‘બેગમ જાન’થી ફરી વિદ્યા બાલનની નવી ‘કહાની’ લખાશે

‘બેગમ જાન’થી ફરી વિદ્યા બાલનની નવી ‘કહાની’ લખાશે

- in Filmy Feelings
475
Comments Off on ‘બેગમ જાન’થી ફરી વિદ્યા બાલનની નવી ‘કહાની’ લખાશે

વિદ્યા બાલન, ભારતીય સિનેમામાં સુવર્ણ અક્ષરે લખાયેલું આ નામ ઝાંખું પડવા લાગ્યું છે. એક બે નહીં સતત 4 વર્ષ તેણે બોક્સ ઓફિસ પર રાજ કર્યું છે. તેનો ભવ્ય ભૂતકાળ છે, તેથી વધુ વરવો તેનો વર્તમાન છે…

એપ્રિલ, ર017નો શુક્રવાર સિને ઇન્ડસ્ટ્રી માટે સાધારણ રહેશે પણ અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મી કરિયરની અગ્નિપરીક્ષા થવાની છે. બહુ વખત પણ નથી થયો એ સમયગાળાને જ્યારે વિદ્યાના નામનો હિન્દી સિનેમામાં ડંકો વાગતો હતો. વર્ષ ર009થી ર012નો ફિલ્મીકાળ વિદ્યાના નામ સાથે સંકળાયેલો રહ્યો હતો. ફિલ્મફેર એવોર્ડમાં લગાતાર આ વરસોમાં વિદ્યાએ વિજેતાનું બિરુદ મેળવ્યું હતું. પરંતુ આ સુવર્ણ ભૂતકાળ છે. વિદ્યાનો ફિલ્મી વર્તમાન અંધકારમય છે. તેની ફિલ્મી કરિયર ડામાડોળ છે. જોકે, તે ભારતના સૌથી મોટા ફિલ્મી પ્રોડક્શન હાઉસ ડીઝનીના સર્વસરા સિદ્ધાર્થ રોય કપૂરના ધર્મપત્ની છે. ‘પરિણીતા’, ‘લગે રહો મુન્નાભાઇ’, ‘ભૂલ ભૂલૈયા’, ‘પા’, ‘ઇશ્કિયા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘કહાની’ જેવી એકથી એક ચડિયાતી ફિલ્મોગ્રાફી વિદ્યાની ખાતાવહીમાં બોલે છે. પરંતુ ર013નું વર્ષ તેના માટે અપશુકનિયાળ સાબિત થયું. ‘ઘનચક્કર’ ફિલ્મ ઢીબાઇ ગઇ. તે સાથે જ ચારેય દિશામાં ઝળહળતો વિદ્યાનો સૂર્ય આથમવા લાગ્યો અને લગાતાર એક પછી એક ફ્લૉપ ફિલ્મોની સંખ્યામાં વધારો થતો ગયો. એટલું જ નહિ, તેના નામે નિર્માતાઓ પૈસા લગાવવાનું પણ બંધ કરવા લાગ્યા. ‘શાદી કે સાઇડ ઇફેકટ’, ‘હમારી અધૂરી કહાની’, ‘તીન’ અને ‘કહાની-ર’ ફિલ્મ નિષ્ફળ રહી.આ દરેક ફિલ્મ નામી દિગ્દર્શક અને નામી કલાકારો સાથે હતી. વિદ્યાની કરિયરમાં ગ્રહણ લાગી ગયું.

વિદ્યા પાસે અત્યારે માત્ર બે જ ફિલ્મો છે. ‘બેગમ જાન’ અને ‘તુમ્હારી સુલુ.’ ‘બેગમ જાન’ એપ્રિલની 13 તારીખે રજૂ થવાની છે. આ ફિલ્મ પર કોઇને આશા હોય કે ન હોય પણ વિદ્યા માટે આ ઓક્સિજન સમાન છે. મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને તેનું દિગ્દર્શન શ્રીજિત મુખર્જીએ કર્યું છે. બંગાળી સિનેમાના ધુરંધર દિગ્દર્શકો અને લેખકોમાં શ્રીજિતનું નામ આવે છે. વળી, ‘બેગમ જાન’ એ તેની બંગાળી ફિલ્મનું હિન્દી વર્ઝન જ છે. બંગાળીમાં ‘રાજકહિની’ નામથી આ ફિલ્મ બની હતી. જેેને વિવેચકો તરફથી પુષ્કળ માત્રામાં અભિનંદન મળ્યા હતા. ભારતના ભાગલા સમયની આ કહાની છે. બંગાળમાં ખૂબ હિટ નીવડેલી આ ફિલ્મ પર વિદ્યાનું ભવિષ્ય નિર્ધારિત થવાનું છે.

