હતું. તેમના વ્યવસાય માટેના તેઓ ખૂબજ  તાણમાં રહ્યાં અને શોર્ટ ટર્મ બિઝનેસ બાબતે પણ એટલા જ કડક વિશ્ર્લેષણ અને એનાલિસિસ કર્યા. બિકનની બજાર મૂડી 18500 કરોડ એટલે બમણા કરતા પણ વધું થઈ ગઈ પાછલા આ કપરા સમયમાં પણ…અને તેણે તેનું મૂલ્ય પણ વધી ગઈ જે લગભગ 9500 કરોડને આંબે છે. બાયોકેમ એ એવી પહેલી ભારતીય ક્ંપની છે જેણે જાપાનમાં તેનું બાયોલોજિકલ ડ્રગ લૉન્ચ કર્યું છે. આ બાયોલોજિકલ ડ્રગ્સને જીવંત છોડવાઓ અને પ્રાણીઓના કોષોમાં વિકસિત કરવામાં આવે છે. એટલે ભારતીય મહિલાની શક્તિ અને સામર્થ્ય પ્રત્યેક ક્ષેત્રમાં કંઈકને કંઈક રીતે વિસ્તરતું જ રહ્યું છે એ ચાહે કલાનું માધ્યમ હોય કે વ્યવસાયનું..!

8) રેશ્મા શેટ્ટી :- CMD, MATRIX INDIA ENTERTAINMENT CONSULTANTS

બોલિવુડની પરંપરા અને તેના ઈતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવશે કે તે સતત વિવાદમાં ઘેરાયેલું રહેવા ટેવાયેલું છે. પણ, આવા વિવાદોના વિશ્ર્વમાં કેટલીક એવી હસ્તિઓએ પણ પોતાની કુશાગ્ર બુદ્ધિથી એક આગવી ઓળખ સાથે પોતાના વ્યવસાય અને વિઝનથી બોલિવુડના કેટલાક અનટચ્ડ કે પછી ન્યુ એરા ગણાતા ક્ષેત્રોમાં બોલિવુડ અને ટેલિવુડનું મિશ્રણ કરીને લોકોને મનોરંજન પિરસવામાં સફળ રહ્યા છે. પરંતુ આવી હસ્તિઓને એકત્ર લાવવા માટે તેમની વચ્ચેની જોડતી સાંકળ બનવાનું કાર્ય ખૂબ જ મહત્વનું હોય છે જે રેશ્મા શેટ્ટીએ તેની મેટ્રીક્સ ઈન્ડિયા થકી ખૂબ જ સારી રીતે નિભાવ્યું છે. તેની સાથે તેના ક્લાયન્ટ્સ કે જેઓ તેમના કામ પર ભરોસો રાખીને બેઠા છે તેમના વિશ્ર્વાસનું પૂરેપૂરું વળતર આપવામાં પણ રેશ્મા શેટ્ટી મહદંશે સફળ રહ્યા છે. ગત વર્ષ પૂર્વેની બોલિવુડની સીઝનમાં રેશ્મા શેટ્ટીના ક્લાયન્ટ્સ કે જેઓએ તેમનું માર્ગદર્શન મેળવ્યું તેઓ 1700 કરોડ સુધીનો વેપાર કરવામાં સફળ રહ્યા હતા જે બોલિવુડના કલાયમેટ સાથે તેમને કેવી રીતે મેચ-અપ કરવુ તેના વિશેની તેમની કેળવાયેલી દ્રષ્ટિને વાચા આપે છે. જ્યારે ટી.વી.ના નાના પરદા પર પણ તેમના સલમાન ખાન જેવા મહત્વના ક્લાયન્ટ્સને બિગ બોસ સુધી લઈ જવામાં તેઓ સફળ રહ્યાં તે તેમની ફરી એકવાર વ્યવસાયિક સફળતાની ઓળખાણ આપે છે.

9) કિર્થીગા રેડ્ડી :- MD – FACEBOOK

આજે આપણે એકમેક સાથે કનેક્ટ થવામાં કમ્યુટર ટેકનોલોજિનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. તેમાં પણ સોશિયલ સાઈટ્સ પર તો જેમણે કદી પોતાની જાતની ઓળખાણ પોતાની પોળની બહાર કોઈ પૂછતું નહોતું તેઓ પણ રાતોરાત જગતમાં છવાઈ ગયા.  હા મિત્રો, ફેસબુકને લોકો સુધી ઈઝી એક્સેસ માટે જેનું બ્રેઈન કામ કરી ગયું અને ભારતીય માનસિકતાને ઓળખીને તે મુજબ ફેસબુક સર્વિસિઝ પૂરી પાડી તેવા ફેસબુકના ભારતના એમડી કિર્થીગા રેડ્ડીનું માનવું છે કે કોઈપણ સંસ્કૃતિ સ્ટ્રેટેજીને તેના બ્રેક ફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકે છે માત્ર જરૂર છે તેને યોગ્ય રીતે અમલ કરવાની કે જે ધાર્યુ પરિણામ આપી શકે. થોડાક મહિનાઓ પહેલા તેમણે મેન્લો પાર્ક બેઝ્ડ કંપની અને મોન્ડેલેઝ જોડે સંયુક્ત રીતે એક કેડબરીના પ્રમોશન માટે અને નવી લૉન્ચ થઈ રહેલ ફોર્ડ-એન્ડેવરના લૉન્ચિંગ માટે મોબાઈલ પર કેમ્પેઈન કરવા માટેનો ટાસ્ક લીધો હતો જેમાં 12 લાખ જેટલા સ્માર્ટ ફોન યુઝર્સ સુધી તેઓ સફળ રીતે ફોર્ડ એન્ડેવરના પ્રિ-લૉન્ચિંગ સંદેશ પહોંચાડ્યા હતા. સ્ત્રી તેની શક્તિને યોગ્ય દિશામાં વાળીને વિશ્ર્વને કેટલી નૂતનતમ વસ્તુઓ આપી શકે છે તેનો કિર્થીગા રેડ્ડીની સફળતા ઉપરથી ખ્યાલ આવે છે.

