પ્લાસ્ટિકની પળોજણ… સમગ્ર વિશ્ર્વ બની ગયું છે પ્લાસ્ટિકમય…!

પ્લાસ્ટિકની પળોજણ… સમગ્ર વિશ્ર્વ બની ગયું છે પ્લાસ્ટિકમય…!

- in Feature Article
7290
Comments Off on પ્લાસ્ટિકની પળોજણ… સમગ્ર વિશ્ર્વ બની ગયું છે પ્લાસ્ટિકમય…!
પ્લાસ્ટિકમય

મનહર શાહ

વિશ્ર્વના 19ર દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. આ દેશોમાં અઢી અબજ ટન કચરો પેદા થાય છે. તેમાં ર7 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો હોય છે. તેમાંથી 80 લાખ ટન કચરો સમુદ્રમાં પધરાવવામાં આવે છે. આમાં સૌથી પ્રથમ નંબર ચીનનો આવે છે. તે દર વર્ષે સમુદ્રમાં 10 લાખ ટન કચરો નાખે છે…

અત્યારે દુનિયાભરમાં પ્લાસ્ટિકનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. દુનિયાનો કોઇ પણ દેશ, સમાજ, સંસ્કૃતિ કે ઘર-પરિવાર એવા નહીં હોય જ્યાં પ્લાસ્ટિકે પગપેસારો નહીં કર્યો હોય! ઘરગથ્થુ ઉપયોગની દરેક ચીજવસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. મીઠું, ઘી, તેલ, લોટ, ખાંડ, ચા, બ્રેડ, બટર, જામ, સૉસ, ચા, છાશ અને જ્યુસના પાઉચ પણ પ્લાસ્ટિકના હોય છે. લંચબોક્સથી માંડી માઇક્રોવેવમાં ભોજન ગરમ કરવા માટેના વાસણ પણ પ્લાસ્ટિકના હોય છે. પ્લાસ્ટિક માનવજીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. તેના વિના જિંદગી અધૂરી છે. જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક જ દેખાય છે. સમગ્ર વિશ્ર્વ પ્લાસ્ટિકમય બની ગયું છે. તે ટકાઉ છે એટલે લોકપ્રિય છે.

પ્લાસ્ટિક શબ્દ ગ્રીક ભાષાના પ્લાસ્તિકોજ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે બનાવવું. સન-186રમાં ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર પાર્કસે પ્લાસ્ટિકની શોધ કરી હતી. સન 1903માં બેલ્જિયમના કેમિસ્ટ લિયો બેકલેન્ડ ફેનોસ અને ફાર્મલ્ડિહાઇડે મળીને કૃત્રિમ થર્મોસેટ બનાવ્યું અને તેને પ્લાસ્ટિક નામ આપવામાં આવ્યું. તે મનુષ્યજાત માટે વરદાન માનવામાં આવ્યું. એ પછી સન 1933માં ઇંગ્લેન્ડની એક પ્રયોગશાળામાં બે રસાયણ વૈજ્ઞાનિકો એક મહત્ત્વના પ્રયોગમાં વ્યસ્ત હતા.  તેઓ એવો એક કૃત્રિમ પદાર્થ બનાવવા માગતા હતા, જેનાથી પિયાનોની કી બોર્ડમાં લગાડેલા હાથીદાંતની જગ્યાએ તેનો ઉપયોગ થઇ શકે. આ હાથીદાંત માટે હાથીઓનો શિકાર કરવો પડતો હતો. કોણ જાણે આ પ્રયોગમાં કંઇ ગરબડ થઇ ગઇ અને પરિણામે એક ચીકણો, સફેદ અને વિચિત્ર પદાર્થની શોધાયો અને તેને ‘પોલિથીન’ નામ આપવામાં આવ્યું. સન-1939માં પોલિથીનનું ઔદ્યોગિક ઉત્પાદન શરૂ થયું અને તરત જ દુનિયાનો તે લોકપ્રિય પદાર્થ બની ગયો. બીજા વિશ્ર્વયુદ્ધમાં બ્રિટને તેનો ઉપયોગ રાડાર કેબલ અને બીજા ઉપકરણોના ઇન્સુલેશન માટે કર્યો. તેની મદદથી આટલાન્ટિક યુદ્ધમાં જર્મનીની સબમરીનનો સામનો કરી શકાયો હતો. બીજા વિશ્ર્વયુદ્ધ પછી પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ શરૂ થયો. આ સાથે પોલિથીનમાંથી બનેલી રંગબેરંગી ફેરીબેગનું ઉત્પાદન થવા લાગ્યું અને તેણે અત્યારે દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે.