ફિલ્મનું સંગીત સાધારણ હોવાથી જોઇએ તેવો મ્યુઝિકલ ક્રેઝ ઊભો થઇ શક્યો નથી એટલે ભટ્ટ કેમ્પની ફિલ્મ હોવા છતાં સંગીતમાં પહેલેથી જ ફ્લોપ થઇ ગઇ છે. પરંતુ આશા અમર છે અને તેનું કારણ છે ફિલ્મના દિગ્દર્શક. ‘ચોટુષ્કોને’ ફિલ્મ માટે તેને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. અલબત્ત, તેની મહત્તમ ફિલ્મો સફળ થઇ છે અને વિવેચકોના ફેવરિટ ડિરેક્ટર પણ માનવામાં આવે છે. ‘બેગમ જાન’થી એ હિન્દી ફિલ્મમાં એન્ટ્રી કરે છે. બંગાળી અને હિન્દી સિનેમાનો રિશ્તો બહુ અતૂટ છે. સત્યજિત રે, બિમલ રોય, મૃણાલ સેન, ઋષિકેશ મુખર્જીથી લઇને શુજિત સિરકાર સુધીના દિગ્દર્શકોએ હિન્દીમાં વાહ-વાહ મેળવી છે અને તેમની ફિલ્મોએ અસાધારણ અસર પણ ઉપજાવી છે. આશા રાખીએ કે શ્રીજિત પણ આ નામનું ગૌરવ આગળ જાળવી રાખે.

વિદ્યાનું નામ હિન્દી સિનેમામાં મહત્ત્વનું ગણાય છે. પરંતુ તેની કરિયરને સ્ટાર્ટ અપ બંગાળી અને મલયાલમ ફિલ્મથી જ મળ્યું હતું. તેનો જન્મ ભલે મુંબઇમાં થયો હોય પણ તેની રહેણીકરણી તમિલ પરિવારની હતી. તે આજે પણ હિન્દી, તમિલ અને મલયાલમ ભાષા સરળતાથી બોલી શકે છે. એટલે જ તો તેણે તેની ફિલ્મી કરિયરની શરૂઆત મલયાલમથી કરવાનું નક્કી કર્યું હતું. તે જ્યારે માસ્ટર ડિગ્રીનો કોર્સ કરી રહી હતી ત્યારે તેને મલયાલમ ફિલ્મની ઓફર થઇ હતી અને એ પણ મોહનલાલ જેવા અભિનેતા સામે. આ ફિલ્મનું નામ ‘ચક્રમ’ હતું, પણ એ ક્યારેય બની જ નહીં. તદુઉપરાંત વિદ્યાએ લગભગ 12 જેટલી મલયાલમ ફિલ્મ સાઇન કરી હતી, પણ બેડ લકના ધબ્બાને લીધે એકપણ ફિલ્મ તેના હાથમાં ન રહી. તેણે માર્ગ બદલીને તમિલમાં જવાનું નક્કી કર્યું. દિગ્દર્શક એન. લિંગુસ્વામીએ વર્ષ ર00રમાં તમિલ ફિલ્મ ‘રન’ માટે તેની પસંદગી કરી પણ હજી તો ફર્સ્ટ શિડ્યુલ પૂરું થાય ત્યાં તેને એક્ઝિટ બતાવી દેવામાં આવી. આ જ ફિલ્મ ફરીથી અભિષેક બચ્ચનને લઇને જીવાએ હિન્દીમાં બનાવી હતી. આવું તો તેની સાથે અનેક વખત થયું. વિદ્યાને સાઇન કરે અને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે.

સતત નિષ્ફળતાએ વિદ્યાના માનસ પર ગહેરી અસર છોડી અને તેણે ફિલ્મો જ છોડી દીધી અને ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટમાં ઝંપલાવી દીધું. તેની મોટાભાગની જાહેરાતોનું દિગ્દર્શન પ્રદીપ સરકારના હાથમાં હતું. વિદ્યાની અદા અને અભિનય જોઇને તેણે તેની કદર કરી પણ તેની પાસે ત્યારે કોઇ ફિલ્મી પ્રોજેક્ટ ન હતો. ફાઇનલી વર્ષ ર003માં દિગ્દર્શક ગૌથમ હેલ્ડરે બંગાળી ફિલ્મ ‘ભાલો ઠેકો’ માટે વિદ્યાને સાઇન કરી. સાઇન કરી અને ફિલ્મ પણ રીલિઝ થઇ. આફ્ટર ઓલ વિદ્યાનું સિલ્વર સ્ક્રીન પર ચમકવાનું સપનું સાકાર થયું અને ત્યાં તેની બીજી એક મલયાલમ ફિલ્મ પણ રીલિઝ થવામાં સફળ થઇ. હજી તો તેની કરિયર ઠીકઠાક થવા મથી રહી હતી ત્યાં પ્રદીપ સરકારના હાથમાં ‘પરિણીતા’ ફિલ્મનો પ્રોજેક્ટ આવ્યો. તેના મનમાં તો હિરોઇન નક્કી જ હતી અને તેણે નિર્માતા વિધુ વિનોદ ચોપરાને મનાવી પણ લીધા. અંતે હિન્દી સિનેમામાં વિદ્યાના કદમ પડ્યા અને તેના અભિનય પર વિવેચકો વરસી પડ્યા અને તેણે દર્શકોના દિલ પણ જીતી લીધા.

વિધુ વિનોદ ચોપરાએ વિદ્યાના અભિનય પર વિશ્ર્વાસ કરીને રાજ કુમાર હિરાણીને ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઇ’ માટે વિદ્યાના નામનો પ્રસ્તાવ મૂક્યો. જે રાજુએ સરળતાથી સ્વીકારી લીધો અને પછી જે થયું એ ઇતિહાસ જાણીતો છે. ‘લગે રહો મુન્નાભાઇ’માં વિદ્યાની અદા જોઇને મહાનાયક અમિતાભ બચ્ચન વિદ્યાના દિવાના બની ગયા હતા. રાતોરાત સ્ટાર બનેલી વિદ્યાની સામે સારી સારી ફિલ્મોની ઓફર થવા લાગી. વિદ્યાએ પણ ધમાકો બોલાવી દીધો અને સિનેવર્લ્ડમાં તેના નામનું પ્રભુત્વ જમાવી દીધું. એવોર્ડ સમારંભ હોય કે હટકે ફિલ્મ. પહેલું નામ વિદ્યાનું બોલાવા લાગ્યું. આજે જે ખિતાબ કંગના રનૌતના નામે છે એ ચાર વર્ષ પહેલાં વિદ્યાના નામે હતો. વિદ્યા પણ એક એવી અભિનેત્રી છે જેણે પોતાનું સ્ટારડમ એકપણ ખાનના સહારા વગર મેળવ્યું છે. વિદ્યાને લેડી આમિર ખાનનું બિરુદ આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાની ફિલ્મનો હીરો તો તે પોતે જ હતી. મહાનાયક અમિતાભ બચ્ચનની ‘પા’ ફિલ્મમાં તેણે સાબિત કરી આપ્યું હતું કે વિદ્યા એ ખરેખર ફિલ્મી દુનિયાની વિદ્યા છે.

જ્યારે વિદ્યાની ફિલ્મી કરિયર તેજોમય હતી એ અરસામાં એટલે કે ડિસેમ્બર, ર012માં તેણે સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરી લીધાં. સંસારમાં જેવા તેણે પ્રભુતામાં પગલાં માંડ્યાં કે તેની ફિલ્મી કરિયર ટ્રેક પરથી જ ફંટાઇ ગઇ. લગ્નનો સ્વાદ માણ્યા પછી એકપણ સફળતા વિદ્યાને મળી નથી. જેમ તેના નામે લગાતાર હિટ આપવાનો રેકોર્ડ છે તેમ વર્ષ ર012 પછી સતત ફ્લોપ ફિલ્મ આપવાનો પણ તેના નામે એક રેકોર્ડ અકબંધ છે. એક રીતે વિદ્યાનું આ કમબેક નથી પણ ફૂલ એન્ડ ફાઇનલ ટેસ્ટ છે તેમ કહી શકાય. જ્યારે જ્યારે ઉચ્ચ દરજ્જાની અભિનેત્રીઓએ ફિલ્મી કમબેક કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે તેને નિષ્ફળતા જ મળી છે. અમુક અપવાદોને બાદ કરતાં માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર, કાજોલ, જુહી ચાવલા, રાની મુખર્જી, ઐશ્ર્વર્યા રાય બચ્ચન વગેરે વગેરે. રવિના ટંડને એક-બેથી વધુ વખત કમબેક કરવાનો પ્રયાસ કર્યો છે અને હજી તે કરી રહી છે. તેની આગામી ફિલ્મ ‘માતૃ’ 21 એપ્રિલના રોજ રજૂ થવાની છે. રવિના ટંડનની કરિયર તો પૂરી થઇ ગઇ છે અને આ તો તેના માટે બધુ બોનસ સમાન છે. પરંતુ વિદ્યા બાલન માટે હજી લાંબી ઇનિંગ્સ બાકી છે. વિદ્યા ફિલ્મ ‘બેગમ જાન’થી ફરી તેની ‘કહાની’માં સાઇડ ઇફેક્ટ લાવી શકે છે કે નહીં એ તો રાજાધિરાજ દર્શકો જ નક્કી કરશે.

જ્યારે જ્યારે ઉચ્ચ દરજ્જાની અભિનેત્રીઓએ ફિલ્મી કમબેક કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે તેને નિષ્ફળતા જ મળી છે. ત્યારે વિદ્યાનું આ કમબેક કેવું રહેશે?…

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