10) રેણુ સુદ કર્નાડ :- MD – HDCF

મહિલાઓની બચત અને ગુપ્ત બચતની ટેવ જ ઘરધણીને કેટલાક અણધાર્યા ખર્ચાઓમાંથી બચાવી જતી હોય છે. તેનું શ્રેય જાય છે જે તે કુટુંબની હોમ મિનિસ્ટર સાહેબા એટલેકે ગૃહ લક્ષ્મીને…! એટલે જ આજે બેન્કિંગ ક્ષેત્રે મહિલાઓ તેમની સૂઝબૂઝ અને બચત સાથે નફાના ઉદ્દેશને ખૂબ જ સફળ રીતે પાર પાડી શકે છે. રેણુ સુદ કર્ણાડ પણ એક એવું જ વિશેષ વ્યક્તિત્વ છે જે ઇંઉઋઈના મેેનેજીંગ ડિરેક્ટર તરીકે તેમનો પદભાર સંભાળીને લોકોની બચતને યોગ્ય માર્ગે વાળવા સાથે તેમને ધિરાણો આપીને બચત પર વ્યાજ સાથે ઉપયોગિતા મુજબના સમયનો અંદાજ નિશ્ર્ચિત કરી રોકાણકારો તેમની એફડી અને બચતોમાં યોગ્ય રીતે તેમનાં નાણાંને રોકી શકે તેવી ઇંઉઋઈ ની નીતિઓ તેઓ ઘડે છે. તેમની આ કુશાગ્ર બુદ્ધિને લીધે જ બેન્કિંગ ક્ષેત્રે ક્રાઈસીસ ચાલતી હોવા છતાં એ સમયગાળા દરમ્યાન તેમણે કંપનીના રેવન્યુમાં ઉત્તરોત્તર સ્થિર વિકાસ સાધ્યો છે એ સાથે જ ટેક્સ ચૂકવણાઓ પછી પણ કંપનીને નફો કરાવ્યો છે. તેમની કંપનીઓની સિદ્ધિઓમાં જોઈએ તો સબસીડરી કંપની અને એસોસિએટ કંપનીઓના ટેક્સના ચૂકવણા પછીના કોન્સોલિડેટેડ પ્રોફીટ વિગત વર્ષ 2016માં જોઈએ તો 33% જેટલો રહ્યો હતો. એક સફળ વ્યવસ્થાપક તરીકે રેણુ સુદ કર્ણાડ ક્રિટિકલ ઈકોનોમિકલ ક્રાઈસીસમાં ખૂબ જ ધીરજ સાથે પોતાના કાર્યને સફળ બનાવવામાં પણ એટલી જ ચીવટ અને ખંતથી સફળતા મળતા સુધી કામમાં લાગેલા રહે છે અને પોતાના ધ્યેયને હાંસલ કરે છે એ તેમના વ્યક્તિત્વની આગવી વિશેષતા છે. માનવતાની દ્રષ્ટિએ પણ તેમણે ચૅન્નાઈની પુર જેવી વિકટ પરિસ્થિતિઓમાં ઊખઈંના લેટ પેમેન્ટ્સ માટે વેઈવર એનાઉન્સ કરીને તે વિસ્તારના ઇંઉઋઈ ના ગ્રાહકો માટે રાહત આપી હતી અને જેમના રહેઠાણો આ પુરમાં નુકસાની પામ્યા હતા તેમના ડેમેજ માટે જેમણે લોન્સ લીધી હતી તેમની પ્રોસેસીંગ ફીઝ પણ તેમણે માફ કરી હતી જે વિશે તેમના કેરીંગ ગૃહિણી તરીકેના પાસાની પણ ઓળખાણ છતી થાય છે.