સન 1970માં પ્લાસ્ટિકનો ઉપયોગ ઔદ્યોગિક તથા ઘરગથ્થુ ક્ષેત્રમાં તેજગતિથી વધવા લાગ્યો. સસ્તો તથા ઓછી જગ્યા રોકનાર પદાર્થ હોવાથી ઔદ્યોગિક કાર્યમાં ધાતુની જગ્યા તેણે લઇ લીધી. આ સાથે વાહન, ઇલેકટ્રોનિક્સ, દૂરસંચાર, કૃષિઉપકરણો, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ચપ્પલ, ટીવી, કેબિનેટ, રેડિયો, એસી, કૂલર, ફર્નિચર, ટેપરેકોર્ડર, બટન, રોબો વગેરે ક્ષેત્રોમાં તેનો પગપેસારો થઇ ગયો.

પ્લાસ્ટિકની વિવિધ વિશેષતાઓને લીધે તે આધુનિક યુગમાં ખૂબ અગત્યનો પદાર્થ બની ગયો છે. ટકાઉ, રંગબેરંગી કલર અને આકારોમાં વિવિધતા હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થવા લાગ્યો. રંગીન ફેરીબેગથી માંડી રસોડાના વાસણો, ખેતીના ઉપકરણો, પરિવહન, જલ વિતરણ, બાંધકામ વગેરે અનેક ક્ષેત્રોમાં પ્લાસ્ટિકની બોલબાલા છે. મનુષ્યનું જે કૃત્રિમ હૃદય બનાવવામાં આવ્યું છે તે પણ પ્લાસ્ટિકનું જ છે.

પ્લાસ્ટિક પેટ્રોલિયમ પદાર્થમાંથી બને છે. ક્લોરિન, ફલુમોરિન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને સલ્ફર તેના ઘટકો છે. ગૃહઉપયોગી વસ્તુઓથી લઇને કૃષિ, ચિકિત્સા, વિજ્ઞાન, સેના, શિક્ષણ, મનોરંજન અને અંતરિક્ષ કાર્યક્રમમાં તેનો ઉપયોગ થઇ

રહ્યો છે.

વિશ્ર્વમાં વપરાતા પ્લાસ્ટિકમાં ભારતનો હિસ્સો 10 ટકા છે. દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ સરેરાશ 1પ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. જ્યારે ભારતમાં તેની ખપત વ્યક્તિદીઠ 1 કિલો કરતાં પણ ઓછી છે. આમ પ્લાસ્ટિકની દુનિયા બહુઆયામી છે, છતાં અત્યારે તેણે મનુષ્ય માટે સમસ્યા ઊભી કરી છે. તે વરદાન નહીં પરંતુ શાપ બની ગયું છે. સમાજમાં ફેલાયેલા આતંકવાદ પર નિયંત્રણ લાવી શકાય છે. પરંતુ પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ છે. કારણકે, તે આપણા રોજિંદા જીવનનું એક અંગ બની ગયું છે. દર વર્ષે ર60 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે.

સમગ્ર દુનિયાનું 8 ટકા તેલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં વપરાય છે. પૂરી દુનિયાને ચાર વાર ઘેરી લેવામાં આવે તેટલું પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે. એક પ્લાસ્ટિક બેગ પોતાના વજનથી ર000 ગણું વજન ઉપાડી શકે છે. દર વર્ષે એક લાખ જાનવરો પ્લાસ્ટિકનો કચરો ખાવાથી મરે છે. પ્લાસ્ટિકને નષ્ટ થતાં 400થી 1000 વર્ષ લાગે છે. અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિ 109 કિલો પ્લાસ્ટિક વાપરે છે. જ્યારે ભારતમાં આ આંકડો 10 કિલો સુધી રહે છે. દુનિયામાં એક નાનો રવાન્ડા જ એવો દેશ છે જ્યાં પ્લાસ્ટિકની મનાઇ છે. સૌથી વધારે પ્લાસ્ટિકનો કચરો સમુદ્રમાં ફેંકવામાં આવે છે. દર વર્ષે અમેરિકામાં 6000 લોકો પ્લાસ્ટિક પેકેજિંગ ખોલતાં ઘાયલ થાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મોબાઇલમાં વપરાતું પ્લાસ્ટિક અસલી પ્લાસ્ટિક નથી, તે એક પ્રકારનું સેલ્યુલોસ હોય છે, જે જમીનમાં ત્રણ મહિનામાં નષ્ટ થઇ જાય છે. ચીનના પાટનગર બીજિંગમાં મુસાફરોને સબ-વેમાં જવા માટે ટિકિટને બદલે એકવાર ઉપયોગમાં આવેલી બોટલ આપવામાં આવે છે. આ બોટલનો ફરીવાર ઉપયોગ થઇ શકે. અમેરિકામાં દર પાંચ સેક્ધડે 60,000 પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે. ફીનલેન્ડમાં 10માંથી 9 પ્લાસ્ટિક બોટલને રિ-સાઇકલ કરવામાં આવે છે. દુનિયામાં દર વર્ષે પ00 ખર્વ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અર્થ એ કે દર મિનિટે ર0 લાખ પ્લાસ્ટિક બેગ. પ્લાસ્ટિકને બેક્ટેરિયા ખાઇ શકતા નથી એટલે તેનું આયુષ્ય લાંબું રહે છે. દર વર્ષે છ અબજ કિલો કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવે છે તેમાં મોટે ભાગે પ્લાસ્ટિક હોય છે.

આમ, પ્લાસ્ટિક આપણા જીવનનું એક અંગ બની ગયું છે. તેના વિના આપણે જીવી શકતા નથી. જ્યારે ઉપયોગ કરીને તેને ફેંકી દેવાય છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. તે લાંબા સમય સુધી પડ્યું રહે અને સડે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધતો રહ્યો છે. આપણા દેશમાં વિકસિત દેશોની તુલનામાં વપરાશ ઓછો છે, પરંતુ તેનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ર001-0રમાં પ્લાસ્ટિકની માગ 4.7 મિલિયન ટન હતી જે સતત વધતી રહી છે. ભારતમાં પ્લાસ્ટિકનું માર્કેટ વાર્ષિક રપ000 કરોડ રૂપિયાનું છે. આપણા દેશના કચરામાં 10 ટકા પ્લાસ્ટિક હોય છે. જેમાં તૂટેલા ફૂટેલા પ્લાસ્ટિકના વાસણો અને ઘરગથ્થુ ઉપકરણો હોય છે. 1960થી ર000 દરમિયાન પ્લાસ્ટિકનું ઉત્પાદન રપ ગણું વધી ગયું છે. આ સાથે સમુદ્રમાં ફેંકાતા પ્લાસ્ટિકના કચરામાં પણ ત્રણ ગણો વધારો થયો છે.

કેટલાંક વર્ષથી કૃત્રિમ પોલિમરના કચરાના રૂપે જમા થવાના પ્રમાણમાં વધારો થયો છે. સમુદ્ર ક્ષેત્રમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ 60થી 80 ટકા જેટલું વધી ગયું છે. સમુદ્રી પક્ષીઓની 44 ટકા પ્રજાતિ પ્લાસ્ટિકના કચરાથી પ્રભાવિત છે. વિશ્ર્વના સમુદ્રી જીવોની ર67 જાતિઓ પર પ્લાસ્ટિકના પ્રદૂષણથી અસર થઇ છે. ઉદ્યોગોમાં પ્રયોગ માટે વપરાતા થર્મોપ્લાસ્ટિક સૂક્ષ્મ કચરા રૂપે સમુદ્રમાં ભળે છે.

પ્લાસ્ટિક પોલિથિન માનવ દ્વારા પેદા કરેલ પોલિમર પદાર્થ છે. ચીનની રાજધાની બીજિંગમાં ર030 સુધીમાં પ્રદૂષણ કમ કરવા માટે વ્યાપક પગલાં લેવામાં આવ્યાં છે. પ્રદૂષણ ફેલાવનાર રપ00 કંપનીઓને બંધ કરી દેવામાં આવી છે. અમેરિકામાં આરોગ્ય પર વિપરિત અસર થવાથી ત્યાં રિ-સાઇકલિંગ પદ્ધતિ લાવવામાં આવી છે. ભારતમાં સડક અને ટાઇલ્સ બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ સફળ રહ્યો છે.

