નારીની વેદના સંવેદનાની કહાની

નારીની વેદના સંવેદનાની કહાની

- in Filmy Feelings
453
Comments Off on નારીની વેદના સંવેદનાની કહાની
નારીની વેદના સંવેદનાની કહાની

– મેઘવિરાસ

રાજધાની દિલ્હીનો રાજપથ હોય કે પછી છેવાડાના અંતરિયાળ ગામડાંનો ખુલ્લો માર્ગ સ્ત્રી ક્યાંય સુરક્ષિત છે ખરી? નરાધમોની દુનિયામાં નિર્દોષ સ્ત્રીઓનું હનન ક્યાં સુધી થતું રહેશે? જ્યારે જ્યારે ન્યાયતંત્ર ‘અંધા કાનૂન’ બનીને ન્યાયપ્રક્રિયા કરે છે ત્યારે ત્યારે એક નારી જગદંબાનું રૂપ ધારણ કરીને આવા મહિષાસુરોનો ખાત્મો બોલાવે છે. શ્રી દેવીની ‘મૉમ’ ફિલ્મ કંઇક આવા જ ઘાટમાં બનેલી છે.

શ્રીદેવીની હાલમાં રજૂ થયેલી ફિલ્મનું નામ ‘મૉમ’ છે. બા, મા, માતા, અમ્મીથી લઇને જેટલી ભાષા એટલા તેના શબ્દાર્થ છે પણ તેનું હૃદય તો ભાવના, લાગણી અને માતૃત્વના વ્હાલમાં જ ધબકતું હોય છે. મા માટે તેની સૌથી મોટી કોઇ આરાધના, સાધના કે શ્રદ્ધા હોય તો એ તેના સંતાનો છે. તેના સંતાનો પર આપત્તિ આવે ત્યારે એ મા તેનું કોમળ સ્વરૂપ ભૂલીને મહાકાળીનું રૌદ્ર રૂપ ધારણ કરતાં ખચકાતી નથી. મા એ સંસ્કારોનો કુંભ છે. સારા-નરસા પરિણામોની તે પરવાહ કરે છે. તે એકપક્ષીય ન બની રહેતાં શ્રેષ્ઠતાની તરફ ન્યાય કરે છે. સત્યને સાથ આપે છે અને અન્યાયને ધક્કો મારે છે. મા અપરાધને ક્યારેય ક્ષમા ન કરે પછી એ પોતાનું જ સંતાન કેમ ન હોય? પોતાના ખૂની દીકરાનો સાથ એક બાપ આપે છે અને તેને બચાવવા પૈસાની રેલમછેલ કરી નાખે છે, પણ એક મા તેના દીકરાને બચાવવા કરતાં તેને દુનિયામાંથી જ મિટાવી દે છે. રાજકુમાર ગુપ્તાની ‘નો વન કિલ્ડ જેસિકા’ ફિલ્મ તમે જોઇ હશે. આ ફિલ્મમાં તેના બાપને ખબર હોય છે કે તેનો દીકરો ગૂનેગાર છે અને તેનો અપરાધ ક્ષમાને પાત્ર નથી, છતાં એ તેને બચાવવા આખી સરકારને દોડતી કરી દે છે. બીજી તરફ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ છે. જ્યારે એક માને ખબર પડે કે તેના દીકરાએ સંસ્કૃતિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે તો તેને મોતને ઘાટ ઉતારી દે છે. માસૂમ રૂપાને ઉપાડી જનાર બીરજુ (સુનીલ દત્ત)ને તેની માતા જ મોતના મુખમાં ધકેલી દે છે. આ કર્મ એક માતા જ કરી શકે.

પરંતુ એ માતાની વેદના-સંવેદનાને સમજનારું કોઇ હોય છે ખરું? એ સત્યને સાથે રાખીને કાયદાનું પાલન કરે પણ ક્યાં સુધી? જ્યારે તેને તમામ જગ્યાએથી ભરોસો ઊઠી જાય ત્યારે એ ખુદ શસ્ત્રો ઉઠાવે છે અને દુશ્મનોનો સફાયો કરે છે. આવી જ વાત શ્રીદેવીની ‘મૉમ’ ફિલ્મમાં કરવામાં આવી છે. ‘મૉમ’ ગ્રેટેસ્ટ ફિલ્મ નથી પણ તેમાં કહેવામાં આવેલી વાત આજના ભારતની છબી ચિતરે છે. આ ફિલ્મમાં દિલ્હીમાં થયેલા બળાત્કારની ઘટનાને વાગોળવામાં આવી છે. ફિલ્મ ખૂબ ધીમી છે. એક થ્રિલર ડ્રામામાં હોવું જોઇએ એવું થ્રીલ નથી, પણ નવાઝદ્દીન સિદ્દીકી અને શ્રીદેવીનું સોલિડ પર્ફોર્મન્સ દર્શકોેને જકડી રાખવાનો પ્રયાસ કરે છે.

આખી ફિલ્મમાં માતૃત્વનો ધબકાર ધબકે છે. આ પહેલાં પણ ભારતમાં માને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે. અમિતાભ બચ્ચનની એકથી એક ચડિયાતી ફિલ્મોમાં માનો રોલ મહત્ત્વનો રહ્યો છે. ‘દીવાર’, ‘અમર-અકબર -એન્થોની’, ‘મુક્દ્દર કા સિકંદર’, ‘શક્તિ’, ‘ત્રિશૂલ’, ‘અગ્નિપથ’, ‘મર્દ’, ‘કુલી’ જેવી અનેક ફિલ્મોમાં માનું પાત્ર વાર્તાનો પ્રાણ બન્યો છે. આ ફિલ્મોમાં મા માટે લખાયેલા સંવાદો પણ ખાસ્સા એવા લોકપ્રિય બન્યા હતા અને છે. ફિલ્મ ‘ત્રિશૂલ’માં અમિતાભ બચ્ચનનો એક સંવાદ છે, ‘મેરી જેબ મેં ફૂટી કોડી નહીં હૈ ઔર મૈં પાંચ લાખ કી બાત કર રહા હૂં ક્યૂંકી મેરે સાથ મેરી મા કા આશીર્વાદ હૈ’ એક સંવાદમાં માનું પાત્ર અમર બની જાય છે. ‘દીવાર’નો ‘મેરે પાસ મા હૈ’ એ તો દસ્તાવેજી સંવાદ બની ગયો છે.

પહેલાં જેટલું માનું પાત્ર સાફ-સૂથરું હવે રહ્યું નથી. મધુર ભંડારકરની ‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મમાં ઇમરાન હાશ્મી મા અને પુત્રી બંને સાથે અફેર ચલાવે છે. સમયની સાથે દર્શકો બદલાયા છે અને એ રીતે ફિલ્મોના માપદંડ પણ બદલાવવા લાગ્યા છે. જો કે, માની મહત્તા આજે પણ એટલી જ રહી છે. ‘મૉમ’ પહેલાં જ રવીના ટંડનની ‘માતૃ’ ફિલ્મ આવી હતી. એકદમ ઢંગધડા વગરની લખાયેલી આ ફિલ્મનું માત્ર ટાઇટલ જ મજેદાર હતું. જે જોવા માટે આકર્ષે પણ કથા દિશાહીન હતી. ‘મૉમ’ એ શ્રીદેવીની પ૦ વર્ષની ફિલ્મી કરિયરમાં ૩૦૦મી ફિલ્મ છે. ફિલ્મ જગતને તિલાંજલિ આપ્યા પછી શ્રીદેવીને ફરીથી ફિલ્મી પરદે લાવવાનું કામ દિગ્દર્શક ગૌરી શિંદેએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મથી કર્યું હતું. યોગાનુયોગે એ ફિલ્મમાં પણ તેમની ભૂમિકા એક માના કિરદારમાં જ હતી. આખાય પરિવારનું લાલન-પાલન કરનારી એ માની લાગણી, ઇચ્છા, જરૂરિયાતની ખરેખર ઘરમાં કોઇને પરવા હોય છે? માત્ર એક અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી એ ઘરની એક વસ્તુ બનીને રહી જાય છે. આજના મોડર્ન યુગમાં એક સ્ત્રીની, એક માતાની વેદના-વ્યથાને માર્મિક રીતે દર્શાવવામાં આવી હતી. જો કે, આ ફિલ્મની કથા વાર્તા ગૌરી શિંદેએ તેની માતાના જીવન પરથી પ્રેરિત થઇને લખી હતી.

લેટેસ્ટ બ્લોકબસ્ટર ‘બાહુબલી’ ફિલ્મમાં માનું કિરદાર વજનદાર છે. માની ગરિમાને દર્શાવે છે. અદ્ભુત, અદ્વિતીય અને અકલ્પનીય રીતે દિગ્દર્શક એસ. એસ. રાજમૌલીએ માના ચરિત્રને ઉજાગર કર્યું હતું. ઐશ્ર્વર્યા રાય બચ્ચનની કમબેક ફિલ્મ ‘જઝબા’માં પણ એક માના રોલને સારી રીતે રજૂ કરાયો હતો. બહુ ઓછા લોકોએ જોઇ હશે, પણ જોવા જેવી ફિલ્મ છે ‘નીલ બટ્ટે સન્નાટા’. એક માને કોઇ સામે ફરિયાદ નથી પણ તેને ચિંતા છે તો તેની પુત્રીની. જે ઢસરડા તેણે જિંદગીભર કર્યા એ તેના સંતાનને નકરવા પડે તે માટે થઇને પુરુષાર્થ કરતી એકલવીર માની કથાને જબરદસ્ત રીતે કંડારવામાં આવી હતી.

અત્યારે તો મા પર ફિલ્મો ઓછી બનવા લાગી છે એ હકીકત છે પણ, જે બને છે તે દમદાર હોય છે. પરંતુ ભારત એ પરિવારોના પવિત્ર બંધનમાં બંધાયેલો દેશ છે એટલે ફિલ્મોમાં માનું પાત્ર વત્તા ઓછા પ્રમાણમાં સિલ્વર સ્ક્રીન પર દેખા દેતું જ રહેવાનું. પરંતુ સિનેમાના પડદે મા તરીકે અચલા સચદેવ, નિરુપા રોય, ફરિદા જલાલ, ઝોહરા સેહગલ, લીલા મિશ્રા, દુર્ગા ખોટે, નરગીસ દત્ત, રાખી, દીના પાઠક, કામિની કૌશલ, વહીદા રહેમાન, જયા બચ્ચન અને રીમા લાગુ સદાકાળ યાદ રહેશે. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોની ફેવરિટ મધર તરીકે જેને ઉપમા આપવામાં આવે છે એ રીમા લાગુએ આ વરસે જ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. જોકે, ફિલ્મોમાં માનું નામ પડતાં જ નજરો સામે નિરુપા રોયનું ચિત્ર ખડું થવા લાગે છે. મોટાભાગની ફિલ્મોમાં નિરુપા રોયના ભાગે ઘરની પરિસ્થિતિ કંગાળ હોય અને ગરીબાઇનો સામનો કરી રહેલી માતાનું પાત્ર જ આવતું. એટલે જ તો વિવેચકોએ તેમને ‘ક્વીન ઓફ મિઝરી’નું બિરુદ આપ્યું હતું. પારિવારિક ફિલ્મ માટે જાણીતા રાજશ્રી ફિલ્મ પ્રોડક્શનની કોઇ ફિલ્મ હવે આવે તો ફરી એક ઘરનું લાલનપાલન કરતી માને રૂપેરી પડદે જોવા મળે. જોકે હવે સમય માત્ર ઘરેલું નથી રહ્યો એટલે માનું પાત્ર પણ મોડર્ન બનતું જાય એ સ્વાભાવિક છે. એક કામ કરતી માનું ઉમદા મહત્ત્વ છે. જે ઘરના નાણાકીય ભંડોળમાં તો વધારો કરે છે અને સાથે દુનિયાની સૌથી મહાન જવાબદારીને પણ નિભાવે છે.

Facebook Comments

You may also like

ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

– વિજય રોહિત સંબંધોની પરાકાષ્ઠા : આ બિલ્ડરની