11) વિશાખા મૂળ્યે : EXECUTIVE DIRECTOR – ICICI BANK

વિશાખા મૂળ્યેએ ICICI ની વિકટ પરિસ્થિતિઓમાં બેન્કની કોર્પોરેટ લોન બુકની એસેટ કવૉલિટી સુધારવાનું કપરું કામ પાર પાડવા સાથે બેન્કિંગ સેક્ટરના અન્ય ધ્યેયને હાંસલ કરવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કરીને આયર્ન અને સ્ટીલ જેવા ક્ષેત્રે તથા ઉર્જા-સિમેન્ટ સહિત ખનન ક્ષેત્રે પણ છેલ્લા ચતુ:માસી પરિણામોમાં કંપનીને નફા તરફ લઈ ગયા છે. વિશાખા મૂળ્યેએ તેમની રોકાણો અને ધિરાણોની કુનેહપૂર્વકની વ્યવસ્થાપન નીતિથી વિવિધ ક્ષેત્રે ધિરાણો કરીને લગભગ 76%જેટલો નફો કંપનીની બેલેન્સ શીટમાં જમા કરાવ્યો છે જે વિશાખા મૂળ્યેની બેન્કીંગ ક્ષેત્રે સફળ સંચાલક તરીકે ઓળખાણ આપે છે. તેમની ઈંઈઈંઈઈં ની મહત્વની કામગીરીઓમાં જોઈએ તો તેમણે લગભગ 2.5 બિલીયનના રોકાણો લાવીને કંપનીના ફંડ વધાર્યા છે જે ભવિષ્યમાં કંપનીના વિસ્તૃતિકરણ સાથે પ્રમોશનમાં કંપની માટે ખૂબ જ આધારરૂપ બની રહેશે.

12) એકતા કપૂર :- JOINT M.D.- BALAJI TELEFILMS 

પારિવારિક મૂલ્યોની ટી.વી. શ્રેણીઓ આવે અને સાસુ-વહુની વાત આવે તો વાચકો અને દર્શકોની આંખ સામે એક નામ આવ્યા વગર રહે નહીં અને તે એટલે એકતા કપૂર…!! પિતા જિતેન્દ્ર કે જેમણે બોલિવુડમાં ઠુમકેદાર ટ્રેન્ડ અને યુવાઓને યુવાનીને ઉમળકાભેર આવકારવા સાથે પ્રેમના પાઠ ભણાવ્યા તો તેનાથી તદ્દન વિપરિત પારિવારિક મૂલ્યોના જતન કરતી ખ્યાતનામ ટીવી શ્રેણીઓ જેવી કે ‘ક્યુંકિ સાંસ ભી કભી બહુ થી’ ‘કસમ સે’ ‘બડે અચ્છે લગતે હૈ’ ની સાથે ‘હમ પાંચ’ જેવી કોમેડી સિરિયલો પણ આપી અને દર્શકોના મન જીત્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતી ટેલિવુડની સૌથી નાની વયની સફળ દિગ્દર્શિકા તરીકે કદાચ આટલી બધી પારિવારિક શ્રેણીઓ આપનાર એકતા કપૂર એવું પ્રથમ વ્યક્તિત્વ જ હશે કદાચ..!!! એ સાથે જ બોલિવુડના મોટા પરદા પર પણ પોતાના વિશેષ દિગ્દર્શન અને મુવી થીમ થી ‘ઉડતા પંજાબ’ જેવા નાજુક અને જલદ વિષય પર પણ એકતા કપૂરનું દિગ્દર્શનનું કાર્ય અને તેની મહેનત બોલે છે. બિલકુલ અલગ જ ટ્રેન્ડ અને થીમ સાથેના આ નવી દિશાની ફિલ્મના સફળ દિગ્દર્શન સાથે ઉડતા પંજાબે 40 કરોડનું કલેક્શન કર્યું. એ સાથે જ એકતા કપૂરે બાલાજી ટેલિફિલ્મ્સના ટીમ મેમ્બરમાં સ્ટાર ઈન્ડિયાના સમીર નાયર કે જેઓ સ્ટાર ઈન્ડિયાના એક્ઝીક્યુટીવ હેડ હતા તેમને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. જોકે કેટલીક સિરિયલની નિષ્ફળતાથી હતપ્રભ થયા વગર અને કંપનીના સ્ટૉક્સ પર અસર પડવા દીધા વગર એકતા કપૂર તેમના નવ નિયુક્ત સીઈઓ સમીર નાયર સાથે એટલી જ ધગશથી તેમના આગળના ટાસ્ક પૂર્ણ કરવાના જુસ્સા સાથે આગામી સમયમાં દર્શકોને નવા અભિગમ સાથેનું મનોરંજન પિરસવા માટે પણ એટલા જ કટિબદ્ધ છે.

એટલે સ્ત્રી શક્તિ ફરી એકવાર બેન્કિંગ થી માંડીને એવિએશનની સાથે માર્કેટિંગ ક્ષેત્રે તો ખરા જ ખરા પરંતુ બોલિવુડ અને ટેલિવુડમાં પણ એટલી જ સક્ષમતા અને સફળતા સાથે મહિલા શક્તિના વિશિષ્ટ સ્વરૂપને નારી શક્તિ તરીકે આલેખવામાં સફળ રહી છે.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