આપણા દેશમાં રોજ 1પ70ર ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. તેમાંથી 9ર0પ ટન પ્લાસ્ટિક રિ-સાઇકલ માટે જાય છે. બાકી રહેલો 6000 ટન સડ્યા કરે છે. આમ એક વર્ષમાં ર1,900,00 ટન કચરો એકઠો થાય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પર્યટન સ્થળ, રાષ્ટ્રીય સ્મારક અને અભ્યારણ્યો વગેરે જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કર્યો છે.

ભારતમાં નાની મોટી પ્લાસ્ટિક થેલીઓ વાપરવામાં આવે છે. સમસ્યા પ્લાસ્ટિકની પાતળી થેલીની છે. કચરામાંથી તેને અલગ કરવી મુશ્કેલ છે. આ પ્લાસ્ટિક બેગ પોતાની અંદરના રાસાયણિક પદાર્થને વાયુમંડલમાં છોડીને પ્રદૂષણ ફેલાવી રહી છે. આ પ્લાસ્ટિક બેગને બાળવાથી તેમાંથી પેદા થતું વાયુ પ્રદૂષણ ધરતી માટે ખતરો બની ગયું છે. આમ આ પ્લાસ્ટિક બેગોએ વાયુ, જલ અને જમીનને પ્રદૂષિત કર્યા છે.

પોલિથીનના ઘણા ફાયદા છે. પરંતુ થોડા સમયમાં તે આપણી ધરતી માટે ખતરો બની ગયું છે. તેના  ફાયદા કરતાં નુકસાન વધુ છે. આપણા દેશમાં તો ચા, પાણી અને છાશ, જ્યુસ પણ પોલિથીનની બેગમાં આપવામાં આવે છે. ઘરનો કચરો આ પોલિથીનની બેગમાં ભરીને રસ્તા પર ફેંકવામાં આપણને સંકોચ થતો નથી. પોલિથીન સાથે આ કચરો ખાઇને દર વર્ષે 1,00,000 પશુઓ મરણને શરણ થાય છે.

પ્લાસ્ટિકના કચરાને બાળવાથી ખૂબ હાનિકારક ઝેરી ગેસ નીકળે છે. એક કિલો પ્લાસ્ટિકનો કચરો બળે છે ત્યારે ત્રણ કિલો કાર્બન વાયુ નીકળે છે જે ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે. આપણા ઓઝોન  સ્તરને પણ નુકસાન થાય છે. આજે શહેરોનાં કચરામાં સૌથી વધારે પોલિથીન હોય છે. શહેર, કસ્બા, ગામ પોલિથીન કચરાથી ભરાયેલા રહે છે. નદી, નાળાને તે ચૉક કરી દે છે. ફ્રાન્સમાં પ્લાસ્ટિકના ડિસ્પોઝલ કપ-પ્લેટના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુરોપના બીજા દેશો પણ આ રસ્તે

જઇ રહ્યા છે.

પાણીમાં તે પીગળતું નથી અને બાયોકેમિકલ એક્વિન હોવાથી શુદ્ધ પ્લાસ્ટિક ઓછું ઝેરી હોય છે, પરંતુ જ્યારે તેમાં કલર ભેળવવામાં આવે છે ત્યારે તે હાનિકારક બને છે. આ કેમિકલ રમકડાં અને બીજા પ્લાસ્ટિક ઉત્પાદનોમાં લગાડેલું હોય છે, જે ગરમીને લીધે પીગળીને બહાર આવે છે. આ માટે અમેરિકામાં બાળકોના રમકડાં પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુરોપ અને જાપાનમાં પણ આ રમકડાં પર પ્રતિબંધ છે.

વિશ્ર્વના 19ર દેશોને સમુદ્ર કિનારો મળ્યો છે. આ દેશોમાં અઢી અબજ ટન કચરામાં ર7 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો હોય છે. તેમાંથી 80 લાખ ટન કચરો સમુદ્રમાં નંખાય છે. સૌથી પ્રથમ નંબર ચીન દર વર્ષે સમુદ્રમાં 10 લાખ ટન કચરો નાખે છે. અમેરિકા બીજા નંબરે છે. આવું જો ચાલુ રહેશે તો સન-ર0રપ સુધીમાં સમુદ્રમાં ઠલવાતા કચરાનું પ્રમાણ 1.7પ કરોડ જેટલું થઇ જશે.

પ્લાસ્ટિકના કણ પ્રદૂષણ વધારી રહ્યા છે. મોટા કદનો પ્લાસ્ટિક કચરો પાણીમાં ઓગળી જાય છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાંથી નીકળતા માઇક્રોપ્લાસ્ટિક સૂક્ષ્મ કણોના રૂપે સમુદ્રમાં પહોંચે છે. કારના ટાયરો, સિન્થેટિક કપડાં, સડક પર જિબ્રા ક્રોસિંગ બનાવનાર અને સૌંદર્ય પ્રસાધન શહેરની ધૂળ વગેરે આમાં સામેલ છે. દુનિયાના સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો વધતો જાય છે. કારના ટાયરોમાંથી નીકળનારા બારીક ટુકડાનો હિસ્સો 30 ટકા હોય છે.

ર0મી સદીમાં પ્લાસ્ટિક પદાર્થોનો પ્રચાર કરવા માટે શરૂઆતમાં દુકાનો, અનાજની દુકાનો, દવાના સ્ટોર દ્વારા ગ્રાહકોને પ્લાસ્ટિક બેગ મફતમાં અપાતી હતી. આમ પ્લાસ્ટિક બેગોનો પ્રચાર ઝડપથી થવા લાગ્યો. વોટર પ્રૂફ ઓછો ખર્ચ અને વજનમાં હલકી હોવાથી ભારતીય ગૃહિણીઓમાં તે લોકપ્રિય થઇ ગઇ. તેની દેખરેખ માટે કોઇ ખર્ચ આવતો નહોતો.

બાળકો રમતી વખતે ચહેરા પર પ્લાસ્ટિક બેગ ઓઢી લે છે અને ગૂંગળાઇને મરણ પામે છે. પશુઓ તેને ચાવીને ગંભીર બીમારીના ભોગ બને છે. ભારતમાં રોજ ર0 ગાયોના મોત પ્લાસ્ટિકનો કચરો ખાવાથી થાય છે. પ્લાસ્ટિક થેલીઓ ઊડીને ઝાડને ચોંટી જાય છે. પક્ષીઓને ભ્રમ પેદા થાય છે કે તે કોઇ ફળ છે. તેને ખાઇને ભયંકર પરિણામોનો સામનો કરવો પડે છે. આ થેલીઓ નદી અને સમુદ્રમાં પહોંચે છે ત્યારે જનજીવન પર મોટું સંકટ પેદા થાય છે. સમુદ્રના પ્રત્યેક માઇલ પર લગભગ 4600 પ્લાસ્ટિક કચરો તરતો જોવા મળે છે. દુનિયામાં જે પ્લાસ્ટિક પેદા થાય છે તેમાંથી 10 ટકા સમુદ્ર સુધી પહોંચી જાય છે, જે 70 ટકા સમુદ્રને આવરી લે છે. આ પ્લાસ્ટિક નષ્ટ થતું નથી એટલે સતત ફર્યા કરે છે. દરિયાઇ કાચબા, શાર્ક, સીલ અને વ્હેલ જેવા જીવ પ્લાસ્ટિક થેલીને જેલી ફિશ સમજીને ગળી જાય છે અને તેમનું મોત થાય છે. દર વર્ષે 10,000 કરતાંય વધારે વ્હેલ, સીલ, શાર્ક અને કાચબાઓના મરણ પ્લાસ્ટિક ખાવાથી થાય છે.

જે પ્લાસ્ટિક બેગ વરદાન હતી તે હવે  શાપ બની ગઇ છે. આ થેલી પોલિથીનથી બને છે. વૉલ સ્ટ્રીટ જર્નલના અંદાજ પ્રમાણે માત્ર અમેરિકામાં દર વર્ષે 100 બિલિયન પ્લાસ્ટિકનો ઉપયોગ કરી ફેંકી દેવાય છે. તેને તૈયાર કરવામાં 12 મિલિયન બેરલ તેલની જરૂર પડે છે. ચીનમાં રોજ ત્રણ બિલિયન પ્લાસ્ટિક બેગનો વપરાશ થાય છે. પ્રત્યેક મિનિટે બે મિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે.

પ્લાસ્ટિક બેગને રિ-સાઇકલ કરી શકાય છે. દર વર્ષે લગભગ ત્રણ ટ્રિલિયન બેગ ફરીવાર ઉપયોગમાં લેવાય છે. આ થેલીઓ સડતી નથી, પરંતુ તેનું ફોટોડિગ્રેડ થાય છે. તે નાના-નાના ટુકડાઓમાં વહેંચાઇ જાય છે. સંપૂર્ણ વિશ્ર્વ પ્લાસ્ટિકની સમસ્યાઓથી ઘેરાઇ ગયું છે. બાંગ્લાદેશ, રવાન્ડા, ચીન, તાઇવાન અને ભારતમાં હલકા વજનની બેગો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમેરિકામાં માત્ર કેલિફોર્નિયા રાજ્યમાં તેને બાન કરવામાં આવી છે. આપણા દેશમાં પણ ર0 માઇક્રોન પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ છે. આ બેગોને લીધે પર્યાવરણ, સ્વચ્છતા, પશુ-પંખીઓ,  સમુદ્રી જીવો, નદીઓ અને અન્ય જલસ્રોતોને અપાર નુકસાન થયું છે.

સરકારે રિ-સાઇકલિંગ એકમની સ્થાપના કરવી જોઇએ, જ્યાં લોકો પોતાની જૂની પ્લાસ્ટિક બેગ રિ-સાઇકલિંગ કરી શકે. મોટી કંપનીઓમાં રિ-સાઇકલિંગ યુનિટ ફરજિયાત હોવું જોઇએ. જ્યાં ગ્રાહકો પોતાની જૂની પ્લાસ્ટિક બેગો જમા કરી શકે. પોલિથીન બેગ ત્યારે જ બંધ થઇ શકે જ્યારે જનતા, દુકાનદાર, ઉત્પાદક અને વેપારી તેના ખતરાને સમજીને તેને બંધ કરવાનું નક્કી કરે. આ માટે અખબારની રદ્દીમાંથી કાગળની કોથળીઓ બની શકે છે. સમયની માગ છે કે આપણે બધા સમજીને ધરતીના આ ઝેરને ખતમ કરીએ, નહિતર તે આપણને ખતમ કરી દેશે.

પ્લાસ્ટિક લાંબા સમય સુધી વિઘટિત ન થવાથી મનુષ્યના આરોગ્યને નુકસાન કરે છે. પાઇપો, બારીઓ અને દરવાજાઓના નિર્માણમાં ઉપયોગી પીવીસી પ્લાસ્ટિક ક્લોરાઇડમાંથી બનાવવામાં આવે છે. આ રસાયણ મગજ તથા લીવરનું કેન્સર પેદા કરે છે. ફાર્મલીહાઇડ અનેક પ્રકારના પ્લાસ્ટિકમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ રસાયણ ચામડી પર દાણા પેદા કરે છે. લાંબા સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી દમ અને શ્ર્વાસના રોગો પેદા થાય છે. નાના પાઉચમાં ગરમ ચા લઇ જવામાં આવે છે, તે ખૂબ હાનિકર્તા છે. તરત જ ખ્યાલ આવતો નથી, પરંતુ લાંબા ગાળે કેન્સરનું કારણ બની શકે છે. વધારે ગરમ ચીજો સાથે પ્લાસ્ટિકનું રિએકશન થાય છે અને કેન્સર પેદા કરનાર તત્ત્વ પેદા થાય છે. પ્લાસ્ટિકના ડબામાં કોઇ ગરમ પદાર્થ મૂકતા નહીં અથવા તેમાં રાખીને તેને ગરમ કરશો નહીં.

પ્લાસ્ટિક કચરાને બાળવો  હાનિકારક છે. એક કિલો પ્લાસ્ટિકનો કચરો બળે છે ત્યારે ત્રણ કિલો કાર્બન વાયુ નીકળે છે. જે ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે…

બારી-દરવાજામાં ઉપયોગી પીવીસી પ્લાસ્ટિક ક્લોરાઇડમાંથી બનાવાય છે. આ રસાયણ મગજ તથા લીવરનું કેન્સર પેદા કરે છે…

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો