ટેલેન્ટની બિન્ધાસ્ત અભિવ્યક્તિ

ટેલેન્ટની બિન્ધાસ્ત અભિવ્યક્તિ

- in Net Diary, Social Media
4025
Comments Off on ટેલેન્ટની બિન્ધાસ્ત અભિવ્યક્તિ

અર્જુન પંડયા

છાપાઓમાં અવારનવાર સમાચાર આવતા રહે છે કે યુ ટ્યુબ પર પેલો વીડિયો વાઇરલ થઇ ગયો છે. યુ ટ્યુબ પર અપલોડ કર્યા પછીના અડતાળીસ કલાકમાં દસ લાખ લોકો વીડિયો જોઇ ચૂક્યાં છે. આવા સમાચાર વાંચીને આપણે ય નેટ પર બેસીએ એટલે એ વીડિયોની તલાશમાં નીકળી પડીએ. વ્યૂઅરશિપમાં આ રીતે વધારો થતો જાય, વીડિયો વધુ ને વધુ વાઇરલ બને. એટલું જ નહીં એની સાથે અને આસપાસમાં આવતા બીજા વીડિયો પણ આપણે જોઇ કાઢીએ છીએ. વાઇરલ એટલે ફટાફટ રોગ ઉત્પન્ન કરનારું. એક વીડિયો ચાલે એટલે તે બીજાને પણ જોવા માટેનો રોગ ઉત્પન્ન કરે અને થઇ જાય વાઇરલ. આપણે એની વ્યૂઅરશિપમાં વધુ એક ઉમેરો કરનારા બની જઇએ.

આપણને શું મળે ? બે ઘડીની મોજ. વીડિયો મૂકનારને શું મળે ?

વ્યૂઅર્સ અને પબ્લિસિટી ?

ના, એનાથી ય વધારે મળે. જવાબ કહી દઉં -ડોલર મળે !

જરાય આશ્ર્ચર્ય જેવું નથી. આપણાં એક વ્યૂને કારણે વીડિયો વાઇરલ થઇ જાય અને ડોલરમાં કમાણી પણ કરે. ૯૫ ટકા લોકોને એવી ખબર હોતી નથી કે આવા વીડિયો જોઇને આપણે તેના યુ ટ્યુબર અર્થાત વીડિયો મૂકનારને કશુંક આપ્યું છે અને સામે જ્ઞાન મેળવ્યું છે. ભલે એમાં જોનારું કશું ફિઝિકલ આપવાનું નથી પણ એનો વીડિયો જોવાય એટલે પ્રસિદ્ધ થાય અને પ્રસિદ્ધ થાય એટલે બને વાઇરલ.

યુ ટ્યુબ પર લાખો વીડિયો એવા છે કે જે બે પાંચ લાખ વ્યૂ સુધી સહેલાઇથી પહોંચી ગયા હોય. અમુક ૨૫-૫૦ લાખ કે ૧-૨ કરોડ સુધીના વ્યૂ પર પણ પહોંચે. આવા બધા વીડિયો કમાઉ દીકરા બની જાય.

યુ ટ્યુબ પર ક્યા વિષયો સૌથી વધારે ચાલે ?

  • –         મ્યુઝિક વીડિયોઝ.
  • –         નાના બાળકોની ઉટપટાંગ અને હાસ્યાસ્પદ હરકતો.
  • –         કાર્ટુન વીડિયો. સંદેશ આપતા કે બાળકોને ગમે તેવા.
  • –         કોઇ અનોખો અનુભવ
  • –         કોમેડી વીડિયોઝ.
  • –         બાળકોની જેમ પાલતુ જાનવરોની હાસ્યાસ્પદ હરકતો
  • –         નવી પ્રોડક્ટનો રિવ્યૂ. જેમ કે મોબાઇલ.
  • –         ટાઇમલેપ્સ.
  • –         વીડિયા ેગેમના ક્લુ
  • –         કેવી રીતે (હાઉ ટુ). ટીચિંગ વીડિયો.
  • –         ફિલ્મ કે ગીતોના રિવ્યુ.
  • –         અસામાન્ય, વ્યૂઅર્સને ગમતી ઘટના.
  • –         જાદુગરીના ખેલ.
  • –         સાહસિક વીડિયો.
  • –         એક્સક્લુઝિવ હોય એવું કન્ટેન્ટ.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હવે આપણને સોશિયલ મીડિયાને લીધે સરળતાથી મળી ગયું છે. આપણા વિચારો લખીને વ્યક્ત કરવાના ઘણા માધ્યમો થઇ ગયા. ફેસબુક, ટિવટર કે વોટ્સએપ પર લિખિત કૃતિઓ હવે લોકો રજૂ કરે તે આમ બાત બની ચૂકી છે, હવે લાઇવ અભિવ્યક્તિનો સિતારો છે. હવે ફેસબુકમાં લાઇવ વીડિયો મૂકવાની સ્વતંત્રતા મળી છે. ગમે ત્યાંથી અને ગમે ત્યારે તમે લાઇવ થઇ શકાય અને માણી રહેલી પળોમાં દોસ્તોને પણ સામેલ કરી શકાય એવી આ આઝાદી છે. ફેસબુકના પગલે હવે ૨૦૦૫માં શરૂ થયેલી યુ ટ્યુબ વીડિયો ચેનલ પણ લાઇવ વાયા મોબાઇલનો આરંભ કરવાની છે. યુ ટ્યુબ વિઝ્યુઅલ વડે અભિવ્યક્તિ રજૂ કરવાનું મોનેટાઇઝ માધ્યમ છે. મોનેટાઇઝ શબ્દ ડિમોનેટાઇઝેશન વખતે ખૂબ સાંભળ્યો હશે. કહી દઉં કે મોનેટાઇઝ એટલે મુદ્રીકરણ. તમારા વિઝ્યુલ કન્ટેન્ટનું મુદ્રીકરણ. તમે જે કાંઇ પણ વીડિયો યુ ટ્યુબમાં મૂકો છો તેના પર કમાણી કરાવી આપે. ઇન શોર્ટ વીડિયો મૂકીને નાણાં બનાવવાનો આ એક બિઝનેસ થયો.

જોકે આ રીતે કમાવવું કંઇ સહેલું નથી. એક વખત કોઇ વીડિયો કમાવી આપે તો સફળ નથી થઇ જવાતું. બહોત સારે પાપડ બેલને પડતે હૈ, જાની..ઇ..ઇઇઇઇ.

યુ ટ્યુબની ચેનલ બનાવવી, તેને મોનેટાઇઝ પ્લેટફોર્મ પર લઇ જવી, એડ સેન્સમાં ઉમેરવી વગેરે જેવી પ્રાથમિક ક્રિયાઓ થઇ જાય એટલે તમારો મંચ તૈયાર. મંચ પર કેવા નાટકો ભજવવા એ જ કસોટીરૂપ છે. સારાં કન્ટેન્ટવાળો, જોવો ગમે તેવો, કંઇક શીખવતો, કશોક સંદેશ આપતો, કોઇ પ્રેરણા આપતો કે ડરાવતો જેવા અસંખ્ય પ્રકાર વીડિયોના છે. મૂકાય અને સફળ થાય તો યુ ટ્યુબરની નીકલ પડી. હા, આ વીડિયો કોઇના ચોરાઉ ન હોવા જોઇએ એ પહેલી શરત. તમારી બુદ્ધિ કે તમારી ટેલેન્ટને આધારે વીડિયો બને તે જ યુ ટ્યુબ પર મૂકવાના થાય. જો કોઇનો ચોરી કરેલો વીડિયો મૂક્યો એટલે થોડાં જ દિવસમાં તમારી ચેનલ ગૂગલ દ્વારા શટ ડાઉન કરી દેવામાં આવે. વીડિયો નહીં એમાં તો મ્યુઝિક માટે ય નિયમો છે. કોઇનું બેઠું સંગીત પણ વીડિયોમાં ન વગાડી શકો. આવા તો ઘણા નિયમો છે પણ એક વખત કૂવામાં પડો એટલે તરતાં આવડી જાય !

યુ ટ્યુબર એટલે ચેનલ ચલાવનારો. ટેક લેંગ્વેજમાં યુ ટ્યુબર કહેવાય છે. યુ ટ્યુબ પર કેટલાય લોકો મસ્ત વીડિયો મળે એટલે મૂકી દેતા હોય છે. વીડિયો સદનસીબે ક્યારેક ચાલી જાય પણ કમાણી ન થાય. કારણકે ઉપર કહ્યું એમ યુ ટ્યુબ પાર્ટનર બન્યા જ નથી હોતા !

સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર યુ ટ્યુબમાં બહુ ઓછું દેખાય. પરંતુ કોઇકે મૂકેલા એવા બે વીડિયો અમારા ધ્યાનમાં આવ્યા કે એ ફટાફટ ૧૫ લાખ (રીપીટ કરું છું પંદર લાખ)નો આંકડો પાર કરી ગયેલા એ વીડિયો એટલે રાજકોટના છે એવું લાગ્યું કારણકે એની ડિટેઇલમાં તે લખેલું હતુ. પંદર લાખ બહુ મોટો આંકડો નવા યુ ટ્યુબર માટે કહેવાય. આ બંને વીડિયો નવા સવાના હશે કારણકે તેની ચેનલનો અભ્યાસ કરતા બીજી કોઇ એક્ટિવિટી તેની ચેનલ પર એ પછી કે એ પહેલા થઇ જ ન હતી ! મોનેટાઇઝ પણ કરાયા ન હોય એવું સ્પષ્ટ દેખાય. ટૂંકમાં એક વીડિયોએ ઢગલાબંધ સબસ્ક્રાઇબર બનાવી આપ્યાં પણ તેનો લાભ ન લઇ શકાયો. આ તો એક દાખલો છે.

સબસ્ક્રાઇબર. અહીં એક નવો શબ્દ આવ્યો. ઘણા યુ ટ્યુબ વીડિયો જોયા હશે. એમાં યુ ટ્યુબર કહેતા હોય છે કે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. છાપા કે મેગેઝિનના લવાજમ જેવું છે. આમાં પૈસા નથી આપવાના પણ સબસ્ક્રાઇબ કરીએ એટલે તમે એ ચેનલના ગ્રાહક થયા. એ પછી યુ ટ્યુબર કોઇ નવો વીડિયો અપલોડ કરે એટલે તેના સબસ્ક્રાઇબરને નોટિફિકેશન દ્વારા તેની પહેલા ખબર પડી જાય. સબસ્ક્રાઇબર વધે એ તમારો ચોખ્ખો નફો છે.

યુ ટ્યુબ ગૂગલની પેશકશ છે પણ એની શરૂઆત એ ૨૦૦૫માં શેડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ નામના ત્રણ યુવાનોએ કરી હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫ અર્થાત વેલેન્ટાઇન ડેના દિવસે યુ ટ્યુબ ૧૧ વર્ષ પૂરાં કરીને બારમા વર્ષમાં પ્રવેશે છે. બીજા જ વર્ષમાં અત્યંત ઝડપથી વેબસાઇટ પોપ્યુલર થઇ અને ૬૫ હજારથી વધારે વીડિયો મૂકાઇ ગયા હતા. એમાં આશરે લાખો વ્યૂ પણ થઇ ગયેલા. ગૂગલે ૯ ઓક્ટોબર ૨૦૦૬માં તો યુ ટ્યુબને ખરીદી પણ લીધી હતી. ભારતમાં ૨૦૦૮ની સાતમી મે ના રોજ યુ ટ્યુબનો આરંભ થયો હતો. હવે તો બહુ ઓછાં લોકો યુ ટ્યુબને નહીં ઓળખતા હોય એટલો વિકાસ સાધ્યો છે.

મૂળ વાત પર આવીએ. યુ ટ્યુબમાં વીડિયો મૂકવો એકદમ સરળ છે. બસ એના નિયમોને અનુસરવા પડે છે. નિયમ વિરુદ્ધનુંં કાર્ય અહીં માન્ય નથી. સારો વીડિયો હોય તો આખું જગત તેને વ્યૂથી આવકારે છે નહીંતર કોઇ ભાવ પણ પૂછતું નથી.

યુ ટ્યુબ ચેનલ ચાલુ કેવી રીતે કરવી ?

બહુ સરળ છે. જી મેઇલમાં એક એકાઉન્ટ ખોલવું પડે. એકાઉન્ટનું નામ હોય એ પ્રમાણે ચેનલનું નામ રાખી શકાય કે અન્ય નામ પણ રાખી શકાય છે. નામથી જ તમારી ઓળખ થાય છે એટલે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમુદાયને શોધવામાં સરળ પડે એવું નામ પસંદ કરવું યોગ્ય છે. ઇ મેઇલ એકાઉન્ટ બરાબર ઓપન થઇ ગયા પછી યુ ટ્યુબની વેબસાઇટ પર જવાનું હોય છે. આ વેબ પર લોગ ઇન કરવાથી હોમપેજ ખૂલે છે. એમાં ડાબી તરફ બીજો જ ઓપ્શન માય ચેનલનો આવે છે. તમારી ચેનલ ઓલરેડી ખૂલી જ ગઇ હોય છે ! બધા જ ફેરફારો અને પ્રગતિ અહીં જ કરવાના છે.

જમણી તરફ સૌથી ઉપર તમારા એકાઉન્ટની સાઇન કે તમે કોઇ પ્રોફાઇલ ફોટો મૂક્યો હોય તે દર્શાવાય છે. તેના પર ક્લિક કરવામાં આવે એટલે ક્રિએટર સ્ટુડિયોની લિંક દેખાય છે. ક્રિએટર સ્ટુડિયો તમારી યુ ટ્યુબ ચેનલનું મુખ્ય દ્વાર છે એમ કહી શકાય. આ લિંક ખૂલતાં જ ડાબી તરફ ડેશબોર્ડ, વીડિયો મેનેજર, લાઇવ, કોમ્યુનિટી, ચેનલ, એનાલિસિસ વગેરે જેવા અસંખ્ય ઓપ્શન આવશે. આ બધા જ ઓપ્શન શીખવાના હોય છે. (અહીં એ શીખવવું શક્ય નથી એટલે ફક્ત ચેનલ ઑપ્શન કે જે શરૂઆતમાં જરૂરી છે તે જણાવી દઉં છું).

ચેનલ ઑપ્શનમાં ક્લિક કરવાથી સ્ટેટસ એન્ડ ફિચર્સ, અપલોડ ડિફોલ્ટ, ફીચર્ડ કન્ટેન્ટ, બ્રાન્ડિંગ અને એડવાન્સ ખૂલશે. એડવાન્સમાં જઇને તમારે તમારી ચેનલનું નામ, ક્યા દેશમાંથી ઓપરેટ કરો છો તે આવશે. નીચે એડવર્ટાઇઝમેન્ટ તમારા વીડિયોમાં ઇચ્છો છો કે નહીં તે આવશે. ત્યાં યસ આપવાનું છે. કારણકે આપણો ઉદૄેશ્ય આફટર ઓલ તો કમાણીનો છે.

કમાણી કરવી હોય તો આ ચેનલના ઓપ્શનમાં મોનેટાઇઝેશનનો ઑપ્શન જરૂરી છે. નવા એકાઉન્ટમાં તે નહીં આવે ! ડોન્ટ વરી. તમારે ય આવશે પણ એના માટે ગૂગલ એડસેન્સ એકાઉન્ટમાં પાર્ટનર બનવું પડે છે. તેની વૅબસાઇટ પર જઇને એકાઉન્ટ ખૂલી જાય એટલે ફરીથી યુ ટ્યુબ ચેનલમાં લોગ ઇન થવાનું. મોનેટાઇઝેશનનો ઑપ્શન આવવા લાગશે. હવે તમે તમારો પહેલો વીડિયો મૂકી શકો છો. એ પણ મોનેટાઇઝેશન અર્થાત મુદ્રીકરણ સાથેે.

આ બધી પ્રક્રિયા લેખના ટેક્સ્ટથી ન સમજાય તો અંગ્રેજીમાં રૂપાંતર કરીને તેના વીડિયો યુ ટયુબ પર જ શોધીને શીખી શકાય છે. યુ ટ્યુબ પોતે પણ ક્રિએટર એકેડેમી ચલાવે છે. તેના વીડિયો ફ્રીમાં યુ ટ્યુબ પર જ જોવા મળી શકશે. યુ ટ્યુબ વિષે જેટલું વાંચશો કે શોધશો એટલું ઓછું છે. કારણકે આ અંગે અઢળક સાહિત્ય ઇન્ટરનેટ પર મોજૂદ છે. અંગત સલાહ એ છે કે બરાબર અભ્યાસ કર્યા પછી જ પહેલો વીડિયો મૂકવો જોઇએ. વીડિયો આરંભથી જ સુંદર કન્ટેન્ટવાળો મૂકવામાં આવે તો સારો પ્રતિસાદ મળે છે. સારો પ્રતિસાદ યુ ટ્યુબરને હંમેશાં પ્રોત્સાહિત કરે છે. લેખ વાંચીને ફટાફટ એકાઉન્ટ-વીડિયો બનાવીને મૂકવા માંડવા જેવું દુ:સાહસ કરવા જેવું નથી. આ રીતે ઝડપથી શરૂ થયેલી ચેનલનું બાળમરણ થતાં જરાય સમય લાગતો નથી.

આપણે જમવા બેસીએ ત્યારે આખો થાળ ભરી લઇએ છીએ. પછી ? હવે આ નથી ખવાતું, પેલું નથી ખવાતું એવું થાય છે. એનું કારણ તુષ્ટિગુણનું છે. તમે થોડું જમો એટલે તુષ્ટિગુણ વધે પણ પછી ખાતા જઇએ એટલે સંતોષાઇ જતો હોય છે અને પછી સ્વાદિષ્ટ વસ્તુ પણ ભાવતી નથી. યુ ટ્યુબમાં એવું જ છે. આરંભે એટલો બધો ઉત્સાહ હોય છે કે ઘણી ભૂલો સાથે વીડિયો મૂકાય છે પણ પછી તેને કોઇ જૂએ નહીં ત્યારે ચૅનલમાં કશું આવતું નથી અને આખરે સુષુપ્ત થઇ જાય છે. પુરા જોશ સાથે આકર્ષક, સુંદર આઇડીયાઝ, વીડિયો મૂકવાનો સમય વગેરે જાણી-પારખીને ચેનલની શરૂઆત કરજો. ઉતાવળે કરેલા કામ નિષ્ફળ જવાનો ભય પૂરેપૂરો છે, યુ ટ્યુબમાં તો ખરો જ.

વધુ કંઇ જાણવું કે શીખવું હોય તો homecareandhealth@gmail.com ઇ મેઇલ એડ્રેસ પર મેઇલ મોકલી શકો.

 

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